સિનિયર સિટીઝન કરદાતાઓ માટે આગામી બજેટ 2023 કેવું રહેશે? શું નાણામંત્રી નિર્મલા સીતારમન આ વખતે સિનિયર સિટીઝનો માટે કોઈ ખાસ જાહેરાત કરી શકે છે? હવે બજેટ 2023 રજૂ થવાને થોડાંક જ દિવસ બાકી છે ત્યારે આ પ્રશ્નો માત્ર ઉંમર લાયક કરદાતાઓના મનમાં જ નહીં, પણ તેમના પરિવારજનોના મનમાં પણ ઉદ્ભવી રહ્યો છે. ચાલો જાણીએ, એવા ક્યા પગલાંઓ છે, જેનો અમલ કરીને નાણામંત્રી સિનિયર સિટીઝન લોકોને રાહત આપી શકે છે.
મૂળભૂત કરમુક્તિની મર્યાદામાં વધારો
હાલમાં, 60 વર્ષથી વધુ વયના વડીલો માટે ઇન્કમ ટેક્સમાં મૂળભૂત કરમુક્તિની મર્યાદા વાર્ષિક 3 લાખ રૂપિયા છે. એટલે કે આટલી વાર્ષિક આવક પર તેમને કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. 80 વર્ષથી ઉપરના સુપર સિનિયર સિટીઝનો માટે આ વાર્ષિક આવક કર મુક્તિની મર્યાદા 5 લાખ રૂપિયા છે. ઘણા લોકો માને છે કે સરકારે તમામ વૃદ્ધો લોકો માટે વાર્ષિક આવકની કરમુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા કરવી જોઈએ, કારણ કે 60 વર્ષ પછી આવક અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓનો સામનો બધા વડીલોએ સમાન રીતે કરવો પડે છે.
હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પરની કર કપાતમાં વધારો
હાલમાં, સિનિયર સિટીઝન દ્વારા હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી માટે વર્ષમાં 50,000 રૂપિયા સુધીનું પ્રીમિયમ ચૂકવવા પર કર કપાતનો લાભ મળે છે. આ લાભ તેમના બાળકો માટે પણ ઉપલબ્ધ છે જેઓ તેમના વત્તી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ ચૂકવે છે. સિનિયર સિટીઝન માટેની આરોગ્ય વીમા પોલિસીનું પ્રીમિયમ સામાન્ય રીતે ઘણું ઊંચું હોય છે. તેને ધ્યાનમાં રાખતા સિનિયર સિટીઝન માટેના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પરની કરકપાતન મર્યાદા વધારીને ઓછામાં ઓછી 1 લાખ રૂપિયા કરવી જોઈએ. જે સંતાનો તેમના વૃદ્ધ માતા-પિતા માટે આરોગ્ય વીમો ખરીદે છે તેમને પણ આ કરકપાતનો લાભ મળવો જોઈએ.

મેડિકલ ખર્ચને કર મુક્ત કરો
મોટાભાગની સ્વાસ્થ્ય વીમા પૉલિસીમાં ઓપીડીમાં થતી સારવારનો ખર્ચ, ડૉક્ટરની ફી, દવાના બિલ અને મેડિકલ તપાસના ખર્ચ જેવી બાબતોને આવરી લેવામાં આવતી નથી. જ્યારે સામાન્ય રીતે ઉંમર લાયક વ્યક્તિઓની સારવારમાં આવા ખર્ચનો હિસ્સો ઘણો વધારે હોય છે. રિટાયરમેન્ટ લાઇફ જીવતા લોકો માટે દવાખાનાનો મોંધો ખર્ચ જાતે ઉઠાવવો સરળ નથી. આવી સ્થિતિમાં તેમના દ્વારા હોસ્પિટલ અને મેડિકલ પાછળ ખર્ચવામાં આવેલી રકમ પર ટેક્સ ચૂકવવો પડે, તો તેમને બેવડો માર પડે છે, જેનાથી તેમને બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આદર્શ સ્થિતિ એવી હોવી જોઈએ કે સરકારે તમામ વૃદ્ધોની મફત સારવારની વ્યવસ્થા કરવી જોઈએ. પરંતુ જો આ શક્ય ન હોય તો, ઓછામાં ઓછું તેમની સારવાર માટેના વાસ્તવિક ખર્ચ કોઈપણ મર્યાદા વિના સંપૂર્ણપણે કરમુક્ત કરવો જોઈએ.
વ્યાજ સ્વરૂપે થતી કમાણીની કર મુક્તિ મર્યાદામાં વધારો
હાલમાં સિનિયર સિટીઝનને બેંક કે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં મૂકેલી બચતમાંથી મળતા 50 હજાર રૂપિયા સુધીના વાર્ષિક વ્યાજ પર કર કપાતનો લાભ મળે છે.પરંતુ ઉંચા મોંઘવારી દરને જોતા તેમાં વધારો કરવાની જરૂર છે. આ ઉપરાંત, ઘણા ઉંમર લાયક વ્યક્તિઓ માટે આવકનો મુખ્ય સ્ત્રોત તેમની બચત પર મળતું વ્યાજ છે. આવી સ્થિતિમાં વ્યાજરૂપી થતી કમાણી પરની કર મુક્તિનો દાયરો ઓછામાં ઓછો 1 લાખ રૂપિયા સુધી વધારવો જોઈએ. આવી રાહત ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટમાંથી મળતા વળતર પર પહેલેથી જ ઉપલબ્ધ છે, પરંતુ મોટા ભાગના વૃદ્ધ લોકો માટે ઇક્વિટીમાં રોકાણ કરવું શક્ય નથી અને સામાન્ય રીતે તેમની ઓછી જોખમ ક્ષમતાને કારણે તેમને શેરબજારમાં કરવાની સલાહ આપવામાં આવતી નથી. આવી સ્થિતિમાં તેમને 1 લાખ રૂપિયા સુધીની વાર્ષિક વ્યાજરૂપી કમાણીને ટેક્સમાંથી મુક્તિ આપવી એ ખૂબ જ વ્યાજબી પગલું હશે.
પેન્શનને કરમુક્ત બનાવો
સિનિયર સિટીઝન દ્વારા કરાતી આ માંગણી ઘણી જૂની છે. જ્યારે તેઓ લાંબા સમય સુધી કામગીરી કે નોકરી કર્યા બાદ નિવૃત્ત થાય છે, ત્યારે તેમને તેમમે કરેલી જીવનભરની બચત જ કામમાં આવે છે. સામાન્ય રીતે તેમાં કોઈ વધારો થતો નથી અથવા તે ઘણો ઓછો વધારો થાય છે. જ્યારે મોંઘવારી આસમાને પહોંચી રહી છે. આવી સ્થિતિમાં, નિવૃત્તિ સમયે પેન્શનની રકમ ભલે પુરતી લાગતી હોય તો પણ થોડાક વર્ષો પછી તે ઓછી થવા લાગે છે. ઉપરાંત તેમની તમામ પેન્શન અથવા વાર્ષિકી આવક પર આવકવેરો ચૂકવવો પડે છે. જેના કારણે તેમની જમામૂડી પણ ઘટતી જાય છે. તેથી, જો અસાર સરકાર સિનિયર સિટીઝનને પેન્શનમાંથી થતી આવકને સંપૂર્ણપણે કરમુક્ત બનાવે છે, તો તે ખૂબ જ પ્રશંસનીય પગલું હશે.

SCSS, PMVVYમાં રોકાણની મર્યાદા વધારો
હાલ સિનિયર સિટીઝનને નિશ્ચિત આવકના ફાયદા આપતી બે મુખ્ય યોજનાઓ છે – સિનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS) અને પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY). પરંતુ તેમાં રોકાણની મહત્તમ મર્યાદા હાલમાં 15 લાખ રૂપિયા છે. પરંતુ હાલની મોંઘવારીને ધ્યાનમાં લેતાં, ઉંમર લાયક વ્યક્તિઓ માટે આટલી મૂ઼ડી આત્મ સમ્માન સાથે જીવન જીવવા માટે પુરતી નથી. તેથી, સરકારે આ યોજનામાં રોકાણની મર્યાદા વધારવા પર વિચાર કરવો જોઈએ.
IT રિટર્ન ફાઇલ ભરવાની મુક્તિનો દાયરો વધારો
હાલના નિયમો હેઠળ, 75 વર્ષથી વધુ ઉંમરના જે વડીલો માત્ર પેન્શન અને વ્યાજમાંથી જ આવક મેળવે છે અને તેમને વ્યાજ પણ એ જ બેંકમાંથી મળે છે જેમાં તેમનું પેન્શન જમા છે, તો આવા કિસ્સા તેમના માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જરૂરી નથી. સરકારે આ સુવિધાનો વ્યાપ વિસ્તારવાનું વિચારવું જોઈએ. 75 વર્ષની જગ્યાએ આ રાહત 60 કે 65 વર્ષથી વધુ વયના ઉંમર લાયક વ્યક્તિઓને પણ આપી શકાય છે અને તેનાથી સંબંધિત શરતોને પણ સરળ બનાવી શકાય છે. PAN કાર્ડ અને આધાર કાર્ડના લિકિંગથી તમામ બેંક ખાતા દરેક કરદાતાની પ્રોફાઇલ સાથે જોડાયેલા છે. તેથી, સરકાર માટે આમ કરવું મુશ્કેલ નહીં હોય.
1 ફેબ્રુઆરી 2023ના રોજ રજૂ થનાર બજેટ એ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પૂર્વેનું સત્તાધારી સરકારીનું છેલ્લું પૂર્ણ બજેટ હશે. આથી જ તમામ કરદાતાઓ આ વખતે સરકાર પાસેથી વધારે રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ ખરેખર તેમની અપેક્ષા પુરી થાય છે કે નહીં, તે તો બજેટના દિવસે જ ખબર પડશે.