આજે ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે થયેલી ચૂંટણીનું પરિણામ પ્રત્યક્ષ હશે. આ સાથે ચૂંટણી મેદાને ઉતરેલા ઉમેદવારોનું ભાવિ નક્કી થઇ જશે તેમજ ગુજરાતમાં કોની સરકાર રચાશે તે પણ સ્પષ્ટ થઇ જશે.આજે ગુરુવારે વહેલી સવારે 8 વાગ્યેથી રાજ્યભરના 37 મથકો પર મતગણતરી હાથ ધરાશે. મહત્વનું છે કે, રાજ્યમાં લગભગ 27 વર્ષથી ભાજપનું શાસન છે. ત્યારે આ વખતે પણ ભાજપને આશા છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત હાંસિલ કરી 7મું કાર્યકાળ મેળવશે.ત્યારે વિરમગામ પરથી મેદાને ઉતરેલા હાર્દિક પટેલે ભાજપની જીતને લઇને મોટો દાવો કર્યો છે.
જ્યારે હાર્દિક પટેલને પૂછવામાં આવ્યું કે તેમની પાર્ટીને કેટલી સીટો મળશે તો તેણે કહ્યું કે, 135થી 145 સુધી. આ સાથે તેમણે કહ્યું કે, સરકાર કામના આધારે બની રહી છે. છેલ્લા 20 વર્ષથી અહીં કોઈ દંગા કે આતંકવાદી હુમલો થયો નથી. લોકો એ વાતથી વાકેફ છે કે બીજેપી તેમની આશાઓ પર ખરી ઉતરી છે. તેઓ કમલનું બટન દબાવે છે કારણ કે બીજેપીના શાસનમાં તેમનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. ભાજપએ સુશાસન કર્યું છે અને ભાજપે લોકોના વિશ્વાસને વધુ મજબૂત કર્યો છે.
વિપક્ષની ભૂમિકા નિભાવવામાં કોંગ્રેસ નબળી: હાર્દિક પટેલ
વીરમગામ બેઠક પરથી મેદાને ઉતરેલા ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ મતગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા છે. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે ગુજરાતની અસ્મિતા વિરુદ્ધ કામ કર્યું છે. આ સાથે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોગ્રેસ વિપક્ષની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહી છે. એવામાં લોકોનો વિશ્વાસ ભાજપ પર છે. જે લોકો પાસે દૂરદર્શિતા ના હોય તેઓ પોતાનો કે દેશનો વિકાસ કરી શકે નહીં.
મહત્વનું છે કે, ભાજપ 1995થી સત્તા પર છે. વર્ષ 2002માં ભાજપે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે 182માંથી 127 બેઠક જીતી હતી. આ વખતના એક્ઝિટ પોલના સંદર્ભે ભાજપ સૌથી વધુ બેઠકો જીતશે.
આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.