/indian-express-gujarati/media/media_files/2026/01/06/winter-dehydration-symptoms-2026-01-06-15-59-33.jpg)
શિયાળામાં તરસ નથી લાગતી? આ સંકેત દર્શાવે છે કે તમારા શરીરમાં પાણીની ગંભીર અછત છે Photograph: (Social)
Health Lifestyle Desk: પાણી આપણા જીવનનો આધાર છે. તે માત્ર તરસ છીપાવવા માટે નથી, પરંતુ શરીરના તાપમાનને નિયંત્રિત કરવા, પોષક તત્વોના પરિભ્રમણ, કચરો દૂર કરવા અને હૃદય તથા કિડનીને કાર્યરત રાખવા માટે ખાસ અનિવાર્ય છે. શિયાળામાં વાતાવરણ ઠંડુ હોવાથી આપણને તરસ ઓછી લાગે છે, પણ શું તમે જાણો છો કે તરસ ન લાગવી એનો અર્થ એ નથી કે તમારા શરીરમાં પાણીની જરૂરિયાત પૂરી થઈ ગઈ છે. Heart.org ના અહેવાલ મુજબ, શિયાળામાં પણ નાનું ડિહાઇડ્રેશન તમારા મૂડ અને સુખાકારી પર મોટી અસર કરી શકે છે.
આવો જાણીએ ડિહાઇડ્રેશનના એવા 6 સંકેતો જે શિયાળામાં તમારે ક્યારેય અવગણવા ન જોઈએ:
1. પેશાબનો ઘાટો રંગ અથવા તીવ્ર ગંધ
તમારા હાઇડ્રેશન સ્તરને તપાસવાનો સૌથી વિશ્વસનીય રસ્તો પેશાબનો રંગ છે. જો પેશાબનો રંગ ઘેરો પીળો હોય અથવા તેમાંથી તીવ્ર ગંધ આવતી હોય, તો તેનો સ્પષ્ટ અર્થ છે કે કિડની પાણીનો સંગ્રહ કરી રહી છે કારણ કે તમારા શરીરમાં પાણી ઓછું છે. જો તમે પૂરતું પાણી પીતા હશો, તો પેશાબ કલર વગરનો અથવા સ્પષ્ટ (Clear) હશે.
2. શુષ્ક મોં અને ત્વચા
શું તમારુ મોં અને ત્વચા શુષ્ક પડી રહ્યા છે? શું તમને તમારું મોં ચીકણું કે સુકાયેલું લાગે છે? અથવા ત્વચા ફ્લેકી અને શુષ્ક થઈ ગઈ છે? આ બાહ્ય સંકેતો સૂચવે છે કે શરીર તેના મહત્વપૂર્ણ અંગોને કાર્યરત રાખવા માટે પાણી બચાવી રહ્યું છે, જેના કારણે ત્વચા અને પેશીઓ સુધી પૂરતો ભેજ પહોંચી શકતો નથી.
3. સતત થાક અને ઓછી ઉર્જા (Fatigue)
સતત થાક અને બેચેની પણ તમને ડિહાઇડ્રેશનનો સંકેત આપે છે. જો તમે કોઈ પણ શારીરિક મહેનત વગર અસામાન્ય રીતે થાક અથવા સુસ્તી અનુભવતા હોવ, તો તે પાણીની અછત હોઈ શકે છે. પાણી વિના શરીર કોષો સુધી ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડવામાં સંઘર્ષ કરે છે, પરિણામે તમે જલ્દી થાકી જાઓ છો.
4. એકાગ્રતાનો અભાવ અને ચીડિયાપણું
કોઇ કામમાં મન ન લાગવું અને એકાએક ચીડિયાપણું આવી જવું એ તમને ડિહાઇડ્રેશનનો મોટો સંકેત છે. આપણું મગજ અને નર્વસ સિસ્ટમ પાણીના સ્તરમાં થતા નાના ફેરફારો પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. ડિહાઇડ્રેશનને કારણે યાદશક્તિમાં સમસ્યા, કામમાં ધ્યાન ન લાગવું અથવા અચાનક મૂડ બદલાવો કે ચીડિયાપણું અનુભવાય છે.
5. તરસ ન લાગવી
તમને જાણીને નવાઈ લાગશે કે તરસ લાગવી એ ડિહાઇડ્રેશનનો મોડો સંકેત છે. ઠંડા હવામાનમાં શ્વાસ લેવાથી કે પેશાબ વાટે શરીર પાણી ગુમાવે છે, પણ મગજને તરત જ તરસનો અહેસાસ થતો નથી. એટલે તરસ લાગે ત્યારે જ પાણી પીવું એ શિયાળામાં ખોટી આદત સાબિત થઈ શકે છે.
6. બાથરૂમની આદતોમાં અચાનક ફેરફાર
શિયાળામાં ઘણીવાર લોકોને વારંવાર પેશાબ જવું પડે છે. ઠંડા હવામાનમાં કિડની વધુ પાણી ઉત્સર્જન કરી શકે છે. જો તમે પેશાબ કરવાની આદતોમાં બદલાવ જુઓ, તો તે તમારા હાઇડ્રેશન સ્ટેટસનું મૂલ્યાંકન કરવાનો યોગ્ય સમય છે.
પૂરતું પાણી પીવાના ફાયદા અને ટિપ્સ
- કિડની સ્ટોનથી બચાવ: પૂરતું પાણી કિડનીમાં પથરી બનવાની પ્રક્રિયાને રોકે છે.
- હૃદયનું સ્વાસ્થ્ય: તે લોહીના પરિભ્રમણને સરળ બનાવે છે, જેથી હૃદય પર દબાણ ઓછું આવે છે.
- ટિપ: તરસ ન લાગે તો પણ દર 1 થી 2 કલાકે એક ગ્લાસ પાણી પીવાની આદત પાડો.
શિયાળામાં પાણી પીવા વિશે FAQ
શિયાળામાં દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ?
સામાન્ય રીતે પુખ્ત વ્યક્તિએ દિવસમાં 2.5 to 3 liters પાણી પીવું જોઈએ, ભલે ઠંડીને કારણે તરસ ઓછી લાગતી હોય.
શું ડિહાઇડ્રેશનથી માથાનો દુખાવો થઈ શકે?
હા, પાણીની અછતને કારણે મગજની પેશીઓ થોડી સંકોચાય છે, જે માથાના દુખાવા અને ચક્કર આવવાનું કારણ બની શકે છે.
શિયાળામાં પાણી પીવા માટેના અન્ય વિકલ્પો કયા છે?
તમે નારિયેળ પાણી, ગરમ હર્બલ ટી અથવા સૂપ દ્વારા પણ શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જાળવી શકો છો.
હેલ્ધી અને સ્વસ્થ જીવનશૈલી માટે જાણવા જેવી Health Tips
અનિદ્રાની સમસ્યાથી છૂટકારો મેળવવા શું કરવું?
શિયાળામાં દહીં ખાવાની સાચી રીત અને સમય કયો છે?
ડાયાબિટીસ દર્દી આ 6 ફળનું સેવન કરે, બ્લડ શુગર લેવલ વધશે નહીં
શિયાળામાં કરો આ 5 યોગાસન, શરીર આખો દિવસ એક્ટિવ રહેશે
(ડિસ્ક્લેમર: આ લેખ જાહેર જનતામાં જાગૃતિ લાવવાના હેતુથી લખાયો છે. કોઈ પણ ગંભીર સમસ્યા માટે હંમેશા ડૉક્ટરની સલાહ લો)
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us