G7 summit Japan: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે જી-7 સમિટમાં ભાગ લેવા જાપાનના હિરોશિમાં પહોંચી ગયા છે. આ સમિટ દરમિયાન પીએમ મોદી વિશ્વના ઘણા નેતાઓ સાથે વાતચીત કરશે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી પ્રથમ વખત હિરોશિમામાં મુલાકાત કરશે. છેલ્લા કેટલાક દિવસોથી બંને નેતાઓ પત્રો, વીડિયો કોલ અને ફોન કોલ દ્વારા વાતચીત કરી રહ્યા હતા.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સંદર્ભમાં આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બંને નેતાઓ યુક્રેનની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરે તેવી સંભાવના છે. જેના દ્વારા રાજદ્વારી ઉપાયો શોધીને તણાવ ઓછો કરવા અને પ્રદેશમાં સ્થિરતા પુન:સ્થાપિત કરવાની આશા છે.
જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે પીએમ મોદીની ઝેલેન્સ્કી સાથેની આ મુલાકાતનો એજેન્ડા શું રહેવાનો છે પણ જેવું ભારતનું સ્ટેન્ડ રહ્યું છે તેને જોતા ફરી એક વખત શાંતિ સ્થાપિત કરવા પર ભાર આપવામાં આવશે. રશિયા-યુક્રેન યુદ્ધને લઇે વૈશ્વિક મંચો પર જ્યારે વોટિંગની વાત આવી છે ત્યારે ભારતનું સ્ટેન્ડ ન્યુટ્રલ રહ્યું છે. ભારતે કોઇના પક્ષમાં વોટ ના કરીને પોતાનું તટસ્થ વલણ બતાવ્યું છે.
આ પણ વાંચો – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 મે ના રોજ નવા સંસદ ભવનનું લોકાર્પણ કરશે
મંગળવારે રશિયાએ કિવ પર જોરદાર એર સ્ટ્રાઇક કરી હતી
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. રશિયાએ મંગળવારે રાજધાની કિવને નિશાન બનાવીને ભીષણ હવાઈ હુમલો કર્યો હતો પરંતુ યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમે તેને નિષ્ફળ બનાવી દીધો હતો અને તમામ 18 મિસાઈલોને તોડી પાડી હતી.
જાપાન જતા પહેલા પીએમ મોદીએ શું કહ્યું
જાપાન રવાના થતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું જાપાનનાં પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાનાં આમંત્રણ પર જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા જાપાનનાં હિરોશિમા જઈ રહ્યો છું. તાજેતરમાં ભારત-જાપાન સમિટ માટે ભારતની મુલાકાત પછી પ્રધાનમંત્રી કિશિદાને ફરી મળવાનો આનંદ થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ જી-7 સમિટમાં મારી હાજરી વિશેષ રુપથી સાર્થક છે, કારણ કે આ વર્ષે જી-20ની અધ્યક્ષતા ભારત પાસે છે. હું જી-7 દેશો અને અન્ય આમંત્રિત ભાગીદારો સાથે વિશ્વ સમક્ષના પડકારો અને તેમને સામૂહિક રીતે સંબોધિત કરવાની જરૂરિયાત પર વિચારોનું આદાનપ્રદાન કરવા માટે આતુર છું. હું હિરોશિમા જી-7 સમિટમાં ભાગ લેનારા કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરીશ.
પ્રધાનમંત્રીએ જાપાનથી પોર્ટ મોરેસ્બી, પાપુઆ ન્યૂ ગિનીનો પ્રવાસ કરશે. જે કોઇપણ ભારતીય પ્રધાનમંત્રીની પાપુઆ ન્યુ ગિનીની પ્રથમ યાત્રા રહેશે.