કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હવે સાંસદ સભ્ય નથી. તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયે બંધારણની કલમ 102 (1)(e) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવતું વટહુકમ બહાર પાડ્યું છે. જો કે કોઇ નેતાનું સંસદ કે ધારાસભ્ય તરીકેનું પદ રદ કરવામાં આવ્યું હોય તેવી આ પહેલી ઘટના નથી. વર્ષ 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપની સરકાર આવ્યા બાદ અત્યાર સુધીમાં કોંગ્રે નેતા રાહુલ ગાંધી સહિત 10 નેતાઓને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. સંસદ કે ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરાવવામાં આવ્યા હોય તેવા અન્ય 9 માંથી સાત નેતાઓ વિરોધ પક્ષના છે તો બે નેતા ભાજપ છે.
વિપક્ષના ક્યાં નેતાઓને ગેરલાયક ઠરાવવામાં આવ્યા
(1) જયલલિતા (AIADMK)
આ યાદીમાં સૌથી પહેલું નામ છે AIADMKના તત્કાલીન વડા જયલલિતાનું છે. જયલલિતાને અપ્રમાણસર સંપત્તિ રાખવા બદલ ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવ્યા બાદ સપ્ટેમ્બર 2014માં તમિલનાડુ વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. કાયદા મુજબ તેમને ગેરલાયક ઠેરાવવામાં આવ્યા હતા.
(2) પીપી મોહમ્મદ ફૈઝલ (NCP)
સાંસદ પદ રદ કરવામાં આવ્યું હોય તેના નેતાઓની યાદીમાં બીજું નામ પીપી મોહમ્મદ ફૈઝલનું છે. લક્ષદ્વીપના નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના સાંસદ મોહમ્મદ ફૈઝલને જાન્યુઆરી 2023માં હત્યાના પ્રયાસના કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ કારણસર તેમનું સાંસદ પદ રદ કરવામાં આવ્યું હતું. જો કે, પાછળથી કેરળ હાઈકોર્ટે ફૈઝલની ગુના અને સજાને સ્થગિત કરી દીધા હતા. સાંસદના જણાવ્યા અનુસાર, લોકસભા સચિવાલયે હજુ સુધી તેમની ગેરલાયકાત પાછી ખેંચવા અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યું નથી.
(3) આઝમ ખાન (સમાજવાદી પાર્ટી)
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને વર્ષ 2019ના નફરત ફેલાવતા ભાષણના કેસમાં એક અદાલતે 3 વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ તેમને ઓક્ટોબર 2022માં ઉત્તર પ્રદેશના વિધાનસભાના ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા. તેઓ રામપુર સદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા.
(4) અનિક કુમાર સાહની (RJD પાર્ટી)
રાષ્ટ્રીય જનતાદળ પાર્ટીના ધારાસભ્ય અનિલ કુમાર સાહનીને છેતરપિંડીના કેસમાં ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવ્યા બાદ ઓક્ટોબર 2022 માં બિહાર વિધાનસભાના સભ્યપદમાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.
(5) પ્રદીપ ચૌધરી (કોંગ્રેસ)
કોંગ્રેસના ધારાસભ્ય પ્રદીપ ચૌધરીને જાન્યુઆરી 2021માં હરિયાણા વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. હુમલાના કેસમાં તેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેઓ કાલકા બેઠકના ધારાસભ્ય હતા
(6) અબ્દુલ્લા આઝમ ખાન (સમાજવાદી પાર્ટી)
સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ ખાનને ફેબ્રુઆરી 2023માં ઉત્તર પ્રદેશ વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. થોડાક દિવસ પહેલા જ 15 વર્ષ જૂના કેસમાં કોર્ટે તેને બે વર્ષની કેદની સજા ફટકારી હતી. આઝમ ખાનનો પુત્ર અબ્દુલ્લા રામપુરની સ્વર વિધાનસભાનો સભ્ય હતો.
(7) અનંત સિંહ (RJD પાર્ટી)
રાષ્ટ્રીય જનતાદળ પાર્ટીના ધારાસભ્ય અનંત સિંહને જુલાઈ 2022માં બિહાર વિધાનસભાના સભ્યપદમાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. તેના નિવાસ સ્થાનેથી હથિયારો અને દારૂગોળો જપ્ત થવા સંબંધિત કેસમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેઓ બિહારના પટના જિલ્લાની મોકામા બેઠકના ધારાસભ્ય હતા.
ભાજપના કયા નેતાઓએ સભ્યપદ ગુમાવ્યું?
(8) વિક્રમી સિંહ (ભાજપ)
શાસક પક્ષ ભાજપના ધારાસભ્ય વિક્રમ સિંહ સૈની ઑક્ટોબર 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. તેમને 2013ના મુઝફ્ફરનગરમાં થયેલા રમખાણ કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેઓ ખતૌલી બેઠકના ધારાસભ્ય હતા.
(9) કુલદીપ સિંહ સેંગર (ભાજપ)
ભાજપના નેતા કુલદીપ સિંહ સેંગરને બળાત્કારના એક કેસમાં દોષી ઠરાવ્યા બાદ ફેબ્રુઆરી 2020માં ઉત્તર પ્રદેશના વિધાનસભાના સભ્યપદેથી ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા. સેંગર ઉન્નાવ બેઠકના ધારાસભ્ય હતા.
(10) લાલુ પ્રસાદ યાવક (રાજદ પાર્ટી)
સપ્ટેમ્બર 2013માં ઘાસચારા કૌભાંડના કેસમાં દોષિત જાહેર થયા બાદ રાષ્ટ્રીય જનતાદળ પાર્ટીના વડા લાલુ પ્રસાદ યાદવને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. તેઓ બિહારના સારણ બેઠકના સાંસદ હતા.
રાહુલ ગાંધીનું સંસદ પદ રદ - મુખ્ય 3 સમાચાર (1) રાહુલ ગાંધી માનહાની કેસ : શું છે ચાર વર્ષ જૂનો કેસ? જેમાં સુરત કોર્ટે 2 વર્ષની સજા ફટકારી (2) રાહુલ ગાંધીનું સાંસદ પદ કેમ ગુમાવવું પડ્યું? જાણો કોંગ્રેસ નેતા પાસે હવે શું વિકલ્પ છે (3) રાહુલ ગાંધીનું સાસંદપદ રદ : 2019માં ચૂંટણી જીતેલા 233 સાંસદો પર અપરાધિક કેસ, બીજેપીના 116
રાહુલ ગાંધીનું સાંસદ પદ કેમ રદ કરવામાં આવ્યું?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠારવ્યા બાદ તેમનું સાંસદપદ રદ કરવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાની વાત કરીયે તો, 23 માર્ચેના રોજ ગુજરાતની સુરત સ્થિત એક અદાલતે રાહુલ ગાંધીને ચાર વર્ષ જૂના માનહાનિના કેસમાં દોષી ઠેરવ્યા હતા. અદાલતે તેમને બે વર્ષની સજા ફટકારી હતી. જો કે તેમને તરત જ જામીન પણ મળી ગયા હતા. તમને જણાવી દઈએ કે રાહુલ પર ‘મોદી સરનેમ’ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.