નવી દિલ્હી ખાતે આજે 3 માર્ચના રોજ ભારતના નેતૃત્વ હેઠળ ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક મળી હતી. જેમાં મુક્ચ અને ખુલ્લા ઇન્ડો પૈસિફિક માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. વિદેશ મંત્રી એસ.જયશંકરની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ ક્વાડ દેશોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ક્વાડ સભ્ય દેશો નીતિઓ પ્રત્યે સર્વસમાવેશી અને લવચીક અભિગમ અપનાવશે.
આ બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને જાપાનના વિદેશ મંત્રી હયાશી યોશિમાસા ભારતના મહેમાન બન્યા છે. અગાઉ સપ્ટેમ્બર 2022માં ન્યૂયોર્કમાં ક્વાડ સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠક મળી હતી. તે બેઠકમાં જે મુદ્દાઓ પર નિર્ણય લેવાયો હતો તેની પ્રગતિ અને નવી વ્યૂહરચના આ બેઠકમાં ચાલુ રાખવામાં આવી છે.
નવી દિલ્હીમાં ક્વાડ મીટિંગ બાદ ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે કહ્યું કે, અમારી મીટિંગ ઘણી સારી રહી. તેમણે વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરનો સારી મેજબાની કરવા બદલ આભાર માન્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે, ક્વાડ સભ્યો માટે રાયસીના ડાયલોગની આઠમી આવૃત્તિમાં વાતચીત કરવા માટે આ એક સારી તક છે.
આ બેઠક અંગે ટાંકીને કહ્યુ કે, આજે દિલ્હીમાં ક્વાડના સભ્યોને મળીને સારો અનુભવ રહ્યો.અમારું માનવું છે કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર 21મી સદીમાં વિશ્વની દિશા નક્કી કરશે. અમે બધા તેની શાંતિ,સ્થિરતા અને વધતી સમૃદ્ધિની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.
જાપાનના વિદેશ મંત્રી હયાશી યોશિમાસાએ પણ ક્વાડ સાથીદારોનો આભાર માન્યો હતો. જો કે હયાશી યોશિમાસા સ્થાનિક સંસદીય સત્રોને કારણે ભારતમાં G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપી શક્યા ન હતા. જાપાનના નાયબ વિદેશ મંત્રી કેનજી યામાદાએ જી20 વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપી હતી.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્વોડ ફોરેન મિનિસ્ટર્સની બેઠકમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના સમકાલીન પડકારો જેમ કે, સ્વાસ્થ્ય સુરક્ષા, ક્લાઈમેટ ચેન્જ અને રિન્યુએબલ એનર્જી, ક્રિટિકલ અને ઇમર્જિંગ ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી જેવા મુદ્દાઓ પર પરસ્પર સહયોગની ચર્ચા થઈ હતી.
આ દરમિયાન ઘણા દેશોના દેવાની જાળ અને પારદર્શક અને વાજબી લોન સિસ્ટમ, અવકાશ મિશનમાં સહયોગ, સાયબર સુરક્ષા, દરિયાઈ સુરક્ષા અને આતંકવાદના મુદ્દા પર પ્રભાવશાલી ચર્ચા કરવામાં આવી હતી. ક્વાડ દેશોએ તેમના સંયુક્ત નિવેદનમાં આસિયાન દેશો સાથે સહયોગ વધારવા માટે પ્લેટફોર્મ બનાવવાની વાત પણ કરી હતી.