ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કાના વોટિંગ પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. કચ્છ જિલ્લાના અબડાસા વિધાસભા સીટથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેતાનીએ આપ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે. વસંત ખેતાનીએ રવિવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને અબડાસા બીજેપી ઉમેદવાર પ્રધ્યુમન સિંહ જાડેજાને સમર્થન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ પહેલા સુરત ઇસ્ટમાંથી આપના ઉમેદવાર કંચન જરીવાલાએ પણ પોતાનું નામાંકન પાછું લીધું હતું. તેમણે કહ્યું હતું કે પાર્ટીના કાર્યકર્તાઓ પૈસા માંગી રહ્યા છે. તેમની પાસે પૈસા નથી. તેમણે કહ્યું કે એક કરોડનો ખર્ચ આવી રહ્યો છે. જે કરવામાં હું અસમર્થ છું. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે કંચન જરીવાલાનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેમને ડરાવવા-ધમકાવવામાં આવ્યા છે. એટલા માટે તેમણે પીછેહટ કરી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પહેલીવાર ઝંપલાવ્યું
ઉલ્લેખનીય છે કે દિલ્હી અને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી બંને રાજ્યોમાં પોતાના સરકાર બનાવ્યા બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું હતું.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આવખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાશે. જોકે, સર્વેના આંકડા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી બાજી મારી શકે છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતની તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે એક પછી એક એમ બે ઉમેદવારો પાર્ટીમાંથી ખસી ગયા છે.
આ પણ વાંચોઃ- કેજરીવાલે કહ્યું – ‘કોંગ્રેસ ખતમ છે, મતદારો શોધવાથી નહીં મળે’, કોંગ્રેસનો પલટવાર – ‘AAPને 0 બેઠકો મળશે, ડિપોઝીટ પણ થશે જપ્ત’
આમ આદમી પાર્ટીએ સુરત કોર્પોરેશનમાં પોતાની મજબૂત પકડ બનાવ્યા બાદ સુરતની તમામ વિધાનસભા સીટો ઉપર પકડ બનાવવા માટે તડામાર તૈયારી કરી હતી. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ સુરતના કતારગામ બેઠક ઉપરથી ચૂંટણી લડશે. જ્યારે વરાછા બેઠક ઉપરથી પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાએ પણ આપ તરફથી મેદાનમાં ઝંપલાવ્યું છે.