બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh bachchan) ના વેવાઈ રાજન નંદાના ભાઈ અનિલ નંદા સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઠગોએ અત્યાર સુધીમાં સેંકડોને પોતાનો શિકાર બનાવ્યા છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે 24 ડિસેમ્બરે કેસ નોંધી રવિવારે ત્રણ આરોપી અવનીશ ચંદ ઝા ઉર્ફે તાંત્રિક, ઉર્ફે ગુરુજી, માજીદ અલી અને રાધાકૃષ્ણની ધરપકડ કરી છે.
પોલીસનો દાવો છે કે, આરોપી અવનીશ ઝા જમીનની ખરીદ-વેચાણના નામે ઠગાઈ કરવા અને ખંડણી વસુલવાનું કામ કરે છે. આ ટોળકીએ અત્યાર સુધીમાં 100થી વધુ લોકોને શિકાર બનાવી કરોડો રૂપિયાની ઠગાઈ આચરી છે.પોલીસના મતે, પીડિત અનિલ નંદા (ઉ.વ.70) દિલ્હીની ફ્રેન્ડસ કોલોનીમાં રહે છે. તેઓ અવિવાહીત છે અને બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનના જમાઈ રાજન નંદાના ભાઈ છે.
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનની દીકરી શ્ર્વેતાના લગ્ન રાજન નંદાના પુત્ર સાથે થયા છે. રાજન નંદા બોલિવુડના લિજેન્ડ એકટર- ડાયરેકટ- નિર્માતા રાજકપૂરના જમાઈ હતા. જેમનું 2018માં નિધન થયું હતું. જયારે ઠગાઈનો ભોગ બનેલા અનિલ નંદા એસ્કોર્ટ ગ્રુપના વાઈસ ચેરમેન રહી ચૂકયા છે. તેમણે દાવો કર્યો છે કે તેમની સાથે વર્ષ 2020માં છેતરપીંડી થઈ હતી.
સમગ્ર મામલે તપાસ થતાં પ્રત્યક્ષ આવ્યું હતું કે, અનિલ નંદા સાથે છેતરપીંડી કરનાર ગેંગ અમીર ધરાનાના વરિષ્ઠોને ટાર્ગેટ કરતી હતી. આ ગેંગ સામે દિલ્હી ઉપરાંત હરિયાણા અને નાગાલેન્ડમાં અનેક કેસ થયા છે. પોલીસે જણાવ્યું હતું તે અનુસાર, અનિલ નંદાની મુલાકાત અવનીશ ચંદ્ર ઝા સાથે 2016માં તિહાર જેલમાં થઈ હતી. ઝા 2019માં જેલમાંથી બહાર આવ્યા બાદ બંન્ને વચ્ચે મુલાકાતો વધવા લાગી હતી.
ઝા એ નંદા પાસેથી પોતાના માટે એક આસિસ્ટન્ટ માંગ્યો હતો. નંદાએ પોતાની સાથે 32 વર્ષ કામ કરી ચૂકેલા સેક્રેટરી રાધાકૃષ્ણનું નામ સૂચવેલું. એવામાં આરોપ છે કે રાધાકૃષ્ણે બધી જાણકારી ઝાને આપી દીધી, ત્યારબાદ ઈઓડબલ્યુમાં ચેક બાઉન્સનો કેસ નોંધાયાનો ડર દેખાડી પીડિતને બંધક રખાયો હતો. બાદમાં ઠગાઈથી ઘર પર કબજો જમાવી લીધો હતો.