ટ્રમ્પ શા માટે Greenland ખરીદવા માંગે છે? જાણો આર્થિક અને રાજકીય કારણો!

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શા માટે Greenland ખરીદવા માંગે છે? આ નિર્ણય પાછળના રાજકીય અને આર્થિક હેતુઓ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો! સંપૂર્ણ વિગત અહીં વાંચો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શા માટે Greenland ખરીદવા માંગે છે? આ નિર્ણય પાછળના રાજકીય અને આર્થિક હેતુઓ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો! સંપૂર્ણ વિગત અહીં વાંચો

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Donald Trump Greenland Deal | ટ્રમ્પ ગ્રીનલેન્ડ ખરીદવા ઇચ્છે છે

Donald Trump Greenland Deal | ટ્રમ્પ ગ્રીનલેન્ડ ખરીદવા ઇચ્છે છે (ફોટો ક્રેડિટ સોશિયલ)

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ગ્રીનલેન્ડ ખરીદવામાં રસ દર્શાવ્યો છે. જોકે ગ્રીનલેન્ડે ફરીથી જણાવ્યું છે કે તે વેચાણ માટે નથી. આ નિવેદનોને લઇને અમેરિકા ગ્રીનલેન્ડ વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ટ્રમ્પ શા માટે ગ્રીનલેન્ડ ખરીદવા માંગે છે? ગ્રીનલેન્ડ યુએસ માટે શા માટે મહત્વનું છે? યુએસએ છેલ્લે ક્યારે પ્રદેશો ખરીદ્યા હતા અને ગ્રીનલેન્ડને હસ્તગત કરવા માટે ભૂતકાળમાં કયા પ્રયાસો કર્યા હતા? આ ત્રણ મુદ્દાઓ સમજી આ સમગ્ર વિવાદ અંગે જાણીએ.

Advertisment

અમેરિકામાં ફરી એકવાર સત્તાનું સુકાન સંભાળતાં જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકશનમાં આવ્યા છે. તેમણે પનામા કેનાલ પર કબજો લેવાની ધમકી આપી અને કહ્યું હતું કે કેનેડા યુએસએનું 51મું રાજ્ય હોવું જોઈએ. ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ઇચ્છા ધરાવનાર ટ્રમ્પ પ્રથમ યુએસ પ્રમુખ નથી. અગાઉ પણ આવું થયું છે. ગ્રીનલેન્ડમાં એવું તો શું છે કે યૂએસની નજર એની પર છે.

યૂએસ માટે Greenland શા માટે મહત્વનું છે?

ગ્રીનલેન્ડ ભૌગોલિક સ્થિતિ વિશે વાત કરીએ તો એટલાન્ટિક મહાસાગરમાં, યુરોપ અને ઉત્તર અમેરિકા વચ્ચે, કેનેડાથી બેફિન ખાડીની પાર સ્થિત છે. ગ્રીનલેન્ડ એક સમયે ડેનિશ વસાહત હતું અને હાલમાં ડેનમાર્કનો સ્વાયત્ત વિસ્તાર છે. શીત યુદ્ધ દરમિયાન તેનું મહત્વ વધ્યું હતું. યુએસ પાસે ત્યાં એક વિશાળ પિટફિક સ્પેસ બેઝ છે. જે અગાઉ થુલે એર બેઝ હતું.

અમેરિકા અહીં પોતાનું આધિપત્ય જમાવવા ઇચ્છે છે એનું કારણ દેખીતું છે. ગ્રીનલેન્ડથી, યુએસ રશિયા, ચીન અથવા તો ઉત્તર કોરિયાથી તેની તરફ આવતી કોઈપણ મિસાઈલ પર નજર રાખી શકે છે અને તેને અટકાવી શકે છે. એ જ રીતે, તે ગ્રીનલેન્ડથી એશિયા અથવા યુરોપ તરફ મિસાઇલો અને જહાજોને વધુ સરળતાથી છોડી શકે છે.

Advertisment

ગ્રીનલેન્ડ ભૂસ્તરશાસ્ત્રની દ્રષ્ટિએ પણ અમૂલ્ય છે. આ વિસ્તાર દુલર્ભ ખનિજોથી સમૃદ્ધ છે. જેનો ઉપયોગ મોબાઇલ ફોન, ઇલેક્ટ્રિક વાહનો અને અન્ય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ તેમજ બોમ્બ અને અન્ય શસ્ત્રોમાં પણ થાય છે. હાલમાં, ચીન આ ખનિજોનો મુખ્ય સપ્લાયર છે. 2021 માં, ગ્રીનલેન્ડે યુરેનિયમ માઇનિંગ પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો છે.

ગ્લોબલ વોર્મિંગ પડકાર માટે પણ ગ્રીનલેન્ડ મહત્વનું સાબિત થઇ શકે એમ છે. ગ્લોબલ વોર્મિંગને લીધે બરફ ઓગળી રહ્યો છે.આ સંજોગોમાં આર્કટિક પ્રદેશમાં નવા જળમાર્ગો ખુલી શકે એમ હોવાથી મોટી શક્તિઓ અહીં એમની ઉપસ્થિતિ વધારવા ઇચ્છી રહી છે. જે કારણે પણ યૂએસ ગ્રીનલેન્ડ પર કબજો મેળવવા આતુર હોઇ શકે છે.

યુએસએ ગ્રીનલેન્ડ હસ્તગત કરવાનો પ્રયાસ

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ એમના અગાઉના કાર્યકાળ દરમિયાન ગ્રીનલેન્ડ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે મોટી રિયલ એસ્ટેટ ડિલ ગણાવી આ ખરીદી માટે પ્રસ્તાવ મુક્યો હતો. જ્યારે ડેનિશ પીએમ મેટ ફ્રેડરિક્સેને આ વિચારને વાહિયાત ગણાવી નકારી કાઢ્યો હતો.

ટ્રમ્પ પહેલા પણ ગ્રીનલેન્ડ ડિલ માટે પ્રયાસ થયો હતો. 1946માં બીજા વિશ્વ યુદ્ધના અંત પછી યુએસ પ્રમુખ હેરી એસ યુમેને ગ્રીનલેન્ડ માટે ડેનમાર્કને 100 મિલિયન ડોલરની ઓફર પણ કરી હતી. તેમણે ગ્રીનલેન્ડના અમુક ભાગો માટે અલાસ્તાના અમુક હિસ્સો આપવા માટે પણ તૈયારી દર્શાવી હતી. જોકે આ દરખાસ્ત આગળ વધી ન હતી.

યુએસએ અગાઉ કયા પ્રદેશો ખરીદ્યા?

અમેરિકાને પોતાનો સ્વાર્થ સાધવામાં માહિર માનવામાં આવે છે. મલાઇ દેખાય ત્યાં નજર જમાવી એને હસ્તગત કરવામાં અમેરિકાને સારી હથોટી છે. અલાસ્કાની ખરીદી એ સૌથી મોટું ઉદાહરણ છે. 1867માં રશિયા પાસેથી 7.2 મિલિયન ડોલરમાં અલાસ્કાનો પ્રદેશ ખરીદ્યો હતો. જેનાથી યૂએસમાં અંદાજે 1.5 મિલિયન ચોરસ કિલોમીટર વિસ્તારનો વધારો થયો હતો. સમય જતાં અલાસ્કા અમેરિકાનું આધુનિક રાજ્ય બન્યું છે.

આ અગાઉ 1803 માં યુએસએ ફ્રાન્સ પાસેથી લ્યુઇસિયાના ડિલ અંતર્ગત 2 મિલિયન ચોરસ કિલોમીટરથી વધુ જમીન ખરીદી હતી. એ સમયે થોમસ જેફરસન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. ફ્રાન્સને આ સોદા માટે 15 મિલિયન ડોલર ચૂકવ્યા હતા.

આ ઉપરાંત 1917 માં યુએસએ ડેનિશ વેસ્ટ ઇન્ડિઝ કેરેબિયન ટાપુઓનો સમુહ ખરીદ્યો હતો. આ ડિલ પછી તે યુએસ વર્જિન ટાપુઓ તરીકે ઓળખાયા.

ગ્રીનલેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રેન્ડિંગ ન્યૂઝ