ચીનમાંથી ફેલાયેલી જીવલેણ કોરોના વાયરસની મહામારીની દહેશત ભારતમાં પણ અનુભવાઇ રહી છે. સાવચેતીના ભાગરૂપે ભારત સરકારે ચીન સહિત 6 દેશોમાંથી ભારત આવતા મુસાફરો માટે 1 જાન્યુઆરીથી આરટી-પીસીઆર (RT-PCR) નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બનાવવામાં આવશે. ચીન સહિત આ 6 દેશોના મુસાફરોએ ભારત આવતી ફ્લાઇટમાં બેસતા પહેલા ભારત સરકારના એર સુવિધા પોર્ટલ પર તેમના કોરોના ટેસ્ટના રેપોર્ટ અપલોડ કરવાના રહેશે.
ક્યાં 5 દેશોના મુસાફરો માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજિયાત
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુરુવારે જાણકારી આપતા જણાવ્યું કે, 1 જાન્યુઆરીથી, ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડથી ભારત આવતા મુસાફરો માટે કોવિડ-19નો નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજિયાત આપવો પડશે. માંડવિયાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે આ દેશોના મુસાફરોએ ફ્લાઇટ ટેકઓફ થવાની પહેલાં સરકારના એર સુવિધા પોર્ટલ પર તેમના RT-PCR ટેસ્ટ રિપોર્ટ અપલોડ કરવાના રહેશે.
આ પણ વાંચોઃ ભારતમાં કોરોના વાયરસનો ખતરો : બે દિવસમાં 39 વિદેશી પ્રવાસીઓ પોઝિટિવ આવ્યા
ભારતમાં કોરોના મહામારી ફેલાવાની દહેશેત
ચીન અને પૂર્વ એશિયાના કેટલાંક દેશોમાં કોવિડ-19ના કેસ રેકોટ ગતિથી વધી રહ્યા હોવાથી ભારતમાં પણ આ જીવલેણ મહામારીનું સંક્રમણ વધવાની દહેશત છે. આ દરમિયાન આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે અગાઉની કોરોના લહેર દરમિયાન જોવા મળેલી પેટર્ન અનુસાર ભારતમાં પણ જાન્યુઆરીમાં સંક્રમણના નવા કેસો ઝડપથી વધી શકે છે. જો કે, અધિકારીઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા અને મૃત્યુના કિસ્સામાં વધારો થવાની સંભાવના નથી.
આ પણ વાંચોઃ કોવીડ-19 રસીનો ત્રીજો ડોઝ ગંભીર રોગ અને મૃત્યુ સામે આપશે રક્ષણ : WHOના પૂર્વ સાયન્ટિસ્ટ
લોકોને સાવધાની રાખવા અને માસ્ક પહેરવાની અપીલ
આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “અમે કોરોના મહામારી ત્રણ લહેર દરમિયાન જોયું છે કે પૂર્વ એશિયાના દેશોમાં નોંધાયેલો કોઈપણ કોરોના વેરિયન્ટ લગભગ 10 દિવસમાં યુરોપમાં પહોંચે છે, અમેરિકામાં 10 દિવસમાં અને પેસિફિક ટાપુના દેશોમાં બીજા 10 દિવસમાં. જ્યારે ભારતમાં તે 30 થી 35 દિવસમાં પહોંચે છે. તેથી, જાન્યુઆરી મહિનામાં લોકો સાવધાની રાખે અને માસ્ક પહેરીને બહાર જાય તે મહત્વનું છે.”