ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં તાજેતરના કડકાથી નાના રોકાણકારો સહિત મોટા સંસ્થાકીય રોકાણકારોને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે. જેમાં સરકારી માલિકીની વીમાકંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) એ 18,000 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
એક બાજુ ગૌતમ અદાણીની માલિકીની કંપનીઓના શેરમાં રોકાણકારો જંગી વેચવાલી કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ સરકારી માલિકીની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) અદાણી ગ્રૂપની કંપનીમાં જંગી રોકાણ કરવાની તૈયારી કરી રહી છે. ઉલ્લેખનિય છે કે, LIC એ ભારતીય શેરબજારનું સૌથી મોટું ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ એટલે કે સંસ્થાકીય રોકાણકાર છે અને ઇક્વિટી માર્કેટમાં જંગી ઇન્વેસ્ટમેન્ટ કરે છે.
LICને અદાણી ગ્રૂપના શેરમાં 18,000 કરોડ રૂપિયાનું નુકસાન
અદાણી ગ્રૂપ અંગે હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને કારણે દેશની સૌથી મોટી વીમા કંપની LICને 18,300 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આજે, હિંડનબર્ગના અહેવાલ પછી, અદાણી જૂથના શેરમાં 20 ટકા સુધીનો જંગી ઘટાડો નોંધાયો હતો. જીવન વીમા કોર્પોરેશને અદાણી જૂથની 7 કંપનીઓમાં રોકાણ કર્યું છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં LICએ અદાણી ગ્રૂપની કંપનીઓમાં કરેલા રોકાણનું મૂલ્ય રૂ. 18,300 કરોડ ઘટી ગયું છે. આ દરમિયાન અદાણી ગ્રુપના રોકાણકારોના 4 લાખ કરોડથી વધુ રૂપિયા ડૂબી ગયા હતા. અદાણી ટોટલ ગેસમાં સૌથી વધુ નુકસાન એલઆઈસીને થયું છે. કંપનીના રોકાણમાં 6350 કરોડનો ઘટાડો થયો છે.
LICને અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 2700 કરોડનું નુકસાન થયું છે. તેવી જ રીતે અદાણી ગ્રીનમાં 875 કરોડ રૂપિયા, અદાણી ટ્રાન્સમિશનમાં 3050 કરોડ રૂપિયા, અદાણી પોર્ટમાં 3300 કરોડ રૂપિયા, ACCમાં 570 કરોડ રૂપિયા, અંબુજા સિમેન્ટ્સમાં 1460 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આમ અદાણી ગ્રૂપની સાત કંપનીઓમાં LICને ને કુલ 18,305 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.
હિંડનબર્ગના રિપોર્ટથી અદાણી ગ્રૂપના શેરમાં ભૂકંપ
હિંડનબર્ગ રિસર્ચની રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં આજે 27 જાન્યુઆરી, 2023ના રોજ મસમોટો કડાકો બોલાયો છે. એક બાજુ રોકાણકારો અદાણી ગ્રૂપની કંપનીઓના શેર વેચીને ‘હળવા’ થઇ રહ્યા છે ત્યારે બીજી બાજુ સરકારી વીમા કંપની એલઆઇસી તેમાં વધારે રોકાણ કરવાનો પ્રયાસ કરી રહી છે. હિંડનબર્ગ રિસર્ચ તેના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ ઉપર ઉંચા દેવા અને તે શેરબજારમાં સટ્ટાકીય પ્રવૃત્તિ કરવાનો તેમજ બજારને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતી હોવાના આક્ષેપ કર્યા છે.
અદાણીના FPOમાં LIC કરશે 3 અબજ રૂપિયાનું રોકાણ
અદાણી ગ્રૂપની માલિકીની અદાણી એન્ટરપ્રાઇસિસ કંપની 22,000 કરોડ રૂપિયાનો (લગભગ 2.5 અજ ડોલર) ફોલોઓન પબ્લિક ઓફર (FPO) લાવી છે, જે ભારતીય શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો બીજો સૌથી મોટો FPO છે. અદાણી એન્ટરપ્રાઇસિસના FPOમાં શેર ખરીદવા એન્કર ઇન્વેસ્ટર્સની બીડ 25 જાન્યુઆરી, 2023ના રોજ ખુલી હતી.
અદાણીના આ 20,000 કરોડ રૂપિયાના FPOમાં સરકારી માલિકીની કંપની LICએ 3 અબજ રૂપિયા એટલે કે લગભગ 3.7 કરોડ ડોલરના શેર ખરીદવા માટે બીડ કરી છે. હાલ LIC અદાણી ગ્રૂપની કંપનીઓમાં સારા પ્રમાણમાં શેરહોલ્ડિંગ ધરાવે છે. હાલમાં એલઆઇસીનું અદાણી એન્ટરપ્રાઇસિસમાં 4.2 ટકા શેરહોલ્ડિંગ છે. અદાણી એન્ટરપ્રાઇસિસના FPOમાં શેર ખરીદવા 33 સંસ્થાકીય રોકાણકારોએ બીડ કરી છે જેમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને અલ મેહવાર કોમર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ્સ એલએલસીનો સમાવેશ થાય છે.
LIC પાસે 43 લાખ કરોડ રૂપિયાની એસેટ્સ
ગત વર્ષે શેરબજારમાં લિસ્ટેડ થયેલી LIC કંપની એ ભારતની સૌથી મોટી મૂલ્યવાન સરકારી વીમાકંપની છે. એલઆઇસીની એસટ્સ અંડર મેનેજમેન્ટ એટલે કે AUM 43 લાખ કરોડ રૂપિયા છે. LIC ભારતીય શેરબજારમાં એક મોટી સંસ્થાકીય રોકાણકાર છે, તે જ્યારે શેરજારમાં મંદી આવે છે ત્યારે વિવિધ કંપનીઓના શેર ખરીદે છે તેના ભાવ વધે ત્યારે વેચીને પ્રોફિટ બુકિંગ કરવાની માર્કેટ સ્ટ્રેટેજી અપનાવે છે.
અદાણી ગ્રૂપના મહત્વના 3 સમાચાર (1) હિંડનબર્ગના એક રિપોર્ટથી ગૌત્તમ અદાણીની ઉંઘ હરામ, અદાણી ગ્રૂપની કંપનીઓ સામે ગંભીર આક્ષેપો (2) અદાણી ગ્રૂપના શેરમાં ‘સેલર સર્કિટ’, એક જ દિવસમાં માર્કેટ વેલ્યૂમાં ₹ 3.4 લાખ કરોડનું ધોવાણ (3) ગૌતમ અદાણીને ઝટકો, એક જ દિવસમાં અધધધ… 22.6 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી
અદાણી ગ્રૂપની 5 કંપનીઓમાં LICનું રોકાણ
LIC અદાણી ગ્રૂપની 5 કંપનીઓમાં 1 ટકાથી લઇને 9 ટકા સુધીનો હિસ્સો ધરાવે છે. પ્રાપ્ત આંકડા અનુસાર LIC કંપની અદાણી એન્ટરપ્રાઇસિસમાં 4.2 ટકા, અદાણી પોર્ટ-સેઝમાં 9 ટકા, અદાણી ટ્રાન્સમિશન 3.7 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 1.3 ટકા અને અદાણી ટોટલ ગેસ કંપનીમાં 6 ટકા હિસ્સો ધરાવે છે.