પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે (Gujarat Visit) છે. તે અંતર્ગત આજે પીએમ મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ખાતે પહોંચી ગયા હતા અને વિવિધ તબીબી સુવિધાઓના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા જનઆરોગ્યલક્ષી કાર્યક્રમોનો શુભારંભ કરાવ્યો છે. આ પ્રસંગે પીએમ મોદીએ દર્દીઓ સાથે સંવાદ પણ કર્યો, ત્યારબાદ તેમણે જનસભા સંબોધી. તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ સૌથી મોટી મલ્ટિ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું લોકાપર્ણ કર્યું. આ હોસ્પિટલ પાછળ 1300 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. આ કાર્યકમ પતાવી પીએમ મોદી સીધા જ ઉજ્જૈન જવા રવાના થશે. તેઓ લગભગ 5.45 કલાકે પહોંચશે અને નવનિર્મિત મહાકાલ કોરીડોરનું લોકાર્પણ કરશે.
અમદાવાદ સિવિલમાં PM મોદી શું શુભારંભ કરાવ્યો?
વન ગુજરાત – વન ડાયાલિસીસ કાર્યક્રમ : 66 કરોડ, જેમાં રાજ્યના દરેક તાલુકા અને છેવાડાના વિસ્તારો સુધી 188 ડાયાલિસીસ સેન્ટરો કાર્યરત થશે: દરેક તાલુકામાં વિશ્વકક્ષાની એક સરખી ડાયાલિસીસ સુવિધા મળશે
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જુદા જુદા 22 સ્થળો ખાતે ડે કેર કિમોથેરાપી સેન્ટરોનો પ્રારંભ : રાજ્યના કેન્સરપીડિત દર્દીઓને પોતાના જિલ્લામાં મળશે કિમોથેરાપી – 12 કરોડ
અમદાવાદ સિવિલમાં કયા કામોનું ખાતમુહૂર્ત કર્યું?
GMERS મેડિકલ કોલેજ કેમ્પસ, સોલા-અમદાવાદ ખાતે ન્યુ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ: 620 બેડની હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, ન્યુરોલોજી, ગેસ્ટ્રોલોજી, પ્લાસ્ટિક સર્જરી, ન્યુરો સર્જરીની મળશે સ્વતંત્ર સુપર સ્પેશ્યાલિટી સેવાઓ – 404 કરોડનો ખર્ચ
મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ : 8 માળની ગર્લ્સ હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાઈબ્રેરી, ટીવી લોન્જ અને ડાઈનિંગ હોલ તથા 1 થી 8 માળમાં કુલ 528 વિદ્યાર્થીનીઓ રહી શકે તેવી સુવિધા – 48 કરોડ ખર્ચ
રૈન બસેરા – સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ : 8 માળના રૈનબસેરાના ગ્રાઉન્ડ ફ્લોર પર 280 દર્દીઓના સગા-સંબંધી એક સાથે જમી શકે તેવી કેન્ટીન તથા 1 થી 8 માળમાં કુલ 840 દર્દીઓના સગા-સંબંધી રહી શકે તેવા હોલની સુવિધા – 39 કરોડ ખર્ચ
સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ભિલોડા, જિ. અરવલ્લી: કોટેજ હોસ્પિટલ-ભિલોડાનું ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અપગ્રેડેશન થવાથી આદિવાસી ક્ષેત્રના દર્દીઓને 125 પથારી ઉપરાંત ટ્રોમા સેન્ટર, ઈમેજિંગ એન્ડ ડાયગ્નોસ્ટિક સેવા સહિત આત્યાધુનિક આરોગ્ય સુવિધાઓનો મળશે લાભ – 30 કરોડ ખર્ચ
સામુહિક આરોગ્ય કેન્દ્ર – અંજાર, જિ. કચ્છનું સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અપગ્રેડેશન : ગરીબ દર્દીઓને આધુનિક આરોગ્ય સુવિધાઓનો મળશે લાભ – 23 કરોડ ખર્ચ
અમદાવાદ સિવિલમાં કયા કામોનું લોકાર્પણ કર્યું?
ઈન્સ્ટિટિયૂટ ઓફ કિડની ડિસિઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) ખાતે 850 બેડની સુવિધાવાળું નવું હોસ્પિટલ બિલ્ડીંગ : 22 હાઈટેક ઓપરેશન થિએટર્સ, 12 આઈ.સી.યુ. અને એક સાથે 62 ડાયાલિસિસ સુવિધા – 408 કરોડ ખર્ચ
આ પણ વાંચો – પીએમ મોદીએ ભરૂચના આમોદથી 8000 કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું
ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ અમદાવાદનું હોસ્પિટલ બિલ્ડીંગ સી : જનરલ વોર્ડમાં બેડની સંખ્યા વધીને 187 થશે તથા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ 4થી વધીને 11 થશે. – 140 કરોડ ખર્ચ
યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ, અસારવા, અમદાવાદ ખાતે હોસ્ટેલ બિલ્ડીંગ અને કાર્ડિયાક કેરની વિશ્વકક્ષાની સુવિધા: 10 માળની 176 રૂમની હોસ્ટેલ બિલ્ડીંગ: હૃદયની સારવાર માટે આધુનિક મશીનો, હૃદય અને ફેફસાં પ્રત્યારોપણ માટેનું કેન્દ્ર સહિત વિશ્વકક્ષાની આરોગ્યલક્ષી અદ્યતન સુવિધાઓ. – 105 કરોડ ખર્ચ