ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં આ વખતે ત્રિપાંખીયો માહોલ જામ્યો હતો.કારણ કે આ વખતે આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં ઝંપલાવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. પરંતુ આ તમામ વચ્ચે ભાજપે પ્રચંડ જીત હાંસલ કરી છે. મતગણતરીની શરૂઆતથી જ ટ્રેન્ડ ભાજપ તરફેંણમાં જોવા મળ્યો હતો. જેમ જેમ મતગણતરી આગળ વધતી ગઇ તેમ ગુજરાતમાં ભાજપ ઇતિહાસ રચવાને આરે પહોંચવા લાગ્યો અને 10.30 સુધીમાં તો ભાજપે વિક્રમ સર્જી ગુજરાતો નાથ કોણ બનશે તેનું પરિણામ જનતા સમક્ષ સ્પષ્ટ થઇ ગયું. એવામાં આ અહેવાલમાં જાણો કે ભાજપની પ્રચંડ જીત પાછળ ક્યા કારણો જવાબદાર છે.
ગુજરાતમાં ચૂંટણીનું એલાન થતા જ ભાજપના કેન્દ્રીય નેતાઓનો રાફળો ફાટ્યો હતો. ભાજપે તેમના તમામ નેતાઓને ગુજરાતના ચૂંટણી જંગમાં ઉતારી દીધા હતા. જેમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, PM મોદી, અમિત શાહ, યોગી આદિત્ય નાથ, સ્મૃતિ ઇરાની સહિતના અન્ય ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓને પ્રચારમાં ઉતારી દીધા હતા. આ ઉપરાંત પ્રચારના છેલ્લા દિવસોમાં વડાપ્રધાન મોદી દ્વારા અમદાવાદમાં 32 કિમીનો રોડ શો પણ કરવામાં આવ્યો હતો. જેમાં વડાપ્રધાનને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ તમામ પ્રકારના પ્રચારે પણ ભાજપને તેમની રેકોર્ડ બેઠક મેળવવામાં ફાયદો કરાવ્યો છે. તમને જણાવી દઇએ કે પીએમ મોદીએ આ વખતે 23 જેટલા રોડ શો અને 108 સભાઓ ગજવી છે.
આ ચૂંટણીમાં એક ઇતિહાસ એ પણ રચાયો છે કે, ગુજરાતમાં પ્રચંડ જીત હાંસિલ કરવા માટે ભાજપે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી CM યોગી આદિત્નાથ સહિત પક્ષના 160 દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે મેદાને ઉતાર્યા હતા. જેણે ગુજરાતમાં લગભગ 1 મહિના સુધી સભાઓ અને રોડ શો કરી મતદાતાઓને રીઝવવા માટે તમામ પ્રયાસો હાથ ઘર્યા હતા.
ભાજપની પ્રચંડ જીતનું ત્રીજું કારણ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બન્યા બાદ તેઓ ‘પેજ સમિતિ ફોર્મુયલા’ લાવ્યા હતા. જે અંગે ઘણીવાર એવા નિવેદન સામે આવ્યા છે કે, ગુજરાત ભાજપ સંગઠનમાં પેજ સમિતિને જો મજબૂત કરવામાં આવે તો એનો સીધો ફાયદો પક્ષને થશે. આખરે જ્યારે હવે વિધાનસભાની ચૂંટણીના પરિણામ પ્રત્યક્ષ છે ત્યારે પેજ સમિતિની મજબૂતી જ ભાજપને ઐતિહાસિક જીત અપાવી શકી હોય તે સ્પષ્ટ થઇ ગયું છે.
મહત્વનું છે કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સત્તા છે. તેથી એટલા વર્ષોથી કોંગ્રેસને સત્તા મળી નથી. જો કે છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસની બેઠકોમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ આ વખતે કોંગ્રેસને તે ફાયદો મળી શક્યો નહીં.કારણ કે કોંગ્રેસ આ વખતે ચૂંટણીને લઇને નિષક્રિય જોવા મળી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતમાં જોવા મળ્યા ન હતા. જો કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે, જેને લઈને તેઓ માત્ર એક વખત દક્ષિણ ગુજરાતમાં એક પ્રચાર કરવા પહોંચ્યા હતા. આથી કોંગ્રેસ ગુજરાતમાં મોટા ચહેરાથી વંચિત જોવા મળી હતી.
માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં ભાજપ એટલે ખાસ બે ચહેરાઓ સામે આવે છે, જેમા એક PM મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ. ગુજરાતમાં લોકપ્રિય વડાપ્રધાન મોદી અને અમિત શાહ લગાતાર પ્રચાર કરી રહ્યા હતા. જેને લઈને લોકોમાં ભાજપમાં લાગણી બંધાઈ હોય તેવું લાગી રહ્યું છે. આ સામે, કોંગ્રેસમાંથી કોઈ ખાસ સ્થાનિક ચહેરો સામે આવ્યો ન હતો, જેની સાથે આમ આદમી પાર્ટી પાસે પણ રાષ્ટ્રીય નેતા સિવાયનો કોઈ ખાસ ચહેરો દેખાયો ન હતો. જેને પગલે વડાપ્રધાન મોદી અને અમિત શાહ ગુજરાતી હોવાને કારણે લોકોએ ચહેરાને લઈને મતદાન કર્યું હોઈ શકે છે.