બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (shahrukh khan) ચાર વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર પરત ફર્યો છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત અભિનેતાની ફિલ્મ ‘પઠાણ’ દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહી છે. ‘પઠાણ’ રિલીઝ થયાને આજે પાંચમો દિવસ છે. ત્યારે ‘પઠાણ’નો જલવો યથાવત છે. જો તેના છેલ્લા ચાર દિવસના કલેક્શનની વાત કરીએ તો તેણે ઘણી કમાણી કરી છે.
શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મે અત્યાર સુધીમાં ઘણા રેકોર્ડ તોડ્યા છે અને અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર તરીકે ઉભરી આવી છે. તે જ સમયે, ફિલ્મના ચોથા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. ફિલ્મે ચોથા દિવસે લગભગ 55 કરોડની કમાણી કરી લીધી છે.
આ સાથે પઠાણની કુલ કમાણીનો આંકડો 221.75 કરોડ રૂપિયાની સપાટી પર પહોંચ્યો છે. આવી સ્થિતિમાં ફિલ્મ આગામી દિવસોમાં 300 કરોડનો આંકડો પાર કરે તેવી સંભાવના છે. ફિલ્મની આટલી સફળતા જોઇને શાહરૂખ ખાને ટ્વીટ કર્યું કરી કહ્યું હતું કે, “મેં પરત ફરવા વિશે કંઈ વિચાર્યું નથી. મને લાગે છે કે જીવન એવું જ છે. તમે તમારા પુનરાગમનની યોજના નથી બનાવતા… તમે આગળ વધવાની યોજના ઘડી રહ્યા છો. રોકશો નહીં… તમે જે શરૂ કર્યું છે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો”.
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ‘પઠાણ’નો જોરશોરથી વિરોધ થયો હતો. જો કે ફિલ્મ રિલીઝના દિવસે પણ ઇંદોર, બિહાર તથા હૈદરાબાદમાં વિરોધ યથાવત હતો. છતાં આ હંગામાં વચ્ચે ફિલ્મ રિલીઝ થઇ. આ ફિલ્મને લઇને વિવાદ બેશરમ ગીતમાં દીપિકા પાદુકોણ (Deepika padukone) એ ભગવા રંગની બિકીની પહેરતા જન્મયો હતો.