ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP party)એ ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઇસુદાન ગઢવી દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાથી ચૂંટણી લડશે. ચૂંટણી લડવા માટેનું ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ઇસુદાન ગઢવીએ પોતાાના સોગંદનામું જાહેર કર્યુ છે. ઇસુદાન ગઢવીના આ એફિડેવિટ અનુસાર ઇસુદાન ગઢવીની આવક છેલ્લા પાંચ વર્ષમાં સતત ઘટીને અડધી થઇ છે. જો કે સૌથી નવાઇની વાત એ છે કે, આવક સતત ઘટવા છતાં તેઓ આ દરમિયાન ત્રણ મકાનોના માલિક બન્યા છે.
ખેડૂત ઇસુદાન ગઢવી પાસે 19.75 લાખ રૂપિયાની ખેતીની જમીન
ચૂંટણી માટે રજૂ કરેલા સોગંદનામામાં ઇસુદાન ગઢવીએ પોતાને ખેડૂત તરીકે દર્શાવ્યા છે. તો પત્ની હીરબાઇનો ઉલ્લેખ ગૃહિણી તરીકે કર્યો છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી છે. ઇસુદાન ગઢવી પાસે ખેતીની જમીનના બે પ્લોટ છે તેની હાલના બજાર ભાવે કુલ વેલ્યૂ 19,75,00 રૂપિયા છે.
આવક પાંચ વર્ષમાં અડધી થઇ
ગુજરાતમાં આપ પાર્ટી તરફથી જામ ખાંભળિયાથી ચૂંટણી લડનાર ઇસુદાન ગઢવીએ તેમના સોગંદનામામાં વર્ષ 2021-22માં કુલ 3,06,400 રૂપિયાની આવક દર્શાવી છે જ્યારે વર્ષ 2017-18માં આવક 6,12,200 રૂપિયા હતી, જેમાં ત્યારબાદ સતત ઘટાડો થયો છે.

જો કે બીજી બાજુ ઇસુદાન ગઢવીના પત્ની હીરબાઇની આવક છેલ્લા પાંચ વર્ષમાં વધી છે. વર્ષ 2017-18માં હીરબાઇની આવક 3,65,400 રૂપિયા હતી જે વર્ષ 2021-2022માં વધીને 4,20,000 રૂપિયા થઇ છે.
હાથ ઉપર 3,27,800 રૂપિયાની રોકડ
ઇસદાન ગઢવી પાસે હાલ 3,27,800 રૂપિયાની રોકડ રકમ છે. તો તેમના પત્ની પાસે રોકડ રકમ 1,68,510 રૂપિયા છે. ઇસુદાન ગઢવીના નામે બે બેન્ક એકાઉન્ટ છે. જેમાં ICICI બેન્કના ખાતામાં 3858 રૂપિયા અને બેન્ક ઓફ બરોડાના ખાતામાં 1500 રૂપિયાની રકમ જમા છે. ઇસુદાન ગઢવી અને તેમના પત્નીના નામે બે-બે લાખ રૂપિયાની એલઆઇસીની વીમા પોલિસી છે. તેમની વિરુદ્ધ ગાંધીનગર ઇન્ફોસિટી પોલિસી સ્ટેશનમાં બે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.
ગઢવી દંપત્તિ પાસે કેટલું સોનું છે?
સોગંદનામાં અનુસાર ઇસુદાન ગઢવી પાસે 10 ગ્રામ સોનું છે જેનું હાલ બજાર મૂલ્ય 48,000 રૂપિયા છે. તો પત્ની હીરબાઇ પાસે 120 ગ્રામ સોનું છે અને તેનું બજાર મૂલ્ય 5,76,000 રૂપિયા છે. આમ રોકડ રકમ, બેન્ક ડિપોઝિટ, વીમા પોલિસી અને સોના સહિતનું કુલ મૂલ્ય 5,81,158 રૂપિયા થાય છે. તો તેમના પત્નીની સંપત્તિનો આ આંકડો 9,80,301 રૂપિયા છે.

ઇસુદાન ગઢવી અંગેના ટોપ-3 સમાચાર પત્રકારથી આપ નેતા સુધીની રાજકીય સફર ઉમેદવાર જાહેર થયા પછી શું કહ્યું ઈસુદાન ગઢવીએ, કેવા કર્યા વાયદા AAPના સીએમ ફેસ ઉમેદવાર ઇસુદાન ગઢવી માટે સૌથી મોટો પડકાર
ત્રણ મકાનોના માલિક છે ઇસુદાન ગઢવી
ઇસુદાન ગઢવી અમદાવાદના ઘુમા તાલુકામાં હેપ્પી હાઇટ્સ ખાતે ત્રણ મકાન ધરાવે છે. તેમણે રજૂ કરાયેલા એફિડેવિટ અનુસાર આ ત્રણેય મકાનોની હાલ કુલ માર્કેટ વેલ્યૂ 60 લાખ રૂપિયા થાય છે. જો કે સૌથી આશ્ચર્યની વાત એ છે કે તેમણે આ ત્રણેય મકાન લોન ઉપર લીધા છે અને કુલ હોમ લોનની બાકી રકમ 40,53,595 રૂપિયા છે. આમ ઇસુદાન ગઢવી 79,75,000 રૂપિયાની સ્થાવર સંપત્તિના માલિક છે. ઇસુદાન ગઢવી પાસે તેમની માલિકીનું એક પણ વાહન નથી.