ગૌતમ અદાણીની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. હિંડબર્ગ રિસર્ચની રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં વેચવાલીનું દબાણ વધી રહ્યુ છે. આ દરમિયાન અદાણી ગ્રૂપે ત્રણ કંપનીઓએ તેનું શેરહોલ્ડિંગ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ની એક પેટા કંપની એસબીઆઇ કેપ ટ્રસ્ટી પાસે ગીરવે મુક્યું છે. અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુારીના રોજ પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રૂપની કંપનીઓ પર શેરમાં સટ્ટાકીય પ્રવૃત્તિ અને જંગી દેવું હોવાનો આરોપ મૂક્યો હતો. ત્યારબાદ ગ્રૂપની કંપનીઓની માર્કેટ વેલ્યૂમાં 100 અજબ ડોલરથી વધુ ધોવાણ થયુ છે.
કઇ ત્રણ કંપનીના શેર ગીરવે મૂક્યા
શેર બજારને કરેલા ફાઇલિંગ મુજબ અદાણી ગ્રૂપની માલિકીની અદાણી પોર્ટ અને સેઝ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જી કંપનીએ દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIની એક પેટાકંપની એસબીઆઇ કેપ ટ્રસ્ટ કંપનીને પોતાના શેર ગીરવે મૂક્યા છે.
કેટલા શેર ગીરવે મૂક્યા
અદાણી પોર્ટ-સેઝ કંપનીએ 75 લાખથી વધારે કે 0.35 ટકા ઇક્વિટી શેર ગીરવે મૂક્યા છે. આ સાથે કંપનીના પ્લેજ્ડ ઇક્વિટી શેરની સંખ્યા 2.15 કરોડ શેર કે 1 ટકા થઇ ગઇ છે. તેવી જ રીતે અદાણી ગ્રીન એનર્જી કંપનીના 60 લાખ કે 0.38 ટકા શેર ગીરવે મૂકવામાં આવ્યા છે. આમ કંપનીના ગીરવે મૂકાયેલા શેર હોલ્ડિંગનું કુલ પ્રમાણ વધીને 1.0.6 ટકા કે 1.68 કરોડ શેર સુધી પહોંચી ગયુ છે.
તો અદાણી ટ્રાન્સમિશન કંપનીના વધુ 13 લાખ ઇક્વિટી શેર કે 0.11 ટકા હિસ્સો એસબીઆઇકેપ પાસે પ્લેજ્ડ કરાયો છે. આ સાથે કંપનીના ગીરવે મૂકાયેલા શેરનું પ્રમાણ કુલ 62.17 લાખ ઇક્વિટી શેર કે 0.55 ટકા હિસ્સો જેટલા થઇ ગયુ છે.
આ પણ વાંચોઃ અદાણી-હિંડનબર્ગ વિવાદમાં સેબી એક્શનમાં, અદાણીના FPOના રોકાણકારોની તપાસ કરશે
ઓસ્ટ્રેલિયન પ્રોજેક્ટની માટે લીધુ છે જંગી ધિરાણ
એસબીઆઇ એ અદાણી ગ્રૂપના ઓસ્ટ્રિલિયા સ્થિત કાર્માઇકલ કોલ માઇનિંગ પ્રોજેક્ટને 30 કરોડ ડોલરની સ્ટેન્ડબાઇ લેટર ઓફ ક્રેડિટે એટલે કે ધિરાણની સુવિધા આપી હતી. જે હેઠલ ગ્રૂપની ત્રણ કંપનીઓના કેટલાક શેર ગીરવે મૂકવામાં આવ્યા છે. 140 ટકાના આવશ્યક કોલેટરલ કવરેજની પ્રત્યેક મહિનાના અંતે સમીક્ષા કરવામાં આવે છે અને કોઇ પણ અછતને ટોપ-અપના રૂપમાં પુરી કરવામાં આવે છે. પાછલા વર્ષે જૂન અને જુલાઇમાં ટોપ-અપ કરવામાં આવ્યું હતું અને ત્રીજું ટોપ-અપ ગત 8 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે.
અદાણી ગ્રૂપના તમામ લિસ્ટેડ શેર તૂટ્યા, સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઇસ
અદાણી ગ્રૂપના શેર માટે નવા સપ્તાહની શરૂઆત જ ભારે ધબડકા-કડાકા સાથે થઇ છે. અદાણી ગ્રૂપની માલિકીની શેરબજારમાં લિસ્ટેડ તમામ 10 કંપનીઓના શેર વેચવાલીના ભારે દબાણમાં સેલર સર્કિટ સાથે રેડ ઝોનમાં બંધ થયા છે, જેમાં સૌથી વધુ ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસ 7 ટકા ખાબક્યો હતો. તો એસીસી લિમિટેડનો શેર સૌથી ઓછો 3 ટકા તૂટ્ય હતો. અન્ય તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં પાંચ ટકાનો કડાકો બોલાયો છે.
અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેર પર એક નજર
કંપનીનું નામ | આજનો બંધ ભાવ | વધ/ઘટ |
---|---|---|
અદાણી એન્ટરપ્રાઇસ | 1717 | -7.03% |
અદાણી પોર્ટ-સેઝ | 553 | -5.25% |
અંબુજા સિમેન્ટ | 342 | -5.17% |
અદાણી ટ્રાન્સમિશન | 1126 | -5.00% |
અદાણી ટોટલ ગેસ | 1195 | -5.00% |
અદાણી વિલ્મર | 414 | -5.00% |
અદાણી પાવર | 156 | -5.00% |
અદાણી ગ્રૂપ એનર્જી | 687 | -5.00% |
એનડીટીવી | 198 | -5.00% |
એસીસી લિમિટેડ | 1823 | -3.06% |