બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે ગુજરાતમાં આવી પહોંચ્યા છે અને તેઓ 4 જૂન સુધી અહીંયા રહેશે. સનાતન ધર્મના પ્રચારક ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરી રહ્યા છે. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીને હુમલો અને જાનથી મારી નાંખવાની ધમકી મળ્યા બાદ તેને ‘Y’ કેટેગરીની સિક્યોરિટી આપવા કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી ચૂકી છે. ઉપરાંત બાબા બાગેશ્વર ધામ સરકારના ‘દિવ્ય દરબાર’ના આયોજન વિરુદ્ધ થયેલી અપીલ પર તાત્કાલિક સુનાવણી કરવા ગુજરાત હાઇકોર્ટે ઇન્કાર કર્યો છે.
બાગેશ્વર સરકાર ચાર્ટર પ્લેનમાં બપોરે અમદાવાદ આવ્યા, સાંજે સુરત પહોંચ્યા
બાબા બાગેશ્વર ધામ સરકાર તરીકે પ્રખ્યાત ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના 10 દિવસના પ્રવાસ અર્થ આજે બપોરે અમદાવાદ એરપોર્ટ પર આવી ગયા છે. તેઓ ચાર્ટર પ્લેનથી અમદાવાદ આવ્યા છે. તેમણે આજે અમદાવાદના વટવા વિસ્તારમાં યોજાયેલી એક શિવકથા પુરાણમાં હાજરી આપી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીના દર્શન કરવા આગઝરતી ગરમીમાં પણ મોટી સંખ્યામાં ભક્તો અને અનુયાયીઓ તેમના રોકાણના સ્થળે અને કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા હતા. કાર્યક્રમમાં કોઇ પણ અનિશ્ચિનિય ઘટનાને રોકવા કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે.
અમદાવાદમાં એક કથાના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સાંજે તેઓ વિમાન મારફતે સુરત જવા રવાના થઇ ગયા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી સાંજે 7.30 કલાકની આસપાસ સુરત પહોંચી ગયા હતા.
ધીરેન્દ્ર શાસ્ત્રીને હવે ‘Y’ કેટેગરીની સુરક્ષા મળી
સનાતન ધર્મનો પ્રચારક ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારનું આયોજન કરીને ચમત્કારો કરતા હોવાની વાતોને લઇને ભારે વિવાદ સર્જાયો છે. ઉપરાંત તેમને જાનથી મારી નાંખવાની ધમકી પણ મળી રહી છે. આથી ધીરેન્દ્ર શાસ્ત્રીને હવે ‘Y’ કેટેગરીની સુરક્ષા મળશે અને કેન્દ્ર સરકાર તરફથી તે અંગે મંજૂરી મળી ચૂકી છે.
કેન્દ્ર સરકારે બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેમની સુરક્ષા વધારી દીધી છે. કેન્દ્ર સરકાર તરફથી મળેલી મંજુરી અનુસાર તેમને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. આ અંગે મધ્યપ્રદેશ પ્રશાસન દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષા આઈજી તરફથી આ અંગે અન્ય રાજ્યોને પણ પત્ર લખવામાં આવ્યો છે.
‘Y’ કેટેગરીની સુરક્ષા શું છે?
સુરક્ષાના જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ચોક્કસ વ્યક્તિઓને ‘Y’ કેટેગરીની સુરક્ષા આપવામાં આવે છે. ‘Y’ કેટેગરીની સુરક્ષામાં એક કે બે કમાન્ડો સહિત આઠ પોલીસ કર્મચારીઓ હોય છે. આ જવાનો સીઆરપીએફના છે. બીજી તરફ જેઓને વાય કેટેગરીની સુરક્ષા મળે છે તેમની સાથે આ સુરક્ષા જવાનોનો પણ એક ઘેરો હોય છે. તેમજ બે PSO આપવામાં આવેલ છે, જે તમામ ઈન્સ્પેક્ટર રેન્કના છે. આવી સુરક્ષા ગૃહ વિભાગ દ્વારા લોકોને આપવામાં આવે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી
તમામ રાજ્યોને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે જોગવાઈઓ હેઠળ જો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ તેમના રાજ્યમાં આવે છે તો તેમને વાય કેટેગરીની સુરક્ષા કવચ આપવામાં આવે. હકીકતમાં, બાબા બાગેશ્વરના દેશભરમાં યોજાતા કાર્યક્રમોમાં મોટી સંખ્યા ભીડ ભેગી થવાને ધ્યાનમાં રાખીને તેમને આ સુરક્ષા આપવામાં આવી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ
અરજદારે કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી પર ભૂતકાળમાં પણ લઘુમતી સમુદાય વિરુદ્ધ લોકોને ઉશ્કેરવાનો આરોપ છે. આવી સ્થિતિમાં, અરજદારે ગુજરાત હાઈકોર્ટને પોલીસ અધિકારીઓને ભડકાઉ અને દ્વેષપૂર્ણ નિવેદનો કરનારાઓ સામે પગલાં લેવાનો આદેશ આપવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 26 મે, 2023થી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. 26મી મેથી 4મી જૂન સુધી 3 શહેરોમાં બાગેશ્વર બાબાના દિવ્ય દરબારોનું આયોજન કરવામાં આવશે.