/indian-express-gujarati/media/media_files/2026/01/20/us-greenland-mission-india-us-trade-deal-2026-01-20-11-07-08.jpg)
India US Trade Deal: ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાના કડક વલણે વિશ્વભરના દેશોને સુરક્ષા મામલે પુનર્વિચાર કરવા મજબૂર કર્યા છે. Photograph: (Nano Banana)
India US Trade Deal: જાન્યુઆરી 2026ની શરૂઆતમાં જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડ મિશન શરુ કરી ચર્ચામાં આવ્યા, ત્યારે વિશ્વને લાગ્યું કે આ માત્ર એક જમીની સોદો છે. પરંતુ, વાસ્તવમાં આ આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં એક ખતરનાક વળાંક હતો. ગ્રીનલેન્ડ પરના તાજેતરના અમેરિકી ટેરિફ અને દબાણની રણનીતિએ સાબિત કરી દીધું છે કે અમેરિકા સાથેના વ્યાપારી સંબંધો કે ટ્રેડ ડીલ કોઈ પણ દેશ માટે 'સુરક્ષા કવચ' નથી. ભારત માટે આ ઘટનાક્રમ એક ગંભીર ચેતવણી સમાન છે. અમેરિકાની નીતિ પરથી ભારત માટે શું બોધપાઠ લેવા જેવો છે?
ગ્રીનલેન્ડ મિશન: અમેરિકાનો ટેરિફનો પ્રહાર
17 જાન્યુઆરી 2026ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની અને ફિનલેન્ડ સહિતના યુરોપીય દેશો પર 10% આયાત શુલ્ક (Import Tariff) લાદવાની જાહેરાત કરી. આનું કારણ માત્ર એટલું જ હતું કે આ દેશોએ ડેનમાર્કના એ નિર્ણયનું સમર્થન કર્યું હતું જેમાં ગ્રીનલેન્ડ પર અમેરિકાને નિયંત્રણ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
અમેરિકાએ સ્પષ્ટ રીતે ધમકી આપી કે જો 1 જૂન 2026 સુધીમાં ગ્રીનલેન્ડની ખરીદી પર સમજૂતી નહીં થાય, તો આ ટેરિફ વધારીને 25% કરવામાં આવશે. આ ઘટના દર્શાવે છે કે અમેરિકા ટેરિફનો ઉપયોગ માત્ર વેપાર માટે નહીં, પણ રાજકીય દબાણ અને સંસાધનો પર કબજો કરવા માટે એક હથિયાર તરીકે કરે છે.
અમેરિકા ટ્રેડ ડીલ: સુરક્ષાની ગેરંટી કે માત્ર ભ્રમ?
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં લાંબા સમયથી એવી માન્યતા હતી કે જો કોઈ દેશ અમેરિકા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અથવા મોટી ટ્રેડ ડીલ કરે છે, તો તે અમેરિકી આર્થિક દબાણથી સુરક્ષિત થઈ જાય છે. પરંતુ 2026ના આંકડા કંઈક અલગ જ વાત ઉજાગર કરી રહ્યા છે.
કેનેડાની સ્થિતિ: અમેરિકાનો સૌથી નજીકનો દેશ કે જે સુરક્ષા ભાગીદાર હોવા છતાં કેનેડાને 35% ટેરિફનો સામનો કરવો પડ્યો.
યુરોપનો અવિશ્વાસ: એક સર્વે મુજબ, 76% જર્મન નાગરિકો હવે અમેરિકાને એક અવિશ્વસનીય ભાગીદાર માને છે.
વ્યૂહાત્મક સ્વાયત્તતા: વિશ્વના દેશો હવે સમજી રહ્યા છે કે અમેરિકા પરની એકતરફી નિર્ભરતા જોખમી બની શકે છે.
ભારત માટે ચેતવણી: શું આપણે વધુ પડતી છૂટ આપી રહ્યા છીએ?
છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાના દબાણ હેઠળ ભારતે ઘણા મહત્વના વ્યૂહાત્મક નિર્ણયો લીધા છે જેની કિંમત લાંબા ગાળે ચૂકવવી પડી શકે છે એવુ હવે સ્પષ્ટ થતુ દેખાય છે.
ચબહાર પોર્ટ: દાયકાઓના રોકાણ પછી ભારતે આ વ્યૂહાત્મક પ્રોજેક્ટથી અંતર જાળવવું પડ્યું.
ઉર્જા આયાત: ઈરાન અને વેનેઝુએલા જેવા દેશો પાસેથી સસ્તું તેલ આયાત કરવાનું બંધ કરવું પડ્યું.
રશિયન ડિફેન્સ ડીલ: રશિયા પાસેથી ઉર્જા અને સંરક્ષણ આયાતમાં કાપ મૂકવા માટે અમેરિકાનું સતત દબાણ.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) ના ફાઉન્ડર અજય શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ, વોશિંગ્ટન સાથેના વેપાર કરારો કોઈ નિશ્ચિત સુરક્ષા પ્રદાન કરતા નથી. યુરોપ અને કેનેડાનો અનુભવ ભારત માટે પાઠ છે કે ગમે તેટલી છૂટછાટો છતાં વ્હાઇટ હાઉસ કોઈપણ સમયે તેની નીતિ બદલી શકે છે.
ટેકનોલોજી અને સાર્વભૌમત્વ: સ્ટારલિંક જેવો ખતરો?
GTRI રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે સેટેલાઇટ નેટવર્ક જેવા ટેકનોલોજી પ્લેટફોર્મ રાષ્ટ્રીય સુરક્ષા માટે પડકાર બની શકે છે. ઈરાનનું ઉદાહરણ આપણી સામે જ છે, જ્યાં સ્ટારલિંક (Starlink) નો ઉપયોગ વિરોધ પ્રદર્શનોને પ્રોત્સાહન આપવા થયો હોવાનું સામે આવી રહ્યું છે.
આ પણ વાંચો | Board of Peace: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને બોર્ડ ઓફ પીસ માટે આપ્યું આમંત્રણ, જાણો શું છે ટ્રમ્પનો ગાઝા શાંતિ પ્લાન
આ જોતાં હવે જ્યારે સ્ટારલિંકના લોન્ચિંગની વાતો ચાલી રહી છે, ત્યારે તેને માત્ર ડિજિટલ કનેક્ટિવિટી તરીકે નહીં પણ રણનીતિક જોખમ (Strategic Risk) તરીકે પણ જોવાની જરૂર છે.
ભારતનો ભાવિ માર્ગ: સંતુલન અને સ્વાધિનતા
ભારત માટે ચીન તરફ ઝૂકવું એ વિકલ્પ નથી, પરંતુ અમેરિકાના શરણે જવું એ પણ ઉકેલ નથી. ભારતે પોતાની 'વ્યૂહાત્મક સ્વાયત્તતા' (Strategic Autonomy) જાળવી રાખવા માટે નીચેના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
- ભાગીદારોમાં વિવિધતા: માત્ર એક દેશ પર નિર્ભર રહેવાને બદલે ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુરોપિયન યુનિયન સાથે મજબૂત સંબંધો પર ધ્યાન આપવું રહ્યું.
- આત્મનિર્ભરતા: ઉર્જા અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સ્વદેશી સંસાધનોનો વિકાસ કરવો જરુરી.
- પરસ્પર હિતો પર ભાર: કોઈપણ કરારમાં 'ગિવ એન્ડ ટેક' ની નીતિ સ્પષ્ટ હોવી જોઈએ નહીં કે એકદમ ઝુકી જવું.
દેશનું હિત અને સંયમ જ શક્તિ
ગ્રીનલેન્ડ પ્રકરણથી ડોનાલ્ડ ટ્રમ્પ એવો સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે કે અમેરિકી ટ્રેડ ડીલ એ કાયમી સુરક્ષા કવચ નથી પણ એક અસ્થાયી વ્યવસ્થા છે. ભારત અમેરિકા સંબંધો (India USA Relations) માં નવી દિલ્હીએ તેના સાર્વભૌમ નિર્ણયો અને વ્યૂહાત્મક હિતોનો સોદો કરવો જોઈએ નહીં. અસ્થિર વૈશ્વિક વ્યવસ્થામાં આપણી પોતાની નિર્ણય લેવાની ક્ષમતા જ આપણી અસલી શક્તિ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us