/indian-express-gujarati/media/media_files/2026/01/06/bjp-maharashtra-municipal-corporation-elections-2026-2026-01-06-18-16-14.jpg)
મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી 2026: ભાજપમાં બળવાની સ્થિતિએ ચિંતા વધારી Photograph: (File photo)
મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી 2026 રાજકીય વિશ્લેષણ: મહારાષ્ટ્ર વિધાનસભા 2024માં પ્રચંડ વિજય મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) અત્યારે એક ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. 15 જાન્યુઆરીએ યોજાનારી 29 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે જ્યારે ટિકિટોની વહેંચણી થઈ, ત્યારે પક્ષની અંદર 'નિષ્ઠાવાન વિરુદ્ધ આયાતી' (Insider vs Outsider) જંગ છેડાયો છે. મહારાષ્ટ્ર ભાજપમાં થયેલ ભડકાએ ફડણવીસ અને ગડકરીના ગઢમાં પણ આગ ચાંપી છે. આયાતી નેતાઓને કારણે સ્થાનિક કાર્યકરો નારાજ છે. શું આ નારાજગી ભાજપનું ગણિત બગાડશે?
સફળતાની 'સાઇડ ઇફેક્ટ'
ભાજપ અત્યારે મહારાષ્ટ્રમાં સત્તાનું મુખ્ય કેન્દ્ર છે, તેથી અન્ય પક્ષોના નેતાઓ મોટા પાયે ભાજપમાં જોડાઈ રહ્યા છે. પક્ષે આ 'નવા આવનારા' નેતાઓને ટિકિટ આપવામાં પ્રાધાન્ય આપ્યું છે, જેના કારણે વર્ષોથી પાયાનું કામ કરનારા કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હોમ ટાઉન નાગપુર અને નિતિન ગડકરીના ગઢમાં પણ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે.
બળવો ક્યાં અને કેટલો ગંભીર?
ભાજપે 29 કોર્પોરેશનમાં 337 ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાંથી ઘણી બેઠકો પર બહારથી આવેલા નેતાઓને સ્થાન મળ્યું છે. નાંદેડમાં સૌથી વધુ 45 જેટલા બહારના ઉમેદવારોને ટિકિટ અપાઇ છે.
સોલાપુર અને જાલનામાં 30 જેટલા, પૂણેમાં 25, નાસિકમાં 24, નવી મુંબઈમાં 28 અને મુંબઈમાં 15 બેઠકો પર બહારથી આવેલા આયાતી નેતાઓને ટિકિટ આપવામાં આવી હોવાને લઇને બળવાની ગંભીર સ્થિતિ છે.
મારી લડાઈ ભાજપ અને RSS સામે છે, કોંગ્રેસમાં જોડાતાં પ્રશાંત જગતાપનો હૂંકાર
નાસિકમાં તો સ્થિતિ એટલી વણસી કે નારાજ કાર્યકરોએ જિલ્લા પ્રમુખનો પીછો કર્યો અને તેમના ફાર્મહાઉસમાં ઘૂસી ગયા હતા. સુરક્ષાના ભાગરૂપે મુંબઈ અને નાસિક સહિત અનેક જિલ્લાઓમાં ભાજપ કાર્યાલયો બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો છે.
'પ્રદેશ અધ્યક્ષ' કે 'પ્રવેશ અધ્યક્ષ'?
પક્ષની અંદર કાર્યકરો એટલા નારાજ છે કે તેઓ પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણને મજાકમાં પ્રદેશ અધ્યક્ષને બદલે પ્રવેશ અધ્યક્ષ કહી રહ્યા છે. નાગપુરમાં 42 પદાધિકારીઓએ એકસાથે રાજીનામા આપી દીધા છે, જ્યારે છત્રપતિ સંભાજીનગરમાં એક કાર્યકરે પોતાની ઉપર પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પણ પ્રયાસ કર્યો હતો.
પક્ષનું વલણ: વિજય જ એકમાત્ર લક્ષ્ય
ભાજપના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે કેન્દ્રીય નેતૃત્વ તરફથી દરેક બેઠક જીતવાનો આદેશ છે. આ મહત્વાકાંક્ષી લક્ષ્યને પહોંચી વળવા માટે જીતવાની ક્ષમતા જોવી પડે છે, પછી ભલે તે ઉમેદવાર નવો હોય. મંત્રી ગિરીશ મહાજન અને ચંદ્રશેખર બાવનકુળે આ અસંતોષને હળવો ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જેમને ટિકિટ નથી મળી તેમને સંગઠનમાં સ્થાન આપવામાં આવશે.
નિષ્ઠાવાનોની મજબૂરી કે પક્ષની ભૂલ?
વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા એક કાર્યકરે નામ ન આપવાની શરતે કહ્યું કે, અમે ત્યારે પક્ષ સાથે હતા જ્યારે કોઈને સત્તાની આશા નહોતી. હવે જ્યારે સત્તા આવી છે, ત્યારે અમારે બહારના લોકો માટે રેડ કાર્પેટ બિછાવવી પડે છે.
આંતરિક ડખો પરિણામનું ગણિત બગાડશે?
ભાજપ શિસ્ત માટે જાણીતો પક્ષ છે. પરંતુ મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પૂર્વે અહીં સર્જાયેલી સ્થિતિ ચિંતા કરાવે એવી તો છે જ. જો ભાજપનું મોવડી મંડળ બળવાખોરોને મનાવવામાં નિષ્ફળ જશે તો મહાનગરપાલિકા ચૂંટણી પરિણામન ગણિત બગાડી શકે છે. જોકે શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે.
મહારાષ્ટ્ર રાજકારણઃ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ ગઠબંધનની જાહેરાત કરી
મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરી 2026ના રોજ 29 મહાનગરપાલિકાઓ માટે મતદાન થવાનું છે. આ ચૂંટણીઓ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે માટે તેમની લોકપ્રિયતા જાળવી રાખવાની કસોટી છે, તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર માટે અસ્તિત્વની લડાઈ સમાન છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us