Pakistan economic crisis : પાકિસ્તાનનું આર્થિક સંકટ વધી રહ્યું છે. ક્રૂડ ઓઈલની ઉપલબ્ધતા ન હોવાના કારણે તેની સૌથી મોટી રિફાઈનરીને તાળા લાગી જવાના સમાચાર ભૂતકાળમાં આવ્યા હતા. ખાણી-પીણી સહિત તમામ જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. પાકિસ્તાનને હવે આ સંકટમાંથી બહાર આવવા માટે માત્ર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી જ આશા છે. જો કે IMFએ ફરી એકવાર પાકિસ્તાનને લોન આપવાનો ઈન્કાર કરી દીધો છે. IMFએ પાકિસ્તાન સામે એક શરત મૂકી છે કે જો તેને મદદ જોઈતી હોય તો તેણે તેના સંરક્ષણ બજેટમાં કાપ મૂકવો પડશે. છેવટે, ચાલો આપણે વિગતવાર સમજીએ કે શા માટે IMF પાકિસ્તાનને લોન નથી આપી રહ્યું.
IMF કેવી રીતે કામ કરે છે?
સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે, IMF (આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ) શું છે. IMF એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે તેના સભ્ય દેશોના આર્થિક વિકાસ, વેપારને પ્રોત્સાહન વગેરે માટે કામ કરે છે. જ્યારે જરૂર પડે ત્યારે તે આર્થિક મદદ પણ કરે છે. તેની સ્થાપના 1945માં બ્રેટોન વુડ્સ કરાર હેઠળ કરવામાં આવી હતી. હાલમાં વિશ્વના 190 દેશો તેના સભ્ય છે. તેનું હેડક્વાર્ટર અમેરિકાના વોશિંગ્ટનમાં આવેલું છે. એક રિપોર્ટ અનુસાર, IMF પાસે એક ટ્રિલિયન યુએસ ડોલર જેટલી લોન આપવાની ક્ષમતા છે.
વોટિંગથી નક્કી થાય છે કે લોન કોને મળશે?
IMF આર્થિક સંકટમાં દેશોને મદદ કરે છે. જો કે આ માટે સભ્ય દેશોની સહમતિ જરૂરી છે. આ માટે મતદાનની પ્રક્રિયા અપનાવવામાં આવે છે. અહીં ખાસ વાત એ છે કે, વોટનું મૂલ્ય તમામ દેશો માટે સરખું હોતું નથી. આ માટે ક્વોટા પ્રક્રિયા અનુસરવામાં આવે છે. IMF સભ્ય દેશો પાસેથી ક્વોટા અને સબ્સ્ક્રિપ્શન દ્વારા નાણાં એકત્રિત કરવામાં છે. અમેરિકા IMFને સૌથી વધુ પૈસા આપે છે, તેથી તેના વોટની કિંમત પણ સૌથી વધુ છે.
આ પણ વાંચો – Turkey Earthquake: ભારતીય યુવકનો કાટમાળમાંથી મળ્યો મૃતદેહ, મૃત્યુઆંક 25 હજારને પાર
મતનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે?
IMF પાસે તેની પોતાની કૃત્રિમ મુદ્રા છે. તેને SDR કહેવામાં આવે છે. આ ચલણ 1969 માં બનાવવામાં આવ્યું હતું. મતદાન સમયે, એક મતની કિંમત આશરે 1,00,000 SDR જેટલી છે. IMFની વેબસાઇટ અનુસાર, IFF પાસે SDR 713 બિલિયનની સમકક્ષ ધિરાણ કરવાની ક્ષમતા છે. હવે તમારા મનમાં સવાલ થશે કે, એ કેવી રીતે નક્કી થશે કે કયા દેશના વોટની કિંમત કેટલી હશે? આ માટે દેશો તેમના ક્વોટામાંથી SDR ખરીદે છે. જો સરળ ભાષામાં સમજીએ તો તેઓ IMF માટે ફંડ આપે છે. દેશ જેટલું ફંડ આપે છે તેટલું તેના વોટનું મૂલ્ય વધારે છે. યુએસ પાસે હાલમાં 82,994 મિલિયન SDR છે. આવી સ્થિતિમાં તેમની પાસે 16.50 ટકા મતદાન અધિકાર છે. ભારત 13,114.4 મિલિયન SDR ધરાવે છે અને 2.64% મતદાન અધિકાર ધરાવે છે. બીજી તરફ પાકિસ્તાનની વાત કરીએ તો તેની પાસે 2031 મિલિયન SDR છે અને તેનો વોટિંગ રાઈટ 0.43 ટકા છે.