વર્ષ 1988માં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત સ્ટારર ફિલ્મ ‘તેજાબ’ (Tezaab) સૂપરહિટ ગઇ હતી. એટલું જ નહીં તેજાબનાં ‘એક દો તીન ગીત’થી માધુરી દીક્ષિત (Madhuri Dixit) ની કારકિર્દી ઉંચકાઇ હતી. આ ઉપરાંત તેજાબને લીધે અનિલ કપૂર અને માધુરની સુપરહિટ જોડી સ્થાપિત થઈ હતી. ત્યારે અનિલ કપૂર અને ખાસ તો માધુરી દીક્ષિતની કારકિર્દીની સીમાચિહ્ન રુપ ફિલ્મ ‘તેજાબ’ની રિમેક બની રહી હોવાના સમાચાર સામે આવ્યાં છે.
મળતી માહિતી અનુસાર, ‘તેજાબ’ની રિમેક (Tezaab Remake) માં અનિલના રોલમાં રણવીર અને માધુરીની ભૂમિકા માટે જાહ્નવી કપૂરનો સંપર્ક કરાયાની ચર્ચા છે. આ રિમેકનું પ્લાનિગ ચાલુ થયું ત્યારે કાર્તિક આર્યન અને શ્રદ્ધા કપૂરની જોડી નક્કી થઈ હતી. જોકે, હવે કાસ્ટિંગમાં બહુ મોટા પાયે ફેરફારો થયા છે. ફિલ્મની બાકીની કાસ્ટ અંગે પણ હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.
રસપ્રદ વાત એ છે કે, ‘તેજાબ’ની રિમેકથી રણવીર સિંહને ઘણી આશાઓ બંધાયેલી છે. કારણ કે છેલ્લા થોડાં સમયથી તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ રહી છે. જેમકે રણવીર સિંહની 83 તેમજ તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘સર્કસ’ વગેરે.
આવામાં રણવીર ઉપરાછાપરી નિષ્ફળતાઓથી હવે એક શ્યોર શોટ હિટ ફિલ્મની શોધમાં છે. બીજી તરફ જાહ્નવીને પણ સ્ટાર કિડ તરીકે અનેક તક મળવા છતાં તેની કારકિર્દી હજુ સુધી ખાસ જામી નથી.