પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની મુશ્કેલી સતત વધી રહી છે. પાકિસ્તાનના એક જિલ્લા જજે ઇમરાન ખાન સામે બિન જામીનપાત્ર વોરન્ટ જાહેર કર્યું છે. આ વોરન્ટ એક મહિલા જજ અને સીનિયર પોલીસ અધિકારીઓ સામે ધમકીવાળી ભાષાનો ઉપયોગ કરવા બદલ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે આ મામલાની સુનાવણી કરતા સીનિયર સિવિલ જજ રાણા મુજાહિદ રહીમે પોલીસને આદેશ આપ્યો કે પૂર્વ પીએમને તેમની સામે 29 માર્ચ પહેલા હાજર કરો.
સુનાવણી દરમિયાન જજ રાણા મુજાહિદે કહ્યું કે કોર્ટ આગામી કાર્યવાહીમાં મામલાને ફગાવવાની માંગ કરતી ઇમરાન ખાનની અરજી પર દલીલ સાંભળશે. તમને જણાવી દઈએ કે ઇમરાન ખાને 20 ઓગસ્ટના રોજ શહબાજ ગિલને કથિત અટકાયતમાં લઇને ટોર્ચર કરવાને મામલે પોલીસની સાથે-સાથે ન્યાયપાલિકાની ટિકા કરી હતી અને જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી IGP ડો અકબર નાસિર ખાન, ડીઆઈજી અને અતિરિક્ત જિલ્લા અને સત્ર જજ ચેબા ચૌધરી સામે કેસ નોંધાવશે.
ઇમરાન ખાન સામે આ કલમો અંતર્ગત કેસ નોંધાયો
શરૂઆતમાં ઇમરાન ખાન સામે પાકિસ્તાન પીનલ કોડ અને એન્ટી ટેરીરિઝમ એક્ટની વિભિન્ન કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો. આ સિવાય ઇસ્લામાબાદ હાઇકોર્ટે પણ તેમની સામે કોર્ટ કાર્યવાહીની અવમાનના શરુ કરી છે. જોકે ઇમરાન ખાન દ્વારા અવમાનના મામલામાં માફી માંગ્યા પછી ઇસ્લામાબાદ હાઇકોર્ટે ઇમરાન સામે આતંકવાદનો આરોપ હટાવી દીધો હતો.
આ પણ વાંચો – સાઉદી અરેબિયા અને ઈરાનના સંબંધો સુધરશે? દુનિયા માટે શું છે તેનો અર્થ
સોમવારે સુનાવણી શરૂ થતા જ તેમની પાર્ટી PTI તરફથી ઇમરાન ખાનને વ્યક્તિગત રીતે હાજર રહેવામાંથી છૂટ આપવાની વિનંતી કરતી અરજી દાખલ કરી હતી. જોકે જજ રાણા મુજાહિદ રહીમે ચેતવણી આપતા કહ્યું કે જો પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન આજે કોર્ટમાં હાજર ન થયા તો તેમની સામે બિન જામીનપાત્ર વોરન્ટ જાહેર કરવામાં આવી શકે છે.