ગૌતમ અદાણી બાદ અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે હવે તેના નવા રિપોર્ટમાં ટ્વિટરના સહ-સ્થાપક જેક ડાર્સીની કંપની બ્લોક ઇંક પર ગેરરીતિના ગંભીર આક્ષેપો કર્યા છે. હિન્ડેનબર્ગે તેના રિપોર્ટમાં જેક ડોર્સીની ફર્મ બ્લોક ઇંકે તેના રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો કર્યા છે. હિંડનબર્ગે આ રિપોર્ટમાં બ્લોક ઈંકની ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અમૃતા આહુજાનો પણ ઉલ્લેખ કર્યો છે. હિડનબર્ગ રિસર્ચે તેના નવા રિપોર્ટમાં ભારતીય મૂળની અમેરિકન નાગરિક અમૃતા આહુજા પર બ્લોક ઇંકના શેરને કથિત રીતે ડમ્પ કરવાનો આરોપ મૂક્યો છે. અમૃતા આહુજા કોણ છે અને બ્લોક ઇંક કંપનીમાં તેની ભૂમિકા શું છે, ચાલો જાણીયે
કોણ છે અમૃતા આહુજા?
અમૃતા આહુજા ભારતીય મૂળની અમેરિકન નાગરિક છે અને તે ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીની કંપની બ્લોક ઇંકમાં ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO)ની જવાબદારી સંભાળે છે. તે ફેબ્રુઆરી 2023માં જ બ્લોક ઇંક કંપનીમાં ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે જોડાઇ હતી.
શું અભ્યાસ કર્યો છે?
અમૃતા આહુજાએ તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ, ડ્યુક યુનિવર્સિટી અને હાર્વર્ડ સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કર્યો છે. વર્ષ 2019માં અમૃતા બ્લોકમાં જોડાઈ હતી. અગાઉ તેણે Airbnb, McKinsey & Company, Disney જેવી ઘણી મોટી કંપનીઓમાં કામ કર્યું છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, આહુજાના માતા-પિતા ભારતીય નાગરિક હતા અને તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા. ફોક્સમાં જોબ કરતી વખતે અમૃતાએ લોકપ્રિય મોબાઇલ ગેમ કેન્ડી ક્રશ, કૉલ ઑફ ડ્યુટી જેવી ઘણી લોકપ્રિય ગેમના ડેવલપમેન્ટ અને માર્કેટિંગ માટે પણ કામગીરી કરી છે. વર્ષ 2022ની ફોર્ચ્યુનની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં અમૃતા આહુજાનું પણ નામ હતું.
હિંડનબર્ગે જેક ડોર્સી અને બ્લોક ઇંક પર ક્યા આરોપ લગાવ્યો?
અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે તેના નવા રિપોર્ટમાં ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સી અને તેમની માલિકીની કંપની બ્લોક ઇંક પર શેરમાં ગેરરીતિ કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. ઉપરાંત જેમ્સ મેકકેલ્વે અને કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અમૃતા આહુજા પર કંપનીના લાખો ડોલરના શેર ડમ્પ કરવાનો આરોપ મૂક્યો છે. આ સાથે હિંડનબર્ગે કંપનીના સ્થાપકો પર શેરધારકોની સુરક્ષા ખાતરી કર્યા વિના પોતાનું રક્ષણ કરવાનો આરોપ પણ મૂક્યો છે.
હિંડનબર્ગ રિસર્ચે બે વર્ષ સુધી તપાસ કરી
બ્લોક ઇંક પર ગંભીર આક્ષેપ કરતો રિપોર્ટ પ્રકાશિત કરતી વખતે હિંડનબર્ગ રિસર્ચે કહ્યું કે, આ અહેવાલ બે વર્ષની તપાસ બાદ તૈયાર કરવામાં આવ્યો છે. તેની બે વર્ષની તપાસમાં હિંડેનબર્ગે શોધી કાઢ્યું કે, બ્લોક ઇંકે ખોટી રીતે ફાયદો મેળવ્યાનો આક્ષેપ કર્યો છે. ઉપરાંત એવો પણ દાવો કર્યો છે કે, કંપનીના બિઝનેસ પાછળ કોઈ મોટું ઈનોવેશન નથી, પરંતુ ગ્રાહકો અને સરકાર સાથે છેતરપિંડી કરવાનો ઈરાદો છે.

હિંડનબર્ગ રિસર્ચ અંગેના મુખ્ય સમાચાર (1) હિંડનબર્ગ રિસર્ચનો Twitterના સહ-સ્થાપક જેક ડોર્સી પર ગેરરીતિનો આક્ષેપ, એક જ દિવસમાં સંપત્તિમાં 52.6 કરોડ ડોલરનું ધોવાણ (2) હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ અગાઉ 17 કંપનીઓનો કર્યો ‘પર્દાફાશ’, વાંચો નાથન એન્ડરસનના કારનામાંઓની કહાણી (3) Hindenburg Research Report થી ચર્ચામાં આવેલા પત્રકારે અઢી વર્ષ બાદ મૌન તોડ્યું, ઠાકુરતાએ ખાસ મુલાકાતમાં શું કહ્યું?
બ્લોક ઇંકે આરોપો ફગાવ્યા
હિંડનબર્ગ રિસર્ચે તેના રિપોર્ટમાં કરેલા ગંભીર આરોપોને જેક ડાર્સીની કંપની બ્લોક ઇંકે ફગાવી દીધા છે. કંપનીએ કહ્યું કે, તેઓ હિંડનબર્ગ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે. આ રિપોર્ટ જારી થયા બાદ ગુરુવારે બ્લોક ઇંકના શેરમાં મોટો 20 ટકાથી વધારે કડાકો બાલોયો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણીની કંપનીઓ વિરુદ્ધ શેરના ભાવમાં ગેરરીતિ અને કૌભાંડનો આક્ષેપ કરતો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં 80 ટકા સુધીનો કડાકો બોલાયો અને ગૌતમ અદાણીની સંપત્તિમાં 100 અબજ ડોલરથી વધારે ધોવાણ થયું છે.