ભોપાલમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અહીં જંગલમાં લાવારિસ મૂકી દીધેલી કારમાંથી 52 કિલો સોનું અને 9.86 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. રાત્રે લગભગ 1.30 વાગે માહિતી મળી હતી કે ભોપાલ નજીક મેંદોરી ગામમાં એક ખાલી પ્લોટ પર બેગ ભરેલી એક ત્યજી દેવાયેલી કાર પાર્ક કરવામાં આવી છે. કારમાં રોકડ હોવાની શક્યતાને કારણે પોલીસે આવકવેરા વિભાગને જાણ કરી અને આ પછી ઈન્કમટેક્સ વિભાગની પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને કારને ખોલી તો સૌની આંખો પહોળી રહી ગઈ હતી.
કારમાંથી ચલણી નોટોના બંડલ અને સોનાના બિસ્કિટ નીકળ્યા
માહિતી મળતાની સાથે જ આવકવેરા વિભાગના અધિકારીઓ 100 જેટલા પોલીસકર્મીઓ સાથે સાયરન વાગતા વાહનોમાં સ્થળ પર પહોંચી ગયા હતા અને તેમણે ખાલી પ્લોટ પર પાર્ક કરેલી લાવારિસ સફેદ રંગની ઈનોવા ક્રિસ્ટા કારની તલાશી લીધી તો જાણે પૈસાનો વરસાદ થઈ રહ્યો હોય તેવું લાગ્યું હતું. કારની અંદરથી 500 રૂપિયાની નોટોના બંડલ અને સોનાના બિસ્કિટ કાઢવાની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલુ રહી હતી. આ જોઈને ઈન્કમટેક્સ અધિકારીઓ અને પોલીસકર્મીઓ બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારમાંથી 52 કિલો સોનું અને 9.86 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. જો 52 કિલો સોનાની કિંમત ગણવામાં આવે તો તે 40 કરોડ રૂપિયાની આસપાસ કહેવાય છે.
આખરે આ સોનું અને કરોડો રૂપિયા કોના છે?
આઈટી ટીમે કારમાંથી 9.86 કરોડ રૂપિયા અને 52 કિલો સોનું જપ્ત કર્યું છે. મધ્યપ્રદેશમાં બે દિવસથી લોકાયુક્ત અને આવકવેરા વિભાગ દ્વારા એક મોટી સંયુક્ત કાર્યવાહી ચાલી રહી છે. ભોપાલ અને ઈન્દોરમાં એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીના 51 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આવામાં સવાલ ઉઠી રહ્યો છે કે આ સોનું અને પૈસા કોના છે જેનો જવાબ આવકવેરા વિભાગના અધિકારીઓ માંગી રહ્યા છે.
આ પણ વાંચો: જે કાર્યક્રમમાં જઈ રહ્યા છે અમિત શાહ, ગુજરાત બાર કાઉન્સિલના સભ્યએ કર્યો તેનો બહિષ્કાર
ભૂતપૂર્વ આરટીઓ કોન્સ્ટેબલ સાથે જોડાયા તાર
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે કારમાંથી રોકડ અને સોનું મળ્યું તે ગ્વાલિયરના ચંદન સિંહ ગૌરના નામે રજીસ્ટર્ડ છે. સૂત્રોનું માનીએ તો આ ચંદન સિંહ એ જ વ્યક્તિ છે જે રિટાયર્ડ RTO કોન્સ્ટેબલ સૌરભ શર્માની નજીક છે. લોકાયુક્તે ગુરુવારે સૌરભ શર્માના પરિસરમાં પણ દરોડા પાડ્યા હતા અને તેમની જગ્યાએથી અબજોની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.





