મોરબીમાં સર્જાયેલી પુલ દુર્ઘટના બાદ સરકારી હોસ્પિટલના મેકઓવરની તસવીરો અને તે સંબંઘિત અફવાઓ સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ હતી. ત્યાર બાદ પોલીસે પત્રકાર સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે અક પત્રકારને હોસ્પિટલ બહાર હાંકી કાઢ્યો હોવાના સમાચાર સામે આવ્યાં છે.
મોરબીમાં રવિવારે 30 ઓક્ટોબરે ઘટેલી ભયાનક ઘટનામાં 135 લોકો હોમાયા છે. એવા સંજોગોમાં પીએમ મોદી ગઇકાલે મંગળવારે મોરબીની મુલાકાતે પહોંચ્યા હતાં. જેને લઇને મોરબી સિવિલ હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઇ હતી. સિવિલ તંત્ર દ્રારા તાત્કાલિક ધોરણે સફાઇ અભિયાન તેમજ હોસ્પિટલમાં રંગરોગાન કરાયું હતુ. ખાસ કરીને પીએમ જે વિભાગની મુલાકાત લેવાના હતા તેની પૂરતી કાળજી લેવામાં આવી હતી. આ સાથે દર્દીઓની તમામ જરૂરિયાતો પૂરી કરાઇ હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી.
તસવીરો વાયરલ થયા બાદ પોલીસે પત્રકારને કેમેરામેન સાથે હોસ્પિટલ બહાર જવા માટે આદેશ આપ્યો હતો. પોલીસ પોતે તેમને ગેટ બહાર મૂકવા માટે ગયા હોવાના સમાચાર છે. જેને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે.
આમ આદમી પાર્ટીએ સમગ્ર મામલાને લઇ ટ્વીટ કર્યું હતું. પાર્ટીએ ટ્વીટ કરી લખ્યુ હતું કે, Photoshootમાં ઘટિયા ઇમારતની પોલ ન ખુલ્લી જાય, 141 લોકોએ જીવ ગુમાવ્યો છે, હજારો લોકો ગુમ છે.
આમ આદમી પાર્ટીએ ટ્વીટમાં લખ્યું હતું કે ઘટના સાથે સંકળાયેલા ગુનેગારો પર કોઇ કાર્યવાહી કરાઇ નથી. પરંતુ ભાજપને તેનાથી કોઇ ફર્ક પડતો નથી, તેને માત્ર ફોટોશૂટ કરીને લીપાપોતી કરવાની પડી છે.
માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) એ મંગળવારે કહ્યું હતું કે મંગળવારે ગુજરાતના મોરબીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા હોસ્પિટલમાં રંગરોગાન પ્રકારની ગતિવિધિઓ અમાનવીય છે. માકપા મહાસચિવ સીતારામ યેચુરીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે, જે સમયે હોસ્પિટલે પુલ દુર્ઘટનાગ્રસ્ત ઇજાગ્રસ્તોની સારવારમાં ધ્યાન આપવાનું હોય ત્યારે તેઓ હોસ્પિટલના સમારકામમાં વ્યસ્ત હતા. માકપાએ સંવાદદાતાઓને વધુમાં જણાવ્યું હતું કે, પ્રઘાનમંત્રીની મુલાકાત પહેલાં મોરબી સરકારી હોસ્પિટલને ચકાચક કરી દેવામાં આવી.
મંગળવારે મોરબીના પ્રવાસે પહોંચેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, પુલ દુર્ઘટનાને લઇ સમયની માંગ છે કે એક વિસ્તૃત અને વ્યાપક તપાસ કરવામાં આવે. જે આ દુર્ઘટના સંબંધિત તમામ પાસાઓનું ચકાસણી કરશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, દુ:ખની આ ક્ષણમાં તેને હર સંભવ મદદ મળશે.