હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ તોપચીઓ કારગીલનાં રણે, ૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટ, ગુજરાતી વીર રમેશ જોગલની કહાની

hindusthan na shaurya gatha, kargil war : હમીર ભાઈનાં વહુએ ટપાલી કાકાને પાણી ભરેલો પ્યાલો આપ્યો અને એક રકાબીમાં ચા ભરી. ટપાલી કાકાએ રકાબીની ચા એક સબડકે પૂરી કરી અને ગનર રમેશ જોગલનો પત્ર વાંચવાનું શરુ કર્યું..

Written by Manan Bhatt
Updated : March 27, 2023 13:49 IST
હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ તોપચીઓ કારગીલનાં રણે, ૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટ, ગુજરાતી વીર રમેશ જોગલની કહાની
૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટમાં ગુજરાતી વીર રમેશ જોગલ

હિન્દુસ્તાન કી શૌર્ય ગાથામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ભારતીય વીરોની કહાની વ્યક્ત થઈ રહી છે ત્યારે દરેક અંકમાં વીરો અને તેમની પરાક્રમની કહાનીઓ વિશે જાણતા રહીએ છીએ. ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા કારગીલ યુદ્ધમાં તોપચીઓની મહત્વની ભૂમિકા હતી. ૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટમાંથી કારગીલ યુદ્ધમાં બે અધિકારી શહીદ થયા હતા. આ અંકમાં ૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટના શહીદ રમેશ જોગલ વિશે જાણીશું.

૦૬ જુલાઈ ૧૯૯૯ સમય સવારના ૧૧.૦૦ કલાકમેવાસા ગામ, જામનગર જીલ્લો, ગુજરાત

સૌરાષ્ટ્રના હાલાર પંથકનું મેવાસા ગામ. ખુલ્લી ઓસરીવાળા આયરના ખોરડે કાળો સાડલો ઓઢીને બેઠેલા આહીરાણી. સિંદુર વિહોણું કપાળ અને મંગલસૂત્ર વિનાનું ગળું. ચાર સંતાનોમાંથી મોટો હમીર પંદર વરસનો હતો ત્યારે પિતા વિક્રમભાઈનું ગામતરું થયું અને જશીબેનને વૈધવ્ય આવ્યું. રમેશ, મહેશ અને સંતોકને મોટા કરવાની અને ખેતી કરીને ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી આવી ગઈ જશી બા અને કિશોર વયનાં હમીર પર. જશીબેન સાક્ષાત જોગમાયાના અવતાર સમા. ઉજળીયાત અંગ પર શ્યામલ કપડાં પહેરીને બેઠાં હોય ત્યારે એમનું જગદંબા જેવું રૂપ શોભી ઊઠતું. ગામ આખું જશીબાનો ખૂબ આદર કરતું અને સહુ તેમનો પડ્યો બોલ ઝીલતા. ફળિયામાં બેસી ઘઉં વીણતા જશીબેન ચિંતાતુર ચહેરે સામે દીવાલ પર ટીંગાતા તેમનાં દીકરા રમેશનાં સૈન્ય વર્દી વાળા ફોટા સામે તાકી રહ્યા હતાં.

મોટા દીકરા હમીરનાં પત્ની રસોડામાંથી બહાર આવીને કહે છે, ‘શું થયું બા, કેમ આજે આટલા ચિંતામાં છો? રમેશભાઈ મજામાં જ હશે. તમે નાહકનાં ચિંતા કરો છો અને ભાઈનો કાગળ પણ આવતો જ હશે.’ બાનાં ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી.જશીબેન વિચારી રહ્યા હતાં કે કારગીલનું યુદ્ધ લડી રહેલો એમનો લાલ રણમેદાને કેવા હાલમાં હશે? બાની આંખમાંથી વહેલી વેદના એના કરમાયેલા ગાલ ઉપર થઈને એના કાળા સાડલા ઉપર ટપકી રહી હતી.

જશી બા, ‘ચિંતા તો થાયને વહુ બેટા. રમેશનો કાગળ સોમવારે પણ ન આવ્યો. આજે તો અચૂક આવવો જ જોઈએ.’વહુ, ‘બા, ટપાલી કાકા હમણાં આવતા જ હશે.હજી તો સાસુ વહુની વાત પૂરી નહોતી થઇ ત્યાં ડેલીની બહારથી સાંકળ ખખડી અને અવાજ આવ્યો.‘અરે કોઈ ડેલીમાં છે કે?’ડેલી ખખડી કે જશીબેનની આંખો ખુશીથી ચમકી ઉઠી, જરૂરરામાનો કાગળ હશે, એ ઝડપી ડગલે આંગણું ઓળંગીને ડેલી એ પહોંચ્યા. નાની બહેન સંતોક પણ દોડીને ઓસરીમાં આવી ઉભી.

કિચુડ.. ધીંગીડેલીની સાંકળ ખોલીને અંદરથી આહીરાણી બહાર આવ્યા. આઆહિરાણીનો વચલો દીકરો એટલે સાવજ સમો રમેશ ૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટમાં તોપચીનાં પદે કાર્યરત હતો. રમેશનો લખેલો એક કાગળ લઇને વર્ષ ૧૯૯૯ ની ૨૫મી જુનનાં દિવસે આગિયાર વાગે ટપાલી કાકા ડેલીએ આવ્યા હતાં.જશી બા, ‘આવો ને ભાઈ, બેસો. મારા રમેશનો કાગળ લાવ્યા છો ને? વહુ બેટા, ટપાલી કાકા માટે પાણી લાવજો.’ટપાલી ઓસરીમાં બેસતાં કહે, ‘જશી બેન, કાગળ ન હોય તો થોડો તમારે આંગણે આવું? ચાલો તમને વાંચી સંભળાવું.’જશી બા ટપાલીની સામે જઈ બેઠા. હમીર ભાઈનાં વહુએ ટપાલી કાકાને પાણી ભરેલો પ્યાલો આપ્યો અને એક રકાબીમાં ચા ભરી. ટપાલી કાકાએ રકાબીની ચા એક સબડકે પૂરી કરી અને ગનર રમેશ જોગલનો પત્ર વાંચવાનું શરુ કર્યું:

hindusthan na shaurya gatha, kargil war
રમેશ જોગલે લખેલો પત્ર

રમેશ દ્વારા લખેલો પત્ર શબ્દશઃ

તા.૨૫-૦૬-૧૯૯૯મંગળવાર, કારગીલપરમ પૂજ્ય માતુશ્રી,આપના પુત્ર રમેશના પ્રણામ. આપને જણાવવાનું કે હું અહીં ખુશી મજામાં છું. અને તમે પણ ખુશી મજામાં હશો. ભગવાન તમારું બધાંનું ભલું કરે તેવી મારી પ્રાર્થના.મારી તબિયત ખૂબ જ સારી છે. શરીર પણ ફીટ છે. તમારી ટપાલ મને મળી, વાંચી. મારો ભાઈબંધ થોડા વખત પહેલા આપણે ઘરે આવીને ૧૦૦૦ રૂપિયા આપી ગયો તે મેં જાણેલ. તમારી રડવાની વાત મને ગમી નથી. જે માણસ સેનામાં છે તેમને માટે સાતમ આઠમ કંઈ નથી. તહેવારના દિવસોમાં મને યાદ કરવાની જરૂર નથી. મેં ૧૭ વર્ષ સુધી તમારી બધાની સાથે તહેવારો ઉજવ્યા છે. તો હવે ન કરી (ઉજવી) શકું તો કંઈ વાંધો નહીં. જ્યારે મારા સસરા (પલટનનો અધિકારી) આવવા દયે ત્યારેજ અવાય ને. બહુ જ વાયડા છે. તમારી જેમ સોજ્જા નથી. સુખ દુઃખ તો આ હરિયાળી જિંદગીમાં આવ્યા જ કરવાનું છે તો ચિંતા કરતા નહિ.તમે કહો છો કે બહેનને સાવ ભૂલી જ ગયો કે તેનું નામ પણ ટપાલમાં ઉલ્લેખતો નથી. ના બા એવું ન બોલો. મારી નાની લાડકી સંતોકને તે કંઈ હું ભૂલતો હોઈશ? બા, સંતોક તો તમારી પાસે જ છે ને. એને પૂછો કે ક્યારેય ભાઈ ને કોઈ કાગળ લખ્યો? જો બેન ને એટલું જ દુઃખ લાગતું હોય તો બે રોટલા વધારે ખાય લ્યે, કંઈ વાંધો નહીં.બા, તારે ખોળે માથું રાખીને સૂવા તો ખબર નહિ ક્યારે મળશે પણ તારી જેમ જ મા ભારતીનું મન બહુ મોટું છે. એ અમને બધાંને એની વિશાળ ગોદીમાં સમાવી લ્યે છે. તમારે તો ગર્વ લેવો જોઈએ કે ભોમકાનું કરજ ચૂકવવાની તમારા રમેશને તક મળી છે.ભાઈ મહેશ એ ભણવા માટે ભાણવડ રૂમ રાખ્યો જે તે બહુજ સારું કર્યું.મહેશ, તું ટ્યુશનમાં ક્યાં જાય છે? તારા ટ્યુશનનાં સાહેબનો નંબર મને આપજે અને ભણવામાં ધ્યાન રાખજે. રવિવારે અચૂક ઘરે જવું. બાકી તો બહેનનું નામ નથી લખ્યું તેથી એને દુઃખ લાગે છે. મને ખબર છે હું તેને યાદ પણ આવતો હોઈશ, મને પણ બેન બધા કરતાં વધારે યાદ આવે છે. પણ યાદ કરવાથી કાઈ નહીં થાય.મહેશની ટપાલ મને ૨૪-૦૬-૧૯૯૯ના દિવસે મળેલ. વાંચીને ખૂબ જ આનંદ થયેલ. ‘મહેશ, કારગીલના બહુ જ સમાચાર આવતાં હશે, પરંતુ મને કંઈ વાંધો નથી. તો બા ને કહેજે કંઈ ચિંતા કરે નહીં. મહેશ, કારગીલની વાતો સાંભળીને તારું મન અહીં આવવાનું થાય છે કે નથી થતું તે વળતી ટપાલે જણાવજે. અત્યારે તું શું તૈયારી કરે છે તે પણ ટપાલમાં જણાવજે. પૈસાની જરૂર હોય તો તે પણ વળતી ટપાલમાં જણાવજે.હું ત્યાં બેંકની પાસબુક ભૂલી ગયો છું, તો તેના ખાતા નંબર મોકલાવી આપવા ખાસ વિનંતી.બા, હું તો ૨૦ વર્ષની જાત્રા કરવા મફતમાં નીકળ્યો છું. આવી જાત્રા તો કોઈકના જ ભાગ્યમાં હોય છે. બા તથા હમીર ભાઈ, ભાભી તથા સંતોક બહેન તથા મહેશકુમાર તથા રોનક તથા દિલીપ તમે બધા ખુશી મજામાં હશો અને સગા વહાલાને તથા આડોશ પાડોશને મારી યાદી. બસ આ ટપાલ મળે કે તુરતજ ટપાલ લખવા મારી ખાસ વિનંતી.મહેશ, પરીક્ષામાં સારું ધ્યાન આપજે.લિ. આપનો આજ્ઞાકારી,જોગલ રમેશ કુમાર

જશી બેનની આંખોમાંથી ખુશીની ચમક ગાયબ થઇ ગઈ અને ચહેરા પર દુખ ઉભરી આવ્યું. દીકરાની કેટલી યાદ આવે છે પણ માની મજબૂરી છે કે એ પોતાનાં દીકરાને મળી નથી શકતી. એ પોતાનાં દેવનાં દીધેલનું મોં જોવા તરસી ગઈ છે. ગયે વખતે પણ તેની રજા કેન્સલ થઇ ગઈ અને એ આવ્યો નહીં. આ વખતે તો હતું કે કાગળમાં એનાં આવવાની કોઈ તો ખબર આપશે.

જશી બેને તો એના વ્હાલા રામાને ભાવતી મીઠાઈઓ અને ફરસાણ પણ બનાવી રાખ્યા હતાં. એટલે એ જેટલાં દિવસ ઘરે રહે એટલા દિવસ ભાવતો નાસ્તો કરી શકે. બા ની આખો આંસુ ભરી હતી, એ ઘડીભર વર્દીમાં રહેલાં રામાની અને ઘડીક રામાનાં પિતાની તસવીર ને એકટક તાકતા રહ્યા. જાણે કહી રહ્યા હોય, ‘તમે અમને મૂકી ને જતાં રહ્યા અને હવે મારો રામો પણ સેના માં જતો રહ્યો.’

૦૬ જુલાઈ ૧૯૯૯ સમય સવારના ૧૧.૩૦ કલાક૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટ, દ્રાસ, કારગીલ

યુવાનીને ઉંબરે ઉભેલા એ વીસેક વર્ષનાં આયરની ફાટફાટ થતી છાતી, છ ફૂટ પૂરો મજબુત દેહ, વિશાળ ભુજાઓ, ભરાવદાર મુખ, વીંછીનાં આંકડા જેવી મૂછો અને રુઆબદાર વ્યક્તિત્વ તેને બીજા સૈનિકોથી કંઇક અલગ તારવતા હતાં. હાથમાં ઓગણીસ કિલો વજની તોપગોળાને લઇ ઝડપી ડગલાં ભરી તોપ પાસે જઈ રહેલાં એ યુવાનને તોપનાં કાન ફાડી નાખે તેવાં અવાજની કે પછી તેનાં તોપમારાની દિશાની કશીય પરવા નહોતી. તેને કેવળ ફિકર હતી નજીક ગોઠવેલાં તોપગોળાનાં થપ્પામાંથી ‘પી’ બેટરીની તોપ નંબર બેનાં લોડરને ગોળા પુરા પાડવાની.૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટની ‘પી’ (પાપા) બેટરીની બીજા નંબરની તોપનો એ તોપચી જાણે તેની ૧૦૫ મીમી ગોળાઈનું નાળચું ધરાવતી ઇન્ડિયન લાઈટ હોવીત્ઝર ગન સાથે એકાકાર થઇ ગયો હતો.

hindusthan na shaurya gatha, kargil war
ગુજરાતી વીર શહિદ રમેશ જોગલ

તોપ પાસે પહોંચતાવેંત યુવાને ઝડપથી લોડરનાં હાથમાં ગોળો સોંપ્યો, જેણે એ તોપનાં બ્રિચમાં નાખ્યો. હોવીત્ઝરની ડાબી તરફ ગનર એનસીઓ / મુખ્ય તોપચી ફાયરીંગ અધિકારીનો નવો આદેશ મેળવ્યા બાદ સ્કોપની મદદથી તોપના ક્ષિતિજ સમાંતર પ્રક્ષેપણને નિયત કરી રહ્યો છે. મુખ્ય તોપચીએ સ્કોપનો આલ્કોહોલ બબલ સંપૂર્ણપણે મધ્યમાં સ્થિત થાય ત્યાં સુધી નંબર વ્હીલને ઘુમાવીને તોપના નાળચાને ડાબે-જમણે ફેરવ્યું.

“પાપા વન એઈટ ધીસ ઇઝ પાપા સિક્સ સિક્સ, ફાયર ફોર ઈફેક્ટ, ગ્રીડ.. ઓવર.”ફોરવર્ડ ઓબ્ઝર્વરનો અવાજ દ્રાસ ખાતે એક અન્ડરગ્રાઉન્ડ બંકરમાં ઉભા કરેલ ફાયર ડાયરેકશન સેન્ટર(એફડીસી) માં કાર્યરત રેડિયો ઓપરેટર નાયક કાનાભાઈ આંબલીયાનાં રેડિયોમાં ગુંજ્યો.એફડીસી અધિકારીનો આદેશ વછુટ્યો, પાપા બેટરી ગન નંબર વન, ટુ એન્ડ થ્રી…એડ…ડ્રોપ..લેફ્ટ..રાઈટ..સેટ ડીગ્રી..ફાયર…

“કમાંડ લેફ્ટ ટેન!” સ્કોપનાં વર્ટીકલ ક્રોસહેરને લાઈન કરી તોપચીએ ઉંચે આવાજે આદેશ છોડ્યો, “રેડી!”બ્રીચની જમણે ઉભેલા સહાયક તોપચીએ એક હેન્ડ વ્હીલની મદદથી એલીવેશન નિર્ધારિત કર્યું. “અપ ફિફ્ટીન!” એ બ્રીચ બ્લોક ને સંચાલિત કરતાં પ્રાઈમરને સેટ કરવા સમયે વ્હીલને યોગ્ય કોણ પર ફેરવ્યું. “ફાયર!” નો આદેશ મળતાવેંત મુખ્ય તોપચીએ ટ્રીગર ખેંચ્યું. પાપા બેટરીની ત્રણ તોપોમાં એકસાથે એક્શન થઇ. એક તેજ ચમકાર અને કર્ણભેદી ધમાકા સાથે હવાને ચીરતાં એકસાથે ત્રણ ગોળા પોતાનાં લક્ષ્ય તરફ પુરઝડપે ધસ્યા.

ગન નંબર બે નો બ્રીચ તુરંત ખુલ્યો, જેમાંથી ખાલી કારતુસ બહાર પડ્યો. હાથમાં ગ્લોવ્ઝ પહેરેલા લોડરે જાણે કંઈ થયું જ નથી તેમ બ્રીચ ખોલી, ખાલી કારતુસને ઉઠાવી એક બાજુ ફેંક્યો અને તેની તરફ તુચ્છકારથી જોયું. ત્યાં તો પેલો નવયુવાન તોપચી નવો ગોળો આપી ચૂક્યો હતો. પળવારનાં વિલંબ વિના સમગ્ર પ્રક્રિયા ફરીને નવેસરથી શરુ થઇ ગઈ.

અનેક પડકારો છતાં, એ યુવાન તોપચીની ‘પી’ બેટરી ઝડપી અને સટીક તોપમારો કરી રહી હતી. એના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો પણ એ તો હોવીત્ઝરને લોડ અને ફાયર કરવા માં મશગુલ હતો. સામે, દુશ્મન સેના મજબુત હતી અને ભાગ્યે જ નબળાઈનાં સંકેતો દર્શાવી રહી હતી.

એ યુવાને હાથમાં ઉપાડેલો પ્રત્યેક તોપગોળો એક ભયજનક વિસ્ફોટક હતો જો અકસ્માતે હાથમાંથી છૂટી ને પડે ને ફૂટે તો ભારે તારાજી સર્જાય. એટલે તેનાં પરિચાલનમાં ‘કાળજી’ અત્યાવશ્યક હતી.આ એક અઘરી કસરત હતી. સતત રોકાયા વિના, ઘૂંટણિયે નમીને મણ- મણનાં તોપગોળા ઉપાડવા અને ઉતાવળે ચાલીને લોડરને સોંપવા. એ કંઈ સરળ કામ નહોતું.

આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ-8, સંઘર્ષના બીજ – કેપ્ટન કશ્યપે હુમલાની યોજના બાબતે દળ સાથે ચર્ચા કરી, કર્નલ ચીમા એ દળને સંબોધ્યું

છેલ્લા કેટલાય દિવસોથી ‘પી’ બેટરી ચોવીસે કલાક, દર મીનીટે એક ગોળો દુશ્મન મોરચા પર દાગી રહી હતી. એ નવયુવાન રોજ વીસ-બાવીસ કલાક, ભૂખ તરસ, ટાઢ, બરફવર્ષા કશાની પરવા કર્યા વગર તોપગોળાનો પુરવઠો જાળવવાનું અને લોડરને ગોળા પહોંચાડવાનું મુશ્કેલ કાર્ય કરતો જ રહ્યો. છેલ્લા બે મહિના દરમિયાન પરિસ્થિતિ એવી રહી કે ક્યારેક ચોવીસ કલાકમાં બે કલાક આરામ મળે તો નવાઈ થતી. રાતભર દુશ્મન પર તોપમારો કરવાનો અને દિવસે, દારૂગોળાની વ્યવસ્થા કરવાની, તોપોની મરામત કરવાની. વળી રાષ્ટ્રીય રાજમાર્ગ પર દુશ્મન તોપમારાને લીધે રાશન સપ્લાય રૂટ બાધિત હતો અને ખાવાપીવાના કંઈ ઠેકાણા નહોતા.

પોતાની તોપોનો ગગનભેદી અવાજ અને દુશ્મન તોપમારાનો સતત ખતરોએ તોપચીનાં અસ્તિત્વનું અભિન્ન અંગ હતો. તોપો અને મોર્ટારો ગોળા અને હાથગોળાનાં વિસ્ફોટોનાં અવાજનું ગર્જન ચોતરફ મૃત્યુ અને આતંકનો ધ્રુણાસ્પદ પ્રસાર કરી રહ્યું હતું. સતત ભારેખમ તોપગોળા ઉપાડવાને લીધે એનાં બાવડામાં સોજો હતો અને બંને હાથની હથેળીઓમાં ફોડલા. હિમાલયના ઠંડાગાર અને સુકા વાતાવરણમાં એની સુંવાળી ચામડી ફાટી રહી હતી. શરીરમાં કાપાઓ પડી જવાથી ઠેર ઠેર ચામડીમાંથી લોહી નીકળી રહ્યું હતું. નવાઈની વાત એ છે કે, આટલી ઊંચાઈએ જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો ત્યાં આ યુવાનો ભીષણ યુદ્ધ લડી રહ્યા હતાં.

૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટ ની ‘પી’ બેટરીનો સચોટ ફાયર દુશ્મન ઠેકાણાઓ પર તબાહી મચાવી રહ્યો હતો. તોલોલીંગ અટેક હોય કે ટાઈગર હિલ અસોલ્ટ કે પછી વાજપેયીજીની મુલાકાત; દરેક વખતે ‘પી’ બેટરી દુશ્મનને લોખંડના લાલચોળ ચણા ચખાડી રહી હતી.આ બેટરીની તોપ નંબર બેને નિશાન બનાવીને આવી રહેલો દુશ્મનનો તોપમારો દર્શાવી રહ્યો હતો કે ગન પોઝીશન દુશ્મન રડારમાં લોક થઈ ગઈ હતી. એ તોપ પર્વતની આડશે હતી, પરંતુ એ જગ્યા એટલી સાંકડી હતી કે ત્યાંથી તેને ખસેડી લેવી શક્ય નહોતું.

hindusthan na shaurya gatha, kargil war
કારગીલ યુદ્ધમાં તોપચીઓની મહત્વની ભૂમિકા

વળી ઇન્ફેન્ટ્રી પલટનો ટાઈગર હિલ પર આક્રમણ કરી રહી હતી. એક કિમી લંબાઈ અને બે કિમી પહોળાઈ ધરાવતા ટાઈગર હિલ ઉપર ઘણી લોકેશન્સમાં દુશ્મન હજી યે છુપાઈને બેઠો હતો. ઉપર, ઇન્ફેન્ટ્રીના જવાનો મરણીયા થઈને, સામી છાતીએ મૃત્યુને ગળે લગાવી રહ્યા હતા. સૈનિકોને એક-એક ઇંચ જમીન માટે જીવલેણ સંઘર્ષ કરવો પડી રહ્યો હતો. આવી કટોકટીમાં આર્ટીલરીને ધીમી પાડવી પાલવે તેમ નહોતું.પાકિસ્તાનીઓ એ કોઈપણ ભોગે એ તોપોને નષ્ટ કરવાની નેમ લીધી હતી.

આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ-૧૧, સંઘર્ષના બીજ : વીર આદિવાસી યુવક ભલાનું ધ્યાન ક્ષણવાર માટે હટ્યું ને દુશ્મનની ગોળીએ વિંધાયો

દુશ્મને ‘પી’ બેટરીની ગન પોઝીશનનું નિશાન લઈ છોડેલા અનેક ગોળામાંથી એક ગોઝારો ગોળો લક્ષ્યભેદી નીવડ્યો અને ગન નંબર બે ની બાજુમાં જ ફાટ્યો. ગોળામાંથી ઉડેલા લાલચોળ સ્પ્લીન્ટર્સમાંથી ઘણાં ખરા એ યુવા તોપચીનાં શરીર સોંસરવા ઘુસી ગયા તો કેટલાંક આરપાર નીકળી ગયા અને એ વીરનું પ્રાણ પંખેરું લેતા ગયા. એ જ સમયે, ઘરની ઓસરીમાં બેસેલા ટપાલી કાકા એ રમેશ નો કાગળ પૂરો કર્યો અને ઘરમાં પાણિયારે પેટાવેલો દીવો અચાનક ઓલવાઈ ગયો.ક્રમશઃ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ