આજે ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે થયેલી ચૂંટણીનું પરિણામ પ્રત્યક્ષ હશે. આ સાથે ચૂંટણી મેદાને ઉતરેલા ઉમેદવારોનું ભાવિ નક્કી થઇ જશે તેમજ ગુજરાતમાં કોની સરકાર રચાશે તે પણ સ્પષ્ટ થઇ જશે.આજે ગુરુવારે વહેલી સવારે 8 વાગ્યેથી રાજ્યભરના 37 મથકો પર મતગણતરી હાથ ધરાઇ છે.મહત્વનું છે કે, રાજ્યમાં લગભગ 27 વર્ષથી ભાજપનું શાસન છે. ત્યારે આ વખતે પણ ભાજપને આશા છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત હાંસિલ કરી 7મું કાર્યકાળ મેળવશે. મતગણતરી પ્રક્રિયા વચ્ચે હાર્દિક પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે.
હાર્દિક પટેલે એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બની રહી છે. આ સાથે હાર્દિક પટેલે દાવો કર્યો કે, ‘ભાજપ આ વખતે 135થી 145 બેઠકો જીતશે’.
બીજી તરફ જ્યારે હાર્દિક પટેલને પૂછવામાં આવ્યું કે, રાજ્યમાં ભાજપની સરકાર બનશે તો શું મંત્રી પદ મળવાની વાત થઈ છે? જે અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અંતિમ પરિણામ આવવા દો, શું તમે પહેલાથી જ સોપારી લઇ લીધી છે? આ સાથે હાર્દિક પટેલે પોતાના નિવેદનમાં કહ્યું હતુ કે, રાજ્યમાં ઘણા વર્ષોથી કોઇ દંગા કે રમખાણો થયા નથી. તેમજ ગુજરાતમાં શાંતિનું વાતાવરણ જળવાયું છે. જેના કારણે ભાજપ પ્રચંડ જીત સાથે ગુજરાતમાં સત્તા પર આવશે.
પાટીદાર અનામત આંદોલન શરૂ કરી ચર્ચામાં આવનાર હાર્દિક પટેલ 12 માર્ચ 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયો હતો. આ બાદ તેઓ પ્રાથમિક સદસ્યતાથી લઇ કાર્યકારી પ્રદેશ પ્રમુખ બન્યો. જો કે કોંગ્રેસમાં તેમની સફર માત્ર 16 મહિના જ ચાલી. હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ગુજરાત ચૂંટણી 2022 પહેલા કેસરીયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ બાદ ભાજપે હાર્દિક પટેલેને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિરમગામ બેઠક પરથી મેદાને ઉતાર્યો છે.
ઉલ્લેખનીય છે તે, ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થયું હતું. જેનું પરિણામ આજે આવી જશે. ત્યારે વર્ષ 2017ની ચૂંટણી પરિણામ પર નજર કરીએ તો ભાજપ 99 બેઠક જીતી શકી હતી અને કોંગ્રેસ 77 બેઠક હાંસિલ કરી શકી હતી.