ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ વચ્ચે સૌથી મોટા સમાચાર રાજકોટની બેઠક પરથી સામે આવી રહ્યા છે. ધોરાજીથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મીડિયા સામે હારનો સ્વીકાર કર્યો છે.
ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં ભાજપને ફરી જેકપોટ લાગ્યો છે. ભાજપનું 27 વર્ષનું શાસન કાયમ રહ્યું છે અને હવે ફરી આગામી 5 વર્ષ ગુજરાતની ધુરા સંભાળશે તેવું હાલના ટ્રેન્ડ પરથી દેખાઈ રહ્યું છે. 10 વાગ્યાના પરિણામ પર નજર કરીએ તો ભાજપ 145 બેઠકો પર આગળ છે. ત્યારે કોંગ્રેસના ખેમામાં શાંતિમય વાતાવરણ છે. મતગણતરી કેન્દ્રો પર ભાજપના ફટાકડા ફૂટતા કોંગ્રેસના ઉમેદવારો ગાયબ થઈ રહ્યાં છે. આવામાં કોંગ્રેસના એક ઉમેદવારે અત્યારે જ હારનો સ્વીકાર કર્યો છે. ધોરાજીથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મીડિયા સામે હારનો સ્વીકાર કર્યો છે. ત્યારે બિનસત્તાવાર રીતે ધોરાજીમાં ભાજપના ડો.મહેન્દ્ર પાડલિયાની જીત ગણાઈ રહી છે.
આપે કોંગ્રેસને નુકસાન કર્યું – લલિત વસોયા
પોતાની હાર દેખાતા લલિત વસોયાએ મીડિયા સામે પોતાની હાર સ્વીકારી હતી. તેમણે કહ્યું કે,આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરી રહી છે. મારા અને આપના મત ગણીએ ભાજપ કરતા વધુ મત થાય છે.હાલના પરિણામ અનુસાર, આમ આદમી પાર્ટીને કારણે હુ ધોરાજી બેઠક પરથી હારી રહ્યો છું. બધી જગ્યાએ આપ બીજા નંબરે નથી. મારા મત વિસ્તારમાં પાંચ રાઉન્ડમાં હુ આગળ ચાલી રહ્યો છું, અને હજી પણ હું જ આગળ રહીશ એ દાવા સાથે કહુ છું. પરંતુ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહી છે, તેને કારણે કોંગ્રેસને માત્ર ધોરાજી અને ઉપલેટા જ નહિ, પરંતું આખા સૌરાષ્ટ્રમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે.
કોંગ્રસ- આપના ગઠબંધનની વાતો વચ્ચે લલિત વસોયાએ કહ્યું કે, અમારા ગઠબંધનની કોઈ વાત ચાલતી ન હતી. આ વાત પાયાવિહોણી છે. તે કોંગ્રેસને હરાવવા માટે ભાજપના ઈશારે ગુજરાતમાં ચૂંટણી લડવા આવી હતી. તેથી કોંગ્રેસ અને આપના ગઠબંધનનો સવાલ જ પેદા થતો નથી.