અદિતી રાજા, પરિમલ ડાભી : ગુજરાત ભાજપે અત્યાર સુધીમાં તેના 19 બળવાખોર નેતાઓને આગામી રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પક્ષના જ સત્તાવાર ઉમેદવારો સામે ઉમેદવારી નોંધાવવા બદલ સસ્પેન્ડ કર્યા છે.
ભાજપના મોટાભાગના બળવાખોરોએ સ્વતંત્ર માર્ગ અપનાવ્યો હતો, જ્યારે ત્રણ બળવાખોરોએ કોંગ્રેસ અને એકે AAPને ચૂંટણી લડવા માટે પસંદ કર્યા હતા.
કોંગ્રેસની ટિકિટ મેળવનાર ત્રણ બળવાખોરોમાંથી – ખાતુભાઈ પગી (શેહરા બેઠક), છત્રસિંહ ગુંજારીયા (ધ્રાંગધ્રા) અને કુલદિપસિંહ રાઉલજી (સાવલી) – રાઉલજીને ઓક્ટોબરમાં પક્ષ દ્વારા “સાઇડલાઈન” થયા બાદ ભાજપમાંથી બહાર નીકળવાથી તેમની સંભાવનાઓને નુકસાન થઈ શકે છે.
બરોડા ડેરીના ડિરેક્ટર અને દૂધ સંઘના નેતા તરીકે રાજકીય શરૂઆત કરનાર રૂલજી સાવલીમાં લોકપ્રિય છે. તેઓ પહેલીવાર 2009માં અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા. તેઓ 2012 માં ભાજપમાં જોડાયા હતા, તોઓ વર્ષ 2017 માં પણ ભાજપની ટિકિટ પર જીત્યા હતા.
AAPમાં સામેલ થયેલા ભાજપના બળવાખોર કેતન પટેલ વલસાડ જિલ્લાના પારડી મતવિસ્તારના આદિવાસી નેતા છે.
વડોદરા જિલ્લાની પાદરા વિધાનસભા બેઠક પરથી ભાજપના બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. પાદરા લાંબા સમયથી ભાજપનો ગઢ રહ્યો છે, જેણે 1985 થી 2017 સુધી ત્યાં એક પણ બેઠક ગુમાવી નથી, જ્યારે કોંગ્રેસના જસપાલસિંહ ઠાકોરે 20,000 મતોની સરસાઈથી જીત મેળવી હતી.
દિનેશ પટેલ પણ બરોડા ડેરીના બોર્ડમાં છે અને તેના ચેરમેન તરીકે સેવા આપે છે. તેઓ પહેલીવાર 2007માં અપક્ષ તરીકે જીત્યા હતા અને 2012માં ભાજપમાં જોડાયા હતા. પટેલના ભગવા પાર્ટીમાંથી બહાર નીકળવાથી પાદરા મતવિસ્તારમાં મતદાન પર અસર થઈ શકે છે, જ્યાં તેમને હજુ પણ સમર્થન હોવાનું કહેવાય છે.
રાજકારણી, અભિનેતા અને નિર્માતા મધુ શ્રીવાસ્તવ, જેઓ તેમની ભડકાઉ છબી માટે જાણીતા છે, તે સ્વતંત્ર માર્ગે ચાલનારા અન્ય નેતા છે. 1995થી વાઘોડિયાના ધારાસભ્ય રહેલા શ્રીવાસ્તવ 1982માં વડોદરા સિવિક બોડીની ચૂંટણી જીતીને રાજકારણમાં જોડાયા હતા.
આ પણ વાંચો – રાજ સમઢીયાળા ગામમાં કોઈ પાર્ટીને પ્રચાર કરવાની મંજૂરી નથી, ગામમાં જે વોટ ન કરે તેમને દંડ કરવામાં આવે છે
1985 માં, તેમણે તેમના પિતરાઈ ભાઈ ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે મળીને લોકશાહી મોરચા નામનું એક રાજકીય સંગઠન બનાવ્યું હતુ, જેઓ હાલમાં વડોદરામાં કોંગ્રેસના કોર્પોરેટર છે. તેઓ 1996માં ભાજપમાં જોડાયા હતા.
ધારાસભ્ય તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, શ્રીવાસ્તવ મીડિયા સાથે ઝપાઝપી સહિત અનેક વિવાદો માટે લોકોની નજરમાં રહ્યા છે. શ્રીવાસ્તવે ભૂતકાળમાં પણ ઘણી વખત પાર્ટીથી અલગ થવાની ધમકી આપી હતી, પરંતુ ભાજપ તેમને ઘણી હદ સુધી શાંત કરવામાં સફળ રહ્યું હતું. માર્ચ 2019 માં આવા એક એપિસોડ પછી, તેમને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (GIACL) ના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ભાજપના બે વખત પૂર્વ ધારાસભ્ય અને તેમના આદિવાસી સેલના પ્રમુખ હર્ષદ વસાવાએ નર્મદા જિલ્લાના નાંદોદથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં, ભાજપે એસએમ ખાંટ અને જેપી પટેલને સસ્પેન્ડ કર્યા હતા, જે બંનેએ ભાજપના ધારાસભ્ય જીગ્નેશ સેવક સામે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. પક્ષે આણંદમાં રમેશ ઝાલા અને અમરસિંહ ઝાલાને અનુક્રમે ઉમરેઠ અને ખંભાત બેઠક પરથી પક્ષના ઉમેદવારો સામે ઉમેદવારી નોંધાવવા બદલ સસ્પેન્ડ કર્યા હતા.
ઉત્તર ગુજરાતમાં, જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાનો સમાવેશ થાય છે, ત્યાં ભાજપે ધવલસિંહ ઝાલા, રામસિંહ ઠાકોર, માવજી દેસાઈ અને લેબાજી ઠાકોર સહિત પક્ષના નેતાઓએ પણ અપક્ષમાં ઉમેદારી નોંધાવતા સસ્પેન્ડ કર્યા છે.
આ પણ વાંચો – માણસાના ભાજપા ઉમેદવાર જયંતિ પટેલ એક સમયે મજૂરી કરતા, નસીબ પલટાયું, અત્યારે 661 કરોડના માલિક
ટિકિટ ન મળવાથી પક્ષથી નારાજ બાયડ મત વિસ્તારના ધવલસિંહ ઝાલાએ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરના નજીકના ઝાલા 2017માં બાયડમાંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા હતા. ઠાકોરની સાથે ભાજપમાં જોડાવા માટે તેમણે 2019માં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. ઝાલા જો કે ત્યારબાદની પેટાચૂંટણીમાં હારી ગયા હતા.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેશોદ, રાજકોટ ગ્રામ્ય, વેરાવળ અને રાજુલા મતવિસ્તારમાં ભાજપના નેતાઓ અરવિંદ લાડાણી, ભરત ચાવડા, ઉદય શાહ અને કરણ બારૈયાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
(અનુવાદ – કિરણ મહેતા)