/indian-express-gujarati/media/media_files/2026/02/26/e20-petrol-2026-02-26-17-43-12.jpg)
E20 Petrol In India : ઇ20 પેટ્રોલ ઇંધણમાં E20 પેટ્રોલમાં 20% ઇથેનોલ અને 80% પેટ્રોલનું મિશ્રણ હોય છે. Photograph: (Freepik)
E20 petrol Mandatory from 1 April: કેન્દ્ર સરકારે 1 એપ્રિલ 2026 થી દેશભરમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20) નું વેચાણ ફરજિયાત બનાવ્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના 17 ફેબ્રુઆરીના નોટિફિકેશન મુજબ, તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ મહત્તમ 20% ઇથેનોલ મિશ્રણ સાથે મોટર સ્પિરિટ (પેટ્રોલ) સપ્લાય કરવું પડશે. ઉપરાંત, આ ઇંધણનો લઘુત્તમ રિસર્ચ ઓક્ટેન નંબર (RON) 95 હોવો જરૂરી રહેશે. આ નિયમ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પડશે, જો કે અપવાદરૂપ સંજોગોમાં મર્યાદિત સમયગાળા માટે છૂટછાટ આપવામાં આવી શકે છે.
E20 પેટ્રોલ શું છે?
E20 પેટ્રોલમાં 20% ઇથેનોલ અને 80% પેટ્રોલનું મિશ્રણ હોય છે. ઇથેનોલ એક બાયો ફ્યૂઅલ છે, જે મુખ્યત્વે શેરડી, મકાઈ અને અન્ય અનાજમાંથી તૈયાર કરવામાં આવે છે. તે પરંપરાગત પેટ્રોલ કરતાં સ્થાનિક રીતે ઉત્પાદિત રિન્યુએબલ અને ક્લિન ફ્યૂઅલ હોય છે.
E20 પેટ્રોલ થી શું ફાયદો થશે?
સરકારે ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા, વિદેશી હૂંડિયામણ બચાવવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રિત કરવાની નીતિ અમલમાં મૂકી છે. આ સિવાય ખેડૂતોની આવક વધારવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. સરકારના જણાવ્યા અનુસાર, 2014-15થી અત્યાર સુધીમાં ઇથેનોલ મિશ્રણથી 1.40 લાખ કરોડ રૂપિયાથી વધારે વિદેશી હૂંડિયામણની બચત થઈ છે.
95 RON શા માટે મહત્વપૂર્ણ છે?
RON એટલે કે રિસર્ચ ઓક્ટેન નંબર બળતણની "નોકિંગ" થી સુરક્ષા ક્ષમતાને દર્શાવે છે. નોકિંગ ત્યારે થાય છે જ્યારે એન્જિનમાં ઇંધણ અસામાન્ય રીતે બળી છે, જે લાંબા ગાળે પિંગિંગ અવાજ, પરફોર્મન્સમાં ઘટાડો અને એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે.
રિસર્ચ ઓક્ટેન નંબર જેટલો ઊંચો હશે, બળતણની સ્થિરતા વધુ સારી છે. ઇથેનોલનું કુદરતી ઓક્ટેન સ્તર લગભગ 108 RON છે અને 20 ટકા ઇથેનોલનું મિશ્રણ પેટ્રોલની નોકિંગ-રેઝિસ્ટન્ટ ક્ષમતામાં વધારો કરે છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે એન્જિનને સંભવિત નુકસાનથી બચાવવા માટે 95 RON ની જરૂરિયાત નક્કી કરી છે, ખાસ કરીને હાઇ-કમ્પ્રેશન એન્જિનમાં.
ભારતે જૂન, 2022માં નિર્ધારિત સમય કરતાં પાંચ મહિના પહેલા 10% ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય હાંસલ કર્યું હતું. ત્યારબાદ 20 ટકા મિશ્રણ (E20) નો લક્ષ્યાંક 2030ને બદલે 2025-26 સુધી આગળ ધપાવવામાં આવ્યો હતો. હાલમાં, E20 પેટ્રોલ દેશના મોટાભાગના પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ છે.
વાહનચાલકો પર શું અસર પડે છે?
ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, 2023-2025 ની વચ્ચે ઉત્પાદિત મોટાભાગના વાહનો E20 સુસંગત બનવા માટે તૈયાર કરવામાં આવ્યા છે, જો કે આ સમયગાળા પહેલા ઉત્પાદિત જૂના વાહનોમાં માઇલેજમાં 3-7% નો ઘટાડો જોવા મળી શકે છે. જો કે, સરકારે આ આશંકાઓને ફગાવી દીધી છે અને કહ્યું છે કે વ્યાપક તકનીકી અભ્યાસ કરવામાં આવ્યો છે.
નીતિ આયોગ દ્વારા હાથ ધરવામાં આવેલા જીવનચક્ર ઉત્સર્જન અભ્યાસ મુજબ, શેરડી માંથી બનેલા ઇથેનોલથી ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં 65% સુધીનો ઘટાડો થશે અને મકાઈ આધારિત ઇથેનોલ ઉત્સર્જનમાં લગભગ 50% સુધીનો ઘટાડો કરશે.
આ મૂલ્યાંકનને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઇઓસીએલ), ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (એઆરએઆઈ) અને સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (સિયામ) દ્વારા ટેકનિકલ અભ્યાસો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો | ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ખરીદનાર માટે ખુશખબર! ગુજરાત સરકાર આપશે સબસિડી
સરકારનો દાવો છે કે ઇ20 પેટ્રોલ વાહનોમાં વધુ સારું પ્રવેગક આપે છે અને શહેરી ટ્રાફિકમાં સરળ ડ્રાઇવિંગનો અનુભવ આપે છે. E10 કરતા લગભગ 30 ટકા ઓછું કાર્બન ઉત્સર્જન કરે છે, જે પર્યાવરણ અને ખેડૂતોને બમણો ફાયદો આપશે. સરકારનું લક્ષ્ય 2030 સુધીમાં ભારતને ગ્રીન એનર્જી અને બાયોફ્યુઅલ સેક્ટરમાં ગ્લોબલ લીડરો પૈકીનું એક બનાવવાનું છે.
ઓટોમોબાઇલ નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં ઇથેનોલના ભવિષ્યને જોતા E30 નીતિ પણ લાગુ કરી શકાય છે અથવા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકાય છે. હાલમાં, તમામ ઓટો કંપનીઓ પહેલાથી જ ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન પર કામ કરી રહી છે, પરંતુ ફ્લેક્સ-ફ્યુઅલ આધારિત એન્જિનવાળા વાહનો પણ બજારમાં લોન્ચ કરી છે.
આ પણ વાંચો | ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર લોન્ચ, બોલ્ડ લુક અને 6 એરબેગ સાથે ઘણા AI ફીચર્સ
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોના ઉપયોગ અને ઉત્પાદનને આગળ ધપાવવાની સાથે, તેની શૂન્ય કાર્બન નીતિ હેઠળ ઇથેનોલ જેવા જૈવ ઇંધણ આધારિત વિકલ્પોને તેની ઊર્જા સંક્રમણ વ્યૂહરચનાનો એક ભાગ બનાવી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us