રોનક કામદાર (Raunak Kamdar) અને દીક્ષા જોશી (Deeksha Joshi) અભિનિત ફિલ્મ ‘લકીરો’ (Lakiro) 6 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. ત્યારે આ ફિલ્મ તમારે જોવી જોઇએ કે નહીં, તે અંગે વાત કરીએ તો કહી શકાય કે ધીરજનો અભાવ ધરાવતાં યુવાનોએ લગ્નજીવનને ખુશહાલ અને સુખમય બનાવવા શું કરવું જોઈએ, એ ઘણી જગ્યાએથી સાંભળ્યુ હશે. પરંતુ શું ન કરવું જોઈએ, તે જાણવું હોય તો આ ફિલ્મ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
યુવાનીના તબક્કામાં પહોંચેલી બે વ્યક્તિઓ ઉચ્ચ અભ્યાસ દરમિયાન એકબીજાને મળે છે, પ્રેમમાં પડે છે. બંને લગ્નના બંધનમાં બંધાઇ છે. ત્યારબાદ આ કપલની કહાણી વળાંક લે છે. લગ્ન થવા સુધી આ બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યુ હતું, પણ લગ્ન બાદ બંને વચ્ચે ઝઘડા, શંકા અને મતભેદો શરૂ થઇ ગયા હતા. પરિસ્થિતિ વધુ વિકટ ત્યારે સર્જાય છે, જ્યારે આ મતભેદ મનભેદમાં પરિવર્તે છે. નોકરીની જવાબદારી, માનસિક તાણ, સમયનો અભાવ તથા સંબંધમાં સર્જાયેલી ગેરસમજણ સંબંધને ખોખલો બનાવી દે છે.
ક્યાંક મેલ-ઈગો તો ક્યાંક એકબીજાને ન સમજી શકવાની સમસ્યા થકી લગ્નજીવનમાં આવતી મુશ્કેલીઓ ક્યારે છૂટાછેડા સુધી દોરી જાય છે, એનો અણસાર રહેતો નથી. અને આવું જ આ ફિલ્મના પાત્રો સાથે થતું જોવા મળે છે. મતભેદ ધીમે ધીમે મનભેદમાં બદલાઈ જતા રિચા (દીક્ષા જોશી) ડિવોર્સ લેવાનું નક્કી કરે છે. ડિવોર્સ બાદ બને છે એવું કે રિચા હૃષિના સંતાનને જન્મ આપે છે. પછી શું થાય છે? હૃષિ રિચા પાસે જાય છે કે નહીં? અને જાય છે તો પણ કોના માટે? બાળક માટે કે રિચા માટે? ડિવોર્સ બાદ બાળકના જન્મથી આ સંબંધમાં શું વળાંક આવે છે? તે તો આ ફિલ્મ જોયા બાદ જ જાણી શકાશે.
આ પણ વાંચો: દીપિકા પાદુકોણનો ખુલાસો! પતિ રણવીર સિંહની આ આદતથી છે પરેશાન
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ફિલ્મની વાર્તા અશ્વિન ત્રિવેદીએ લખી છે, ફિલ્મનું ડિરેક્શન પણ તેમણે જ કર્યુ છે. વાર્તા અને વિષય ખુબ જ સરસ છે, બિલકુલ આજની જનરેશન સાથે સબંધિત છે. ફિલ્મની સ્ટોરી આપણી આસપાસ બનતી નાની-મોટી વાસ્તવિક ઘટનાઓથી રુબરુ કરાવે છે. કરિયર ફોક્સ્ડ, સ્માર્ટ, સેલ્ફ કોન્ફિડન્ટ અને સેલ્ફ ડિપેન્ડેટ યુવાનો લગ્નજીવન જેવા પાકા સંબંધોમાં ક્યાં કાચાં પડે છે, તે બાબતને ખુબ જ સચોટ રીતે રજૂ કરવામાં આવી છે. લગ્નજીવનમાં શું કરવુ જોઈએ તે તો ઘણી ફિલ્મમાં દર્શાવાયું છે, પણ શું ન કરવું જોઈએ એ આ ફિલ્મમાં જોવા મળશે.
આજની વાત દર્શકો સમક્ષ મુકવામાં ડિરેક્ટર તરીકે દર્શન અશ્વિન ત્રિવેદીનો પ્રયાસ સરાહનીય છે. પરંતુ ફિલ્માંકનની દ્રષ્ટિએ આ વાતને રજૂ કરવામાં ઢિલાશ અનુભવાઈ છે. એમાંય ફિલ્મની લંબાઈ દર્શકોને થોડી નિરાશા તરફ લઈ જઈ શકે છે. આજના યુવાનોમાં ધીરજની ખુબ જ કમી છે, એ વાસ્તવિકતાને સારી રીતે રજૂ કરવામાં આવી છે.
ફિલ્મની વાર્તા બાદ જો બીજું સબળું પાસું કહેવું હોય તો તે છે સંગીત. ફિલ્મમાં સંગીત પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે. આ ફિલ્મમાં જૅઝ સંગીતનો ઉપયોગ થયો છે. ફિલ્મનું ટાઈટલ સોંગ અને અન્ય ગીતો પણ દર્શકોને મુખે ચઢી જાય એવા છે. ઈમોશનલ ગીતમાં વિશાલ દદલાનીનો અવાજ હ્રદયસ્પર્શી છે તો બૅની દયાલના પોપ સોન્ગ પર ઝુમવાનું મન થઈ જાય છે.