અદાણી જૂથે રવિવારે ન્યૂયોર્ક સ્થિત હિંડનબર્ગ રિસર્ચના અહેવાલનો જડબાતોડ આપ્યો હતો. આ અંતર્ગત અદાણી જૂથે તેની કંપનીઓ સામેના આરોપોની તુલના “ભારત પર આયોજિત હુમલા” સાથે કરી હતી.
ભારત પર આયોજિત હુમલો: અદાણી જૂથ
હિંડનબર્ગના 106 પાનાના રિસર્ચ રિપોર્ટનો અદાણી જૂથે 413 પાનામાં જવાબ આપ્યો હતો. અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે, “આ માત્ર ચોક્કસ કંપની પર અનિચ્છનીય હુમલો નથી, પરંતુ એક ષડયંત્ર છે. તે ભારત, ભારતીય સંસ્થાઓની સ્વતંત્રતા, અખંડિતતા અને ગુણવત્તા ઉપરાંત ભારતની વિકાસગાથા અને મહત્વાકાંક્ષા પર હુમલો છે.”
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના FPOના બે દિવસ પૂર્વ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ પર, જૂથે જણાવ્યું હતું કે, “અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ ભારતમાં ઇક્વિટી શેર્સની સૌથી મોટી જાહેર ઓફર હાથ ધરે છે ત્યારે તેના સમયને ધ્યાનમાં લેતા અહેવાલમાં સમાવિષ્ટ દૂષિત હેતુ સ્પષ્ટ છે.”
અદાણી જૂથે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “હિંડનબર્ગ રિપોર્ટ ન તો સ્વતંત્ર છે કે ન તો ઉદ્દેશ્ય કે પછી ન સારી રીતે સંશોધન કરાયું છે. અદાણી ગ્રુપ તમામ લાગુ કાયદા અને નિયમોને અનુસરે છે. વધુમાં અદાણી જૂથે જણાવ્યું હતું કે, આ અહેવાલ પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપોથી સંબંધિત પસંદગીની ખોટી માહિતી અને છુપાયેલા તથ્યોનું દૂષિત સંયોજન છે”.
હિંડનબર્ગ રિસર્ચની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવતા અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે, “મુંઝવણની વાત એ છે કે, પારદર્શિતા અને નિખાલસતાની શોધ કરનાર સંગઠન માટે હિંડનબર્ગ કે તેના કર્મચારીઓ અથવા તેના રોકાણકારો વિશે વધુ માહિતીનો અભાવ છે. હિંડનબર્ગ વેબસાઇટનો આરોપ છે કે, સંસ્થા પાસે દાયકાઓનો અનુભવ છે છતાં તેની સ્થાપના 2017માં જ થઈ હોવાનું જણાય છે. વિમાન દુર્ઘટના સાથે હિન્ડેનબર્ગનું જોડાણ છે.
આ પણ વાંચો: Adani share priceમાં ઘટાડાની LIC ઉપર પણ દેખાઈ અસર, જાણો કેટલું થયું નુકસાન
24 જાન્યુઆરીએ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બુધવાર અને શુક્રવારના છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં અદાણીની 10 લિસ્ટેડ કંપનીઓએ માર્કેટ કેપમાં રૂ. 4.17 લાખ કરોડનું નુકસાન કર્યું હતું.
હિંડનબર્ગ શું છે?
હિંડનબર્ગ ખરેખર તો એક ફોરેન્સિક ફાઈનાન્શિયલ રિસર્ચ ફર્મ છે જે ઈક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્સનું વિશ્લેષણ કરે છે. હિંડનબર્ગ કંપનીમાં કોઈપણ કંપનીમાં થતી ગેરરીતિઓને શોધી કાઢીને તેના પર એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને પછી તેને પબ્લિશ કરાય છે. તેમાં એકાઉન્ટિંગ ગરબડ, મેનેજમેન્ટ સ્તરની ખામીઓ અને અનડિસ્ક્લોઝ્ડ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન જેવા પાસાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. તે નફો કમાવવા માટે ટારગેટ કંપની વિરુદ્ધ બેટ લગાવે છે. હિંડનબર્ગ ફર્મની વેબસાઈટ પર એવું સ્પષ્ટ લખેલું છે કે તે ‘Man-Made Disasters’ પર નજર રાખે છે.
અદાણી ગ્રૂપ અંગ હિંડનબર્ગનો આ ખુલાસો
અદાણી ગ્રૂપ અંગે આવેલા એન્ડરસનના રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું કે અદાણી ગ્રૂપની તમામ કંપનીઓ લોન મામલે સવાલોના ઘેરામાં છે. રિપોર્ટમાં દાવો કરાયો કે ગ્રૂપની મુખ્ય 7 કંપનીઓ જે શેર માર્કેટમાં લિસ્ટેડ છે તેમાં 85 ટકાથી વધુ ઓવરવેલ્યૂઝ છે. હિંડનબર્ગ રિસર્ચના લેટેસ્ટ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ સામે 88 સવાલો ઊભા કરાયા હતા. જોકે તેનો રિપોર્ટ આવતા જ અદાણી ગ્રૂપની કંપનીઓના રોકાણકારોના સેન્ટીમેન્ટ પર માઠી અસર થઈ અને સતત ત્રણ દિવસથી અદાણી ગ્રૂપના શેરોમાં કડાકો બોલાઈ રહ્યો છે. જેના લીધે ગૌતમ અદાણી વિશ્વના ધનિકોની યાદીમાં ચોથા ક્રમેથી સરકીને 7મા ક્રમે આવી ગયા છે. અદાણી ગ્રૂપની માર્કેટ કેપ ૨ દિવસમાં 2.37 લાખ કરોડ સુધી ઘટી ગઈ છે. અદાણીની નેટવર્થ પણ ઘટીને 100.4 અબજ ડૉલર પર આવી ગઈ છે.