હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ આર્ટીલરી-૮, અમર શહીદ રમેશ જોગલ, “જબ તક આદેશ ન મિલે અપને હથિયાર કો કભી ભી કિસી કી તરફ પોઈન્ટ મત કરો”

hindusthan na shaurya gatha, kargil war : રીક્રુટ્સ ફાયરીંગ શીખવાની શરૂઆત એક વિશાળ ઇન્ડોર રેંજ પર રેગ્યુલર આર્મી ઈશ્યુ એસએલઆર રાયફલને બદલે પોઈન્ટ ટુટુ (0.૨૨) રાયફલનાં શુટિંગથી થઇ. પોઈન્ટ ટુટુની ભારે રાયફલ ઉપાડવી જ મુશ્કેલ હતી.

Written by Manan Bhatt
May 15, 2023 14:41 IST
હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ  આર્ટીલરી-૮, અમર શહીદ રમેશ જોગલ, “જબ તક આદેશ ન મિલે અપને હથિયાર કો કભી ભી કિસી કી તરફ પોઈન્ટ મત કરો”
હિન્દુસ્તાન કી શૌર્યગાથા

રાઈફલ શુટિંગ

તાલીમનો એક મહિનો પૂરો થયો કે છોકરાઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા એ ‘સ્મોલ આર્મ્સ ટ્રેનીંગ’નો સમય આવ્યો. રમેશની સ્ક્વોડનાં છોકરાઓને માટે રાયફલ શુટિંગ નવો જ અનુભવ હતો. રીક્રુટ્સ ફાયરીંગ શીખવાની શરૂઆત એક વિશાળ ઇન્ડોર રેંજ પર રેગ્યુલર આર્મી ઈશ્યુ એસએલઆર રાયફલને બદલે પોઈન્ટ ટુટુ (0.૨૨) રાયફલનાં શુટિંગથી થઇ. પોઈન્ટ ટુટુની ભારે રાયફલ ઉપાડવી જ મુશ્કેલ હતી.

હવાલદાર રતન ચન્દ્ર દત્તા ઇન્સ્ટ્રકટર ગ્રેડનાં સ્પેશલ તોપચી હતાં જેમને શિરે રીક્રુટ્સની ફાયરીંગ તાલીમ હતી. દત્તાએ છોકરાઓને રેંજનાં બીજા નિયમો સમજાવતાં પહેલાં એક થમ્બ રૂલ યાદ રાખવાનું કહ્યું, “જબ તક આદેશ ન મિલે અપને હથિયાર કો કભી ભી કિસી કી તરફ પોઈન્ટ મત કરો.”લક્ષ્ય ૧૦૦ મીટર દૂર હતું. “લાઈન પોઝીશન” માં એટલે કે પેટ પર ઉંધા લેટીને ફાયર કરવાનું હતું. ફર્શ પર પાથરેલા તારપોલીનનાં પટ્ટા પર રીક્રુટ્સને લેટી જવાનું કહેવામાં આવ્યું.

હવાલદાર દત્તાનો પહેલો આદેશ: “લોડ.”“ખટાક!” અવાજ સાથે રમેશ સહીત લાઈન પોઝીશન થયેલાં દસ છોકરાઓ એ એક સાથે મેગેઝીન લોડ કરી સેફટી કેચ નીચે કર્યું.બીજો આદેશ:“ફાયરીંગની પહેલા, ડાબે હાથે પકડી રાયફલનાં કુંદાને તમારાં જમણા ખભે ફેરવો.”જમણેરી છોકરાઓ માટે આ એક મુશ્કેલ આદેશ હતો.પણ રમેશને તેનાથી કોઈ પરેશાની થઇ નહીં.ત્રીજો આદેશ:“ફાયર!”

ગોળીનાં અવાજથી રમેશનાં તો જાણે કાન જ ફાટી પડ્યા. ખભાને એવો ધક્કો લાગ્યો જાણે ખચ્ચરે પાછલા પગે લાત મારી હોય.દત્તા, “ક્યા હુઆ, રમેશ?”“લાગે છે, મારો ખભો તૂટી ગયો છે.”દત્તા, “કુછ નહીં હૈ. અપની રાયફલ કો અચ્છે સે પકડો ઔર કંધે પર દબા કર રખો.”“વૈસે, તુમને પહલી હી ગોલી “બુલ્સ આઈ’ મેં મારી હૈ.”આ કેમ થયું એ રમેશને પણ સમજાયું નહીં.દત્તા, “ચાર ઔર રાઉન્ડ્સ, અપને સમય મેં, ફાયર!”રમેશે ચારમાંથી ત્રણ રાઉન્ડ ફરીને સચોટ નિશાન “બુલ્સ આઈ” પર દાગ્યા.

આપણા કથાનકમાં આ પડાવે વાચકને ‘નમુના’ અને ‘રગડો’ આ બે શબ્દો સાથે પરિચય કરાવવો જરૂરી છે. ‘રગડો’ એટલે સાદી ભાષામાં કહીએ તો ‘સજા’. પરેડ ગ્રાઉન્ડ, પીટી ગ્રાઉન્ડ, ક્લાસ અને ફાયરીંગ રેંજ આ ત્રણ એવી જગ્યાઓ હતી જેની સૌથી મહત્વની તાલીમ ‘રગડો’ હતી. પરેડ દરમિયાન જો કદમતાલ ચૂકાઈ જાય કે પછી કોઈ મજાક-મસ્તી અથવા વાતચીત કરતાં ડ્રીલ ઉસ્તાદની નજરે ચડી ગયા તો રાયફલ ઉંચે ઉઠાવીને પરેડ ગ્રાઉન્ડનાં ચક્કર લગાવવાનો ‘રગડો’ આમ વાત હતી. પુશઅપ, ફ્રન્ટ રોલ, સાઈડ રોલ, ક્રોલીંગ અને ફ્રોગ જંપ રગડાનાં અન્ય પ્રકારો હતાં.

બાપ્પાદીત્ય

સેનામાં નિયમો અને આદેશો પથ્થરની લકીર સમા હોય છે. રીક્રુટ્સ માટે શરૂઆતી તબક્કામાં આ રીજીડ જીવનશૈલી સાથે અનુકુલન સાધવું મુશ્કેલ હોય છે. પણ એવા રીક્રુટ્સ જે આ એડજસ્ટમેન્ટ કરવા જ નથી માગતા તેમને માટે સેનામાં ‘નમુનો’ શબ્દ પ્રયોગ થાય છે. આવો જ એક ક્લાસિકલ ‘નમુનો’ બાપ્પાદીત્ય રાઈફલ, પિસ્તોલ અને હેન્ડ ગ્રેનેડ ફેંકવાનું શીખવા માટે રમેશ અને પુરા ક્લાસની સાથે ફાયરિંગ રેન્જમાં પહોંચી તો ગયો. પણ આ બધાં ધમાકાઓનાં અવાજમાં તેને લાગ્યું કે તે બહેરો થઇ જશે. કાનના પડદાને સુરક્ષિત રાખવા માટે તેણે રૂનાં પૂમડા ભરાવવાનું તેણે નક્કી કર્યું પણ તેનાથી વધુ ફાયદો થયો નહીં. ફાયરીંગ દરમિયાન શરૂઆતમાં તો બાપ્પાનાં કાન સતત રણકતા રહ્યા.

પછી થયું એવું કે બાપ્પાને રેંજ પર ફાયરીંગ કરતી વખતે પાછળ ઉભેલા રેંજ પ્રશિક્ષક દત્તાને પ્રશ્ન પૂછવા પાછળ ફર્યો. તેના હાથમાં રાયફલ હતી એટલે તેનાં શરીરની સાથે-સાથે રાયફલ પણ આખો ઘુમરો લઇને પાછળ તરફ ફરી. ગોળીઓ ભરેલું – ‘લોડેડ વેપન’ બધાં સાથીઓ તરફ ઘુમાવી, બાપ્પાએ દત્તાની નજરે ‘મહાપાપ’ કર્યું હતું. બાપ્પાની કાર્યવાહીમાં નિહિત જોખમને પિછાણી ને હવાલદાર દત્તા તુરંત બાપ્પા પર ગરજ્યા, “રીક્રુટ, અપના શસ્ત્ર તુરંત નીચે કી ઔર પોઈન્ટ કરો.”

એ દિવસે ફાયરીંગ રેંજ પર બાપ્પાની સાથે પૂરી સ્કવોડને દત્તાએ એટલાં ફ્રન્ટ રોલ કરાવ્યા કે સાંજ સુધી બધાંનાં માથા ગોળ ચક્કર ભમતા રહ્યા. એ દિવસની તાલીમ પૂરી થતાં સુધીમાં બંદુક અને ગ્રેનેડનાં અવાજની બાપ્પા અને સ્ક્વોડનાં પ્રત્યેક સભ્યનાં કાનને આદત પડી ગઈ અને વેપન ડીસીપ્લીનની ગાંઠ બંધાઈ ગઈ. તેમને ક્યાં ખબર હતી, કાનનાં પડદા ફાડી નાખે તેવો તોપનો અવાજ તો હજી સાંભળવાનો બાકી હતો.

કેન્ટીન કે સ્વર્ગ?

રવિવાર એટલે કૃષ્ણ સુદામા જેવા બે ભાઈબંધ રમેશ અને મસરીને મળવાનો દિવસ. કેન્ટીન કોમ્પ્લેક્સમાં એક ઝાડની નીચે બંને ભેગા થાય. રમેશ અને મસરી બંને દોસ્તો શુદ્ધ શાકાહારી તો ખરા જ સાથે અન્ય વ્યસનોથી મુક્ત હતા. બસ એક શોખ હતો રમેશને,ગળ્યું દૂધ પીવાનો.બંને મિત્રો કેન્ટીનમાંથી કેળા અને દૂધના ગ્લાસ અને બિસ્કીટની જયાફત ઉડાવે અને કલાકો સુધી સુખદુઃખની વાતો કરે. ટ્રેનીંગ સેન્ટરની જડબેસલાક શિસ્તના ગરમ વાતાવરણમાં રમેશ અને મસરી માટે કેન્ટીન ઠંડી હવાની લહેરખી જેવી હતી.

આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ આર્ટીલરી-૭, અમર શહીદ રમેશ જોગલ, પ્રથમવાર રમેશની પરેડ અને રાઈફલ ડ્રીલ

એક દિવસ ન જાણે શું થયું પણ રમેશ મસરીને કહે, “દોસ્ત, અહીંથી ગયા બાદ આપણે ગામમાં એક સામાન્ય માણસનું જીવન જીવીને વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામીશું. જ્યારે અહીં કદાચ એવો પણ સમય આવશે કે દેશને માટે જુવાનીમાં જ મરી ફીટશું. રોજેય કેટલાય માણસો આમજ જીવન મરણના ફેરા પૂરા કરે છે પણ કોણ એને યાદ રાખે છે? ભાઈ મારા, મારી અને તારી જેવો એક સૈનિક જ્યારે વીરગતિને પામે છે ને ત્યારે તો આખો દેશ એની પાછળ શોક મનાવે છે. આપણા ગામની કેટલીય પેઢીઓ આપણને યાદ કરહે’ ભાઈ.”

રમેશ કહેતો, “મસરી, જો એકવારમાં આપણે કંઈ ન કરી શકીએ તો નાસીપાસ થવું નહીં. આપણે બન્ને ફરી મળીને કોશિશ કરીશું.સફળતા હોય કે નિષ્ફળતા આપણી બંનેની સહિયારી જ રહેશે.” પણ એવી જરૂર ક્યારેય પડી નહીં. એ બંને પ્રત્યેક ટાસ્કમાં ફર્સ્ટ ગ્રેડમાં જ નીકળી જતા. લાંબા અંતરની દોડ હોય કે બીજી ગમે તેવી મુશ્કેલ તાલીમ રમેશે પોતે પ્રથમ આવવા માટે ક્યારેય મસરીને પાછળ ન છોડ્યો.

બંનેનાં સાથીઓ કહેતા કે રમેશ અને મસરીની જુગલ જોડી છે. એવી જ એક જુગલ જોડી હતી રમેશની સ્ક્વોડના બે છોકરા હરિયાણાના રેવાડીના બલસિંહ અને બિહારના છપરાના રાજીવ રંજનની. રમેશ અને મસરી સ્વભાવે જેટલાં શાંત એટલા જ રાજીવ અને બલસિંહ તોફાની અને ઉધમ મચાવનારા.

આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ આર્ટીલરી-૬, રમેશના અહીં આવ્યાના ત્રણેક દિવસ બાદનવા ગુજરાતી આહીર રીક્રુટ મસરીભાઈ ચાવડાનો પ્રવેશ થયો

રાજીવ રંજન ટીખળી રંગીલો અને વાતોડિયો. સાથીઓની મજાક મસ્તી અને ટાંગ ખીંચાઈ કરવામાં પાવરધો. એકવાર તો એવું બન્યું કે પરેડ ટ્રેનીંગ બાદ રમેશની સ્ક્વોડના તાલીમાર્થીઓ ત્રણ-ત્રણની ફાઈલમાં દોડીને બેરેક તરફ જઈ રહ્યા હતા. સ્ક્વોડ લીડર રમેશ જોગલ સ્ક્વોડની જમણી તરફ બરોબર મધ્યમાં તેમને લીડ કરતો દોડી રહ્યો હતો. સ્ક્વોડ એડમીન બિલ્ડીંગની સામે પહોંચી ત્યારે જ તેમની સામેથી એક મહિલા ઇવનિંગ વોક કરતાં પસાર થયા. એ મહિલાની બાજુમાંથી પૂરી સ્ક્વોડ લયબદ્ધ કદમથી ‘દૌડકે ચલ’ કરતી પસાર થઇ, હજી ચારેક સ્ટેપ્સ આગળ વધી હશે કે છેલ્લી ફાઈલમાંથી રાજીવે પાછળ જોઈ સિસોટી મારી.રમેશના ગુસ્સાનો પાર નહોતો.એ રાજીવ પાસે પહોંચ્યો અને તેને શુદ્ધ હિન્દીમાં બે-ચાર ચોપડાવી અને કહ્યું, “બેટા તુજે સીટી મારને કા બડા શૌક ચઢા હૈ? એકબાર બેરૈક મેં આજા, મેં તેરી સીટ્ટી- પીટ્ટી સબ નીકાલતા હું.”

ક્લાસ હજી સો મીટર દૂર નહીં પહોંચ્યો હોય ત્યાં તો સામેથી તેમના ડ્રીલ ઉસ્તાદ હવાલદાર રતન ચન્દ્ર દત્તા કમર પર હાથ રાખીને રસ્તાની વચ્ચોવચ ઉભેલા મળ્યા. તેમને જોઈ રમેશ જોગલે આદેશ આપ્યો, “ક્લાસ થમ.”દત્તા, “ચલો પરેડ ગ્રાઉન્ડ.”રમેશ, “સર ક્યા હુઆ? હમ વહીં સે તો આ રહે હૈ.”દત્તા, “બેટા, ક્યા હુઆ યહ તો વહાં પહુંચ કર હી માલુમ ચલેગા.”દત્તા સરનો ‘રગડો’ પરેડ ગ્રાઉન્ડમાં રમેશની સ્ક્વોડની રાહ જોઈ રહ્યો હતો!

ક્રમશઃ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ