અભિનેતા સૂરજ પંચોલીને 2013માં અભિનેતા જીયા ખાનની આત્મહત્યા માટે પ્રેરિત કરવા સહિતના આરોપોમાંથી સીબીઆઈની વિશેષ અદાલતે નિર્દોષ જાહેર કરી જેલમાંથી છોડી દીધો છે. કોર્ટે ચુકાદો આપ્યા પછી, પંચોલીએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે.
જિયા ખાન 3 જૂન, 2013ના રોજ મુંબઈમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. તેણી 25 વર્ષની હતી. પંચોલી, જે એક સમયે જિયા ખાન સાથે રિલેશનશીપમાં હતો, તે ભારતીય દંડ સંહિતાની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું) હેઠળ આરોપોનો સામનો કરી રહ્યો હતો.
સુરજ પંચોલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, “સત્યની હંમેશા જીત થાય છે! #ઇશ્વર મહાન છે.” અભિનેતાએ માતા ઝરીના વહાબ સાથે કોર્ટમાં હાજરી આપી હતી.
જિયાની માતા રાબિયા ખાને ચુકાદા પછી મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે પંચોલીને ઉશ્કેરણીનાં આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો હોવા છતાં, “હત્યાનો કેસ હજુ બાકી છે.” તેણે સીએનએન ન્યૂઝ 18ને કહ્યું, “આ હત્યાનો મામલો છે. આત્મહત્યા માટે ઉશ્કેરવાનો મામલો તો ગયો પણ હત્યાનો મામલો હજુ યથાવત છે. હું આશા છોડીશ નહીં.. હું લડતી રહીશ. મારી દીકરીને ન્યાય અપાવવા માટે હું હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવીશ. પંચોલીની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.
જિયા ખાનના મૃત્યુ પછી, તેના પરિવારના સભ્યોને તેમના ઘરેથી છ પાનાનો એક પત્ર મળ્યો હતો. તેમાં તેણે છેતરપિંડી અને બળાત્કારની વાત લખી હતી, ત્યારબાદ તેણે ગર્ભપાત કરાવવો પડ્યો હતો.