મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં એક યુવકે રીલ બનાવવાના શોખ માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો. મોઢામાં રાખેલા સૂતળી બોમ્બના વિસ્ફોટથી તેનું જડબું ઉડી ગયું. તેનો ચહેરો પણ દાઝી ગયો. તેને સારવાર માટે રતલામ મોકલવામાં આવ્યો છે.
બુધવારે સાંજે ઝાબુઆ જિલ્લાના પેટલાવાડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બચીખેડા ગામમાં એક યુવક પોતાના મોંઢામાં રાખેલા સૂતળી બોમ્બ ફોડી રહ્યો હતો. તેણે એક પછી એક સાત બોમ્બ ફોડ્યા હતા. આઠમો બોમ્બ ફોડતી વખતે તેણે ભૂલ કરી અને જોરદાર ધડાકાથી તેનું જડબું ઉડી ગયું. અકસ્માતમાં રોહિતનો ચહેરો ગંભીર રીતે ઘાયલ અને દાઝી ગયો હતો. પોતાને હીરો સાબિત કરવા માટે 18 વર્ષનો રોહિત ગામના કેટલાક છોકરાઓ સામે વારંવાર મોંમાં સૂતળી બોમ્બ ફોડવાનું પરાક્રમ કરી રહ્યો હતો.
અકસ્માત પછી લોકો તેને પેટલાવાડ હોસ્પિટલ લઈ ગયા હતા. તેની ગંભીર હાલત જોઈને ડોક્ટરોએ તેને રતલામ જિલ્લા હોસ્પિટલ રેફર કર્યો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર રોહિત વારંવાર બોમ્બ વિસ્ફોટ કરી રહ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સોશિયલ મીડિયા ટ્રેન્ડને ફોલો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ઘટનાથી ગામમાં ગભરાટ ફેલાયો હતો. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે કેટલાક લોકો ઘટનાસ્થળે ઘટનાનું ફિલ્માંકન કરી રહ્યા હતા.
આ પણ વાંચો: ચાના કપ પીળા પડી ગયા હોય તો આ રીતે કરો સાફ, લાગશે નવાનક્કોર
પેટલાવાડ હોસ્પિટલના BMO ડૉ. એમ.એલ. ચોપરા પાસેથી મળેલી માહિતી અનુસાર, યુવાનનું જડબું સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયું હતું અને તેના ચહેરા પર ઊંડા ઘા હતા. યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી અને પ્રાથમિક સારવાર બાદ તેને રતલામ રિફર કરવામાં આવ્યો હતો. સારંગી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દીપક દેવરેએ આ ઘટના માટે યુવાનની બેદરકારીને જવાબદાર ગણાવી હતી. તેમણે યુવાનોને સોશિયલ મીડિયા પર દેખાડો કરવા માટે આવા ખતરનાક પગલાં ન લેવાની અપીલ કરી હતી.





