/indian-express-gujarati/media/media_files/2026/01/20/bjp-generational-shift-nitin-nabin-youngest-president-2026-01-20-18-19-58.jpg)
નીતિન નવીનનો ઉદય ભાજપમાં પેઢીગત પરિવર્તનનો સ્પષ્ટ સંકેત આપે છે. Photograph: (BJP Social)
BJP Yug Parivartan: ભારતીય જનતા પાર્ટી (BJP) માં યુવા નેતૃત્વ સાથે જાણે યુગ પરિવર્તન શરુ થયું છે. યુવા નેતા નીતિન નવીન રાષ્ટ્રીય અધ્યક્ષ બનતાં જાણે ભાજપ નવો એકશન મોડમાં આવ્યું છે. જૂના જોગીઓ અને અનુભવી ચહેરાઓ પાછળ ધકેલાઇ રહ્યા છે અને 45 થી 55 વર્ષની વયના યુવાઓ આગળ આવી રહ્યા છે. 45 વર્ષીય નીતિન નવીનની પાર્ટીના પ્રમુખ તરીકેની નિમણૂક એ ભાજપમાં આવી રહેલા પેઢી પરિવર્તનનો મોટો સંકેત આપી જાય છે.
દિલ્હી સ્થિત અશોક રોડ પરના જૂના કાર્યાલયમાં નીતિન નવીન જ્યારે અનુરાગ ઠાકુરની ટીમમાં એક જુનિયર સભ્ય તરીકે કામ કરતા હતા, ત્યારે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે એક દિવસ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'પેઢીગત પરિવર્તન' (Generational Shift) ની રણનીતિનો મુખ્ય ચહેરો બનશે.
PM Narendra Modi મંત્ર: ફિટનેસ અને મહેનત
ભાજપના આંતરિક વર્તુળોમાં એક વાત સ્પષ્ટ છે કે વડાપ્રધાન મોદી એવા નેતાઓને પસંદ કરી રહ્યા છે જેઓ ચોવીસ કલાક કામ માટે દોડી શકે. પક્ષના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, જે વ્યક્તિને દર થોડા કલાકે ટેબ્લેટ ગળવી પડતી હોય, તે મોદીના નવા ભાજપના બીબામાં ફિટ નથી.
આ જ કારણ છે કે હવે મુખ્યમંત્રીઓ અને સંગઠનના હોદ્દાઓ પર 55 વર્ષથી ઓછી ઉંમરના નેતાઓનો દબદબો વધી રહ્યો છે.
5 મુખ્યમંત્રીઓ જ 55 ઉપરના
જો આપણે ભાજપ શાસિત 14 રાજ્યોના મુખ્યમંત્રીઓનું વિશ્લેષણ કરીએ, તો ચોંકાવનારી હકીકત સામે આવે છે. માત્ર 5 મુખ્યમંત્રીઓ જ 55 વર્ષથી વધુ ઉંમરના છે, જેમાં ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ (60), ત્રિપુરાના માણિક સાહા (70), છત્તીસગઢના વિષ્ણુ દેવ સાઈ (59), મધ્યપ્રદેશના મોહન યાદવ (58) અને રાજસ્થાનના શર્મા (56) નો સમાવેશ થાય છે.
ભાજપના 9 મુખ્યમંત્રીઓ યુવા
બાકીના નવ મુખ્યમંત્રીઓએ જ્યારે છેલ્લી વખત શપથ લીધા ત્યારે તેઓ 55 વર્ષથી ઓછી ઉંમરના હતા. જેમાં અરુણાચલ પ્રદેશના પેમા ખાંડુ 44 વર્ષ, આસામના હિમંત બિસ્વા શર્મા 52 વર્ષ, દિલ્હીના રેખા ગુપ્તા 50 વર્ષ, ગોવાના પ્રમોદ સાવંત 48 વર્ષ, હરિયાણાના નાયબ સિંહ સૈની 54 વર્ષ, મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ 54 વર્ષ, ઓડિશાના મોહન માઝી 52 વર્ષ, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ 49 વર્ષ અને ઉત્તરાખંડના પુષ્કર સિંહ ધામી 46 વર્ષના હતા.
જોકે, સંગઠનમાં ભાજપ હજુ પણ 'અનુભવ' ને મહત્વ આપી રહ્યું છે. ડેટા દર્શાવે છે કે 20 જેટલા પ્રદેશ પ્રમુખો 55 વર્ષથી વધુ ઉંમરના છે. આ યુવા મુખ્યમંત્રી અને વરિષ્ઠ પ્રદેશ પ્રમુખનું મિશ્રણ પક્ષને ઉર્જા અને અનુભવ બંને પૂરા પાડે છે.
શું ભાજપ 'હાઈ કમાન્ડ' પાર્ટી બની રહી છે?
અટલ-અડવાણીના ભાજપ યુગમાં પ્રમોદ મહાજન, અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજ જેવા બીજા સ્તરના મજબૂત નેતાઓ તૈયાર થયા હતા. પરંતુ વર્તમાન સમયમાં નીતિન નવીન, ભજનલાલ શર્મા અથવા મોહન યાદવ જેવી પસંદગીઓ સાબિત કરે છે કે હવે કોઈ 'લોબી' કે 'જાતિગત દબાણ' કામ કરતું નથી. નિર્ણય લેવાની પ્રક્રિયા હવે સીધી પીએમઓ (PMO) અને અમિત શાહના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય નેતૃત્વમાં કેન્દ્રિત થઈ છે.
વાસ્તવિક કસોટી હજુ બાકી છે
નીતિન નવીન કે અન્ય નવા નેતાઓ માટે ખરો પડકાર સંગઠન પર પોતાની પકડ મજબૂત કરવાનો છે. અત્યાર સુધી યોગી આદિત્યનાથ, હિમંત બિસ્વા શર્મા અને દેવેન્દ્ર ફડણવીસ સિવાયના મોટાભાગના નવા ચહેરાઓ પોતાના દમ પર રાજકીય કદ વધારી શક્યા નથી. આજે પણ મોટાભાગના રાજ્યોમાં ચૂંટણી માત્ર 'મોદીના ચહેરા' પર જ લડાય છે.
આ પણ વાંચો | નીતિન નબીન મારા બોસ છે, PM મોદીએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ માટે પોતાના પ્રથમ ભાષણમાં શું કહ્યું?
નીતિન નવીનનો ઉદય એ માત્ર એક વ્યક્તિની બઢતી નથી, પરંતુ ભાજપના ભવિષ્યનો રોડમેપ છે. સંઘ (RSS) સાથેના સંતુલિત સંબંધો અને સ્વચ્છ છબી ધરાવતા નવીન શું મોદીના પડછાયામાંથી બહાર આવી પોતાની છાપ છોડી શકશે? તે જોવું રસપ્રદ રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us