ગૌતમ અદાણીને બે દિવસમાં બીજો ફટકો લાગ્યો છે. ફ્રાન્સ બાદ હવે દુનિયાના સૌથી મોટા સ્ટોક ઇન્વેસ્ટર નોર્વે વેલ્થ ફંડે અદાણી ગ્રૂપની કંપનીઓની વિવિધ કંપનીઓમાં રહેલું પોતાનું સંપૂર્ણ શેરહોલ્ડિંગ વેચી દીધું છે અને હવે એક રૂપિયાનું પણ રોકાણ ન હોવાનું જણાવ્યું છે. એક દિવસ અગાઉ બુધવારે ફ્રાન્સની ટોટલએનર્જીસ કંપનીએ અદાણી ગ્રૂપના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં પ્રસ્તાવિત મૂડીરોકાણની યોજના હાલ સ્થગિત કરી હોવાની માહિતી આપી હતી. અમેરિકાની હિંડનબર્ગ રિસર્ચ ફર્મના રિપોર્ટ ગૌતમ અદાણ અને તેમના અદાણી ગ્રૂપની પડતી શરૂ થઇ છે.
દુનિયાના સૌથી મોટા રોકાણકારે અદાણી ગ્રૂપના બધા જ શેર વેચી દીધા
વિશ્વના સૌથી મોટા શેર રોકાણકાર નોર્વે વેલ્થ ફંડે જણાવ્યું છે કે તેણે અદાણી જૂથની વિવિધ કંપનીઓમાં રહેલું તેનું તમામ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ વેચી દીધું છે અને હવે આ જૂથમાં તેનું કોઈ એક્સપોઝર બચ્યું નથી. 1.35 લાખ કરોડ ડોલરનું રોકાણ ધરાવતા નોર્વેના આ સોવરિન વેલ્થ ફંડે વર્ષ 2022ના અંત સુધીમાં અદાણી જૂથની ત્રણ કંપનીઓમાં કુલ 20 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું.
અદાણી ગ્રૂપની કઇ કંપનીઓમાં કેટલું રોકાણ હતું
નોર્વેના આ સોવરિન વેલ્થ ફંડે વર્ષ 2022ના અંત સુધીમાં અદાણી જૂથની ત્રણ કંપનીઓમાં કુલ 20 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. રોઇટર્સના અહેવાલ મુજબ વર્ષ 2022ના અંત સુધીમાં અદાણી જૂથની વિવિધ કંપનીઓમાં નોર્વે વેલ્થ ફંડનું ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ આ મુજબ હતું :
- અદાણી ટોટલ ગેસ – 8.36 કરોડ ડોલરનું રોકાણ
- અદાણી પોર્ટ્સ અને સેઝ – 6.34 કરોડ ડોલરનું રોકાણ
- અદાણી ગ્રીન એનર્જી – 5.27 કરોડ ડોલરનું રોકાણ
અદાણી ગ્રૂપ પર અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચના આરોપોને લઈને દેશ અને દુનિયામાં ચાલી રહેલા વિવાદ વચ્ચે નોર્વેના વેલ્થ ફંડે ગુરુવારે એક મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે હવે તેનું અદાણી ગ્રુપની કંપનીઓમાં કોઈ એક્સ્પોઝર એટલે કે રોકાણ નથી. અદાણી ટોટલ ગેસના ત્રિમાસિક પરિણામ પણ ગુરુવારે જ આવી ગયા છે. પરંતુ સારા પરિણામો છતાં, કંપનીનો શેર NSE પર 5 ટકાના ઘટાડે 1,321 રૂપિયા પર બંધ થયો, આનું કારણ માર્કેટનું નકારાત્મક સેન્ટિમેન્ટ છે.
નોર્વેના વેલ્થ ફંડનું 9200 કંપનીઓના શેરમાં રોકાણ
નોર્વેના વેલ્થ ફંડના ESG રિસ્ક મોનિટરિંગના હેડ ક્રિસ્ટોફર રાઈટે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ગત વર્ષના અંતથી, તેમનું ફંડ અદાણી ગ્રુપની કંપનીઓમાં તેનું રોકાણ ઘટાડી રહ્યું હતું અને હવે આ કંપનીઓમાં અમારું કોઈ રોકાણ નથી.” ક્રિસ્ટોફરે ઉમેર્યુ હતું કે, તેમનું ફંડ ESG-સંબંધિત મુદ્દાઓ પર ઘણા વર્ષોથી અદાણી જૂથ પર નજર રાખે છે, જેમાં તેઓ પર્યાવરણીય જોખમોના મામલે તેમની કામગીરી કરવાની રીત સામેલ છે. અહીં ESG એટલે એન્વાર્યમેન્ટલ (Environmental), સોશિયલ (Social) અને ગવર્નન્સ (Governance)નો સમાવેશ થાય છે. નોર્વે વેલ્થ ફંડે વિશ્વભરની લગભગ 9200 કંપનીઓના શેરમાં રોકાણ કરેલુ છે અને વિશ્વભરના તમામ લિસ્ટેડ શેરોમાં લગભગ 1.3 ટકા હોલ્ડિંગ ધરાવે છે. નોર્વેની સરકાર સાથે સંબંધિત આ ફંડનું સંચાલન ત્યાંની મધ્યસ્થ બેંક કરે છે.
આ પણ વાંચોઃ ગૌતમ અદાણીની મુશ્કેલી વધી, ફ્રાંસની કંપનીએ અદાણી ગ્રૂપના પ્રોજેક્ટમાં રોકાણ અટકાવ્યું
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણીની ‘દશા બેઠી
છેલ્લા એક પખવાડિયાની અંદર અદાણી ગ્રૂપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં જબરદસ્ત કડાકો નોંધાયો છે. અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીએ ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપની કપનીઓ પર ગંભીર આક્ષેપ કરતો રિપોર્ટ બહાર પાડ્યો હતો. ત્યારબાદથી જ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં લગભગ 70 ટકા સુધીનું ધોવાણ થયુ છે. લિસ્ટેડ કંપનીઓના શેરમાં જંગી ધોવાણથી ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં જે અગાઉ નંબર – 3 પર હતા ત હાલ ટોપ-20થી બહાર ફેંકાઇ ગયા છે.