દામિની નાથ : ચૂંટણી પંચે (Election Commission) 1 ઓગસ્ટથી 12 ડિસેમ્બરની વચ્ચે નોંધાયેલા મતદારો પાસેથી 54.32 કરોડ આધાર કાર્ડ (Adhaar Card) એકત્ર કર્યા હતા. આમાંથી એક પણ આધારને વોટર આઈડી (Voter ID) સાથે લિંક કરવાની પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. ચૂંટણી પંચે 15 ડિસેમ્બરે માહિતી અધિકાર (RTI) હેઠળ ઈન્ડિયન એક્સપ્રેસને આ જાણકારી આપી છે.
સંસદે ચૂંટણી કાયદા (સુધારા) અધિનિયમ, 2021 પસાર કર્યા પછી ચૂંટણી પંચે ઓગસ્ટ 1 ના રોજ વિશેષ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં મતદાર ID સાથે લિંક કરવા માટે આધાર નંબર એકત્રિત કરવાની સત્તા આપી હતી.
17 જૂનના રોજ, કાયદા મંત્રાલયે 1 એપ્રિલ, 2023 છેલ્લી તારીખ તરીકે સૂચિત કર્યું હતું કે, મતદારો ફોર્મ 6-બી ભરીને મતદાર ID સાથે લિંક કરવા માટે તેમનો આધાર સબમિટ કરી શકે છે. ગયા અઠવાડિયે, ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે કુલ 95 કરોડ નોંધાયેલા મતદારોમાંથી લગભગ અડધા લોકોએ તેમના આધારને મતદાર ID સાથે લિંક કર્યા છે.
આ પણ વાંચો – આજનો ઇતિહાસ : 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ, 450 વર્ષ બાદ ‘પોર્ટુગીઝ રાજ’ સમાપ્ત થયો
RTI જવાબમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે ચૂંટણી પંચે 4 જુલાઈએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓને 1 ઓગસ્ટથી ફોર્મ-6Bમાં મતદારોના આધાર નંબર એકત્ર કરવા માટેનો કાર્યક્રમ હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો. જોકે, ચૂંટણી પંચના પ્રવક્તાએ હજુ સુધી લિન્કિંગ કેમ શરૂ નથી થયું તે અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
આ દરમિયાન, શુક્રવારે લોકસભામાં સાંસદો રિતેશ પાંડે, પ્રદ્યુત બોરદોલોઈ અને સૈયદ ઈમ્તિયાઝ જલીલના પ્રશ્નના જવાબમાં કાયદા પ્રધાન કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરી હતી કે, આધાર અને મતદાર આઈડી લિંક ન કરવા બદલ કોઈ પણ મતદારને યાદીમાંથી દૂર કરવામાં આવશે નહીં.