New Parliament Building Inauguration: નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સાથે જ ભારતે ગુલામીના પ્રતીકને ભૂતકાળમાં છોડી દીધો છે. ઉદ્ઘાટન પ્રસંગે વિપક્ષે ભલે સરકારનો વિરોધ કર્યો હોય પરંતુ પાડોશી દેશ ચીને ભારતના ઘણી પ્રશંસા કરી છે. ચીનના સત્તાવાર મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે નવી સંસદ વિશે ભારતના ઘણા વખાણ કર્યા છે. ચીને કહ્યું કે ભારતે ગુલામીના પ્રતીકોને ખતમ કરવાનું વધુ સારું કામ કર્યું છે. ગ્લોબલ ટાઇમ્સે એમ પણ કહ્યું કે એશિયા અને દુનિયા એટલી મોટી છે કે ચીન અને ભારત બંને સાથે મળીને આગળ વધી શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (28 મે)નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી બ્રિટીશ ઔપનિવેશક સમયગાળા દરમિયાન લગભગ એક સદી પહેલા બાંધવામાં આવેલી જૂની સંસદને સંગ્રહાલયમાં ફેરવવામાં આવશે.
કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના અગ્રણી અખબાર ગ્લોબલ ટાઇમ્સે પોતાના તંત્રીલેખમાં નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કર્યો છે અને ડિકોલોનાઇઝેશન માટે સમર્થન આપવાની વાત કરી છે. જ્યારે અન્ય રાષ્ટ્રો દ્વારા અગાઉ ગુલામ બનાવવામાં આવેલા દેશો રાજકીય રીતે સ્વતંત્ર બને છે અથવા તેમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આપણે તેને ડિકોલોનાઇઝેશન કહીએ છીએ.
ગ્લોબલ ટાઇમ્સે શું લખ્યું?
ગ્લોબલ ટાઇમ્સના તંત્રીલેખનું શીર્ષક છે કે ‘અમે નૈતિક રૂપે, ભાવનાત્મક રૂપથી ભારતના ડિકોલોનાઇઝેશનનું સમર્થન કરીએ છીએ’ તેમાં લખવામાં આવ્યું છે કે નવી ઇમારતને મોદી વહીવટીતંત્રના સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પ્રોજેક્ટનો મુખ્ય પ્રોજેક્ટ માનવામાં આવે છે, જેનો હેતુ ભારતીય રાજધાનીને ગુલામી યુગની નિશાનીઓમાંથી મુક્ત કરવાનો છે. પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું હતું કે નવી સંસદ માત્ર એક ઇમારત નથી, પરંતુ તે આત્મનિર્ભર ભારતના સૂર્યોદયની સાક્ષી બનશે.
આ પણ વાંચો – પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન પીએમ નરેન્દ્ર મોદીના પગે પડ્યા, પ્રોટોકોલ તોડી સૂર્યાસ્ત પછી રાજકીય સન્માન આપ્યું
આ ઇમારતની કિંમત લગભગ 120 મિલિયન ડોલર છે અને તેમાં મોર, કમળના ફૂલો અને વડના વૃક્ષો જેવા રાષ્ટ્રીય પ્રતીકોનો સમાવેશ થાય છે, જે ભારતના પરંપરાગત ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. ડિકોલોનાઇઝેશન તરફ ભારત સરકારનું આ પગલું છે.
મોદી સરકારે મિટાવ્યા છે ગુલામીના નિશાન
છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોદી સરકારે પોતાને એક ઉભરતા ભારતની છબી તરીકે રજૂ કરવા માટે પોતાને સમર્પિત કરી દીધા છે, જે સ્વતંત્ર આત્મવિશ્વાસ પર ભાર મૂકે છે. ભારતે ગુલામીના પ્રતીકોને દૂર કરવા માટે પણ મોટા પાયે પગલાં લીધાં છે. જેમાં આઇકોનિક ઇમારતોના નામ બદલવા અને નવીનીકરણનો સમાવેશ થાય છે. મોદી સરકારે ઔપનિવેશક ઇતિહાસ સાથે સંકળાયેલી બજેટ પદ્ધતિઓમાં ફેરફાર કર્યો છે, તેમજ અંગ્રેજીના સત્તાવાર ઉપયોગને ઘટાડીને હિન્દી ભાષાનો ઉપયોગ વધારવાના પ્રયાસો પણ કર્યા છે. ભારતનું રાષ્ટ્રીય ગૌરવ જળવાઈ રહે તે માટે ચીન આવા પગલાંમાં ભારતને સ્પષ્ટપણે ટેકો આપે છે.
ભારત લગભગ 200 વર્ષ સુધી બ્રિટીશ શાસન હેઠળ ગુલામ રહ્યું હતું અને તેના ઘા ભારતમાં ખૂબ ઊંડા છે. ભારત સરકારે નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટની સામે સ્થિત રાજા જ્યોર્જ પંચમની પ્રતિમાને હટાવી હતી. ત્યારબાદ 8 સપ્ટેમ્બર 2022ના રોજ મોદી સરકારે ઇન્ડિયા ગેટની સામે રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરી દીધું હતું.
બંને દેશો સાથે મળીને આગળ વધી શકે છે
ભારત માટે સૌથી પડકારજનક સ્થિતિ એ છે કે ગુલામીના નિશાનને સંસ્કૃતિ અને લોકોના દિલોમાંથી હટાવવાની છે. જે નામ બદલવા કે લેબલ દૂર કરવા કરતાં ઘણું મુશ્કેલ છે. એડિટોરિયલમાં આગળ લખ્યું છે કે અમે ભારતને તેના લક્ષ્યાંકો હાંસલ કરવામાં સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. એશિયા અને દુનિયા એટલી બધી વિશાળ છે કે તેઓ ચીન અને ભારત બંનેના એક સાથે ઉદયને સમાવી શકે છે.
ભારતના વિકાસ માટે ચીનની ઈચ્છાઓ સાચી છે. ચીની સમાજમાં બહુ ઓછા લોકો માને છે કે ભારતનો આર્થિક અને સામાજિક વિકાસ ચીન માટે ખતરો બની જશે. મોટાભાગના લોકો સંમત થાય છે કે બંને દેશો પરસ્પર સફળતા પ્રાપ્ત કરી શકે છે. અમે આશા રાખીએ છીએ કે ચીન અને પશ્ચિમ સાથે વ્યવહાર કરતી વખતે ભારત પણ આવી સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ બતાવી શકે છે. આ સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ એ વાતનો મોટો સંકેત છે કે ભારત ખરેખર ગુલામીના છાયામાંથી બહાર આવ્યું છે.