પ્રખ્યાત અભિનેતા, નિર્માતા અને નિર્દેશક સતીશ કૌશિકનું આજે ગુરૂવારે (9 ફેબ્રુઆરી) વહેલી સવારે 66 વર્ષની વયે હાર્ટ એટેક આવતા નિધન થયું છે. જેને પગલે બોલિવૂડ અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી છે. સતીશ કૌશિક ગુરૂગ્રામમાં કોઇને મળવા જઇ રહ્યા હતા. આ દરમિયાન તેમના મોતના સમાચાર મળ્યા.તેમના નિધન પર વિવિધ સેલિબ્રિટી અને હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો. જેમાં રાજનેતાઓ, ક્રિકેટર, બોલિવૂડ કલાકાર પણ સામેલ છે.
હાલ સતીશ કૌશિકના મૃતદેહને ગુરૂગ્રામના ફોર્ટિસમાં પૌસ્ટમોર્ટમ માટે રાખવામાં આવ્યો છે. આ પછી તેના મૃતદેહને મુંબઇ લાવવામાં આવશે. સતીશ કૌશિકે એક દિવસ પહેલાં જ હોળી મનાવી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહી છે.
સતીશ કૌશિકે જાવેદ અખ્તર, શબાના આઝમી, મહિમા ચૌધરી, રિચા ચઢ્ઢા, અલી ફઝલ સાથે હોળી મનાવી હતી અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી એક સુંદર કેપ્શન લખ્યું હતું. આ પોસ્ટ સતીશ કૌશિકની અંતિમ પોસ્ટ છે. હવે એક્ટરની છેલ્લી પોસ્ટ વાંચીને તેના ફેન્સ ભાવુક થઇ ગયા છે.
સતીશ કૌશિકે હોળીની તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, ‘કલરફુલ હોળી અને ફન હોળી પાર્ટી’. સતીશ કૌશિકની આ છેલ્લી પોસ્ટ જોઇને તેના ફેન્સ દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, કોને ખબર હતી કે આ હોળી તેની અંતિમ હોળી હશે. અન્ય એક યુઝરે લખ્યું કે, જીંદગી નફરત અને પસ્તાવા માટે ઘણી નાની છે, કાલે તે હોળી રમી રહ્યા હતા અને આજે તેમનું અવસાન.
અભિનેતા સુનીલ શેટ્ટીની પ્રતિક્રિયા
અભિનેતા સુનીલ શેટ્ટીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું કે આપણે ફિલ્મ જગતના શ્રેષ્ઠ હસ્તીઓ પૈકી એક સતીશ કૌશિકજીને ગુમાવી દીધા. તેઓ હંમેશા આપણી યાદોમાં જીવંત રહેશે.
કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરે પણ દુઃખ વ્યક્ત કર્યું
સતીશ કૌશિક એક પ્રસિદ્ધ અભિનેતા અને દિગ્દર્શક હતા જેમણે આપણા સમયના કેટલાક સૌથી યાદગાર સિનેમેટિક કાર્યોની સ્ક્રિપ્ટ લખી હતી. તેમણે પોતાના હ્યુમરથી ચાહકોને ગદગદીત કરી દીધા હતા. તેમની કળા અને તેમની ફિલ્મોગ્રાફીના જોરે તેઓ હંમેશા આપણી યાદોમાં જીવંત રહેશે. તેમના નિધન પર તેમના પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે મારી સંવેદના.
યાદગાર અભિનય માટે હંમેશા યાદ રહેશે: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સતીશ કૌશિકના નિધન અંગે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે ભારતીય સિનેમાજગતના જાણીતા અભિનેતા, દિગ્દર્શક સતીશ કૌશિકજીના નિધન અંગે સાંભળી ભારે દુઃખ થયું. ભારતીય સિનેમાજગતમાં તેમના ફાળા, તેમની અદભૂત ફિલ્મો, અભિનય હંમેશા યાદ રખાશે. તેમના પ્રશંસકો અને પરિવારજનો સાથે મારે સંવેદના. ઓમ શાંતિ.
આ પણ વાંચો: Holi 2023: સિદ્ધાર્થ-કિયારાથી લઇને કેટરીના અને વિકી કૌશલ રંગાયા એકમેકના રંગમાં
પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે કરી ટ્વિટ
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ અને પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કરતાં લખ્યું કે સવારે જ ઊઠતાની સાથે દુઃખદ સમાચાર મળ્યા. હવે દિગ્ગજ અભિનેતા આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ હંમેશા પોતાના ચાહકોના ચહેરા પર સ્મિત લાવવામાં સફળ રહ્યા. આ ભારતીય ફિલ્મ જગતને મોટું નુકસાન થયું છે. તેમના પરિવાર અને વેલ વિશર સાથે મારી સંવેદના.