મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ એકાએક તૂટ પડતા મોટી દૂર્ઘટના સર્જાઇ છે. હાલ આ હોનારતમાં 50થી વધારે લોકોના મોત નિપજ્યા છે અને ઘણા લોકોની નદીમાં શોધખોળ ચાલી રહી છે. હાલ આ દૂર્ઘટનામાં એનડીઆરએફની ત્રણ ટુકડીઓ બચાવ કામગીરી કરી રહી છે. આ બચાવ કામગીરીને ઝડપી બનાવવા માટે ભારતીય સેનાની 3 પાંખના જુવાનો રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાશે.
મોરબીના ઝુલતા બ્રિજની હોનારતમાં બચાવ અને રાહત કામગીરી માટે ભારતીય નૌકાદળના 50 જવાનો સાથે NDRFની 3 પ્લાટુન, એરફોર્સના 30 જવાનો અને ભારતીય આર્મીના જવાનોની 2 કોલમ અને ફાયર બ્રિગેડની 7 ટીમો રાજકોટથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા રવાના થયા હતા.
રાજ્યની બચાવ દળની ત્રણ ટીમો અને વધુ બે NDRF ટીમોને વડોદરા એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પર એરલિફ્ટ કરવામાં આવી રહી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
નોંધનિય છે કે, મોરબીમાં મચ્છુ નદી પર બનેલો 140 વર્ષ જુનો ઐતિહાસિક અજાયબી ગણાતો ઝુલતો પુલ તૂટી પડતા 50 થી વધારે લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો નદીમાં લાપાત થઇ ગયા છે. નદીમાં પડેલા લોકોને બચાવવા અને તેમની શોધખોળ માટે હાલ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.