ગુજરાત વિધાનસભા ચૂંટણી આવતા મહિને યોજાશે. ત્યારે નવસારીના 18 ગ્રામજનોએ પોતાની પડતર માંગ ન સંતોષાતા સત્તાધીશો સામે આક્રોશમાં આવી એલાન કર્યું છે. એકસાથે 18 ગામના ગ્રામજનોએ આગામી વિધાનસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. નવસારીના આંચોલી સહિત 17 પાડોશી ગામના ગામલોકોનો આ નિર્ણય છે.
આ સાથે ગ્રામજનોએ શાસક પક્ષ ભાજપ સહિત રાજકીય નેતાઓને અભિયાનો માટે ગામમાં પ્રવેશ પર બેનરો લગાવી પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રકારે નવસારીના 18 ગામના ગ્રામજનોએ રોષ ઠાલવ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી આ ગામના લોકો આંચેલી રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેનોને રોકવાની માંગ સરકારને કરી રહ્યા છે. જે પૂર્ણ ન થતાં ગ્રામજનો ઉશ્કેરાયા છે.
ગ્રામજનોએ અંચેલી રેલવે સ્ટેશન પાસે તેમજ ગામના મુખ્ય ચોક વિસ્તારોમાં લગાવેલા બેનરોમાં લખ્યું છે કે, ‘ટ્રેન નહીં તો વોટ નહીં’. આ સાથે બેનરમાં ઉલ્લેખ કરાયો છે કે, ભાજપ કે અન્ય રાજકીય પાર્ટીઓએ પ્રચાર માટે અહીંયા ન આવવું. તેમજ અમારી માંગણી સંતોષાય નથી, જેથી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ’.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ સરકાર બદલવા ઈચ્છે કે નહી? મતદાતાઓનું શું છે મંતવ્ય
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી આંચેલી અને આસપાસના ગામના લોકો નવસારીના સાંસદ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ MLA પીયૂષ દેસાઇ તથા કેન્દ્રીય રેલ અને રાજ્યમંત્રી દર્શના જરદોશને લોકોલ ટ્રેનોને અહીં થંભાવા માટે માંગ કરી રહ્યા છે. ગ્રામજનોનો દાવો છે કે, આ સેવા કોવિડ 19 મહામારી સમયે બંધ કરી દેવામાં આવી હતી. જેને પૂન: શરૂ કરાવા માટે અમે ઘણીવાર વિનંતી કરી છે. તેમ છતાં હજુ સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી.
આ પણ વાંચો: વોટિંગ માટે લાંચ આપે કે બળજબરી કરે તો ક્યાં ફરિયાદ કરવી? આ રહ્યો ટોલ-ફ્રી નંબર
અંચેલી નવસારીમાં પશ્વિમ રેલવે અમલસાદ અને વેદછા રેલવે સ્ટેશન વચ્ચે આવે છે. ત્યારે આ ગામના લોકોએ મુંબઇથી સુરત જનાર ટ્રેન સુરત ઇંટરસિટી એક્પ્રેસને અંચેલી રેલવે સ્ટેશન પર રોકવાની માંગ કરી છે. કારણ કે નવસારીના આ ગામોના લોકોએ નોકરી, અભ્યાસ તેમજ અન્ય મહત્વના કાર્યો માટે વલસાડ તથા સુરત જવું પડતુ હોય છે. ત્યારે આ લોકો નિયમિતરૂપે આ ટ્રેનોનો ઉપયોગ કરે છે. એવા સંજોગોમાં આ ટ્રેનો બંધ થઇ જતા આ ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે એ જોવું રસપ્રદ હશે કે વિઘાનસભા ચૂંટણી માથે છે અને નારાજ ગ્રામજનોને મનાવવા માટે શાસક પક્ષ ક્યો પેતરો અજમાવશે.