Turkey-Syria Earthquake LIVE Updates: સોમવારે સવારે તુર્કી અને સીરિયામાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ એક પછી એક અનેક વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભયંકર ભૂકંપના કારણે હજારો બિલ્ડિંગો ધરાશાયી થઈ હતી. ભૂકંપે બંને દેશોમાં વિનાશવેરી નાંખ્યો હતો. આ બંને દેશોમાં મૃત્યુઆંક 7700ને વટાવી ચૂક્યો છે. હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે. તબાહીના આ દિવસોમાં મદદ કરવા માટે વિદેશોથી રેસ્ક્યૂ ટીમો પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથધરી છે.
હજારો લોકો ઘરથી બેઘર થયા
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપે પત્તાના મહેલની માફક અનેક બિલ્ડિંગોને ધરાશાયી કરી દીધી હતી. બિલ્ડિંગોના કાટમાળમાં અનેક લોકો દબાયાની આશંકા છે યારે હજારો લોકોએ પોતાનો આધાર ગુમાવ્યો હતો. બિલ્ડિંગો ધરાશાયી થવાના કારણે હજારો લોકો ઘરથી બેઘર થયા હતા.
તુર્કી અને સીરિયાની મદદ માટે ભારતે શું શું મોકલ્યું?
ભારત તુર્કી અને સીરિયા માટે એક મહાન મદદગાર તરીકે ઉભરી આવ્યું છે. ભારતમાંથી NDRFની બે ટીમો આ દેશોમાં મોકલવામાં આવી છે. ભારતીય વાયુસેનાનું પહેલું C-17 વિમાન આપત્તિ રાહત સામગ્રી અને બચાવ ટુકડીઓ સાથે તુર્કીમાં લોકોની મદદ માટે અદાના પહોંચી ગયું છે. આ સિવાય ભારતીય સેનાની મેડિકલ ટીમ પણ તુર્કી જવા રવાના થઈ રહી છે. જેમાં ડોક્ટરોની ટીમ પણ સામેલ છે.
વિદેશી એસ જયશંકરે ટ્વીટ કર્યું કે NDRFના 50 થી વધુ સર્ચ અને રેસ્ક્યૂ કર્મચારીઓ તુર્કી પહોંચી ગયા છે. તેમાં પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ, ડ્રિલિંગ મશીન, રાહત સામગ્રી, દવાઓ અને અન્ય આવશ્યક સાધનોનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે બીજું વિમાન પણ પ્રસ્થાન માટે તૈયાર થઈ રહ્યું છે. જણાવી દઈએ કે સોમવારે પીએમઓ તરફથી એવી માહિતી પણ મળી હતી કે તુર્કીમાં ભૂકંપ પ્રભાવિત લોકોની મદદ માટે ભારતથી એક ટીમ મોકલવામાં આવશે.
ભારતીય સેના તુર્કીમાં 30 બેડની હોસ્પિટલ બનાવશે
ભારતીય સેના પણ તુર્કીની મદદ માટે આગળ આવી છે. આગ્રા સ્થિત આર્મી ફિલ્ડ હોસ્પિટલે 89 સભ્યોની મેડિકલ ટીમ તુર્કી મોકલી છે. આ ટીમમાં ઓર્થોપેડિક સર્જિકલ ટીમ, જનરલ સર્જિકલ સ્પેશિયાલિસ્ટ ટીમ, મેડિકલ સ્પેશિયાલિસ્ટ ટીમ સહિત ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ટીમનો સમાવેશ થાય છે. ટીમો તુર્કીમાં અત્યાધુનિક 30 બેડની હોસ્પિટલ સ્થાપશે. ટીમો એક્સ-રે મશીન, વેન્ટિલેટર, ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, કાર્ડિયાક મોનિટર અને સંબંધિત સાધનોથી સજ્જ છે.