Wrestlers Protest : દિલ્હી પોલીસે ગુરુવારે કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ ગીતા ફોગાટ અને તેના પતિ પવન સરોહાની ધરપકડ કરી છે. ગીતા ફોગાટે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. ગીતાએ ટ્વિટ કર્યું કે મારી અને મારા પતિ પવન સરોહાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. ઘણું જ દુ:ખદ.
ગીતા ફોગાટ જંતર-મંતર પર વિરોધ કરી રહેલા દેશના ટોચના રેસલર્સને સમર્થન આપવા નીકળી હતી. દિલ્હી પોલીસે બંનેની સિંઘુ બોર્ડર પર અટકાયત કરી હતી. ત્યારબાદ તેમને બવાના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે બુધવારે રાત્રે બાદ જંતર-મંતર પર થયેલા હંગામા પછી રેસલર્સમાં ઘણો ગુસ્સો છે.
આ પહેલા ગીતા ફોગટના પિતા અને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત મહાવીર ફોગાટે જાહેરાત કરી હતી કે જો ન્યાય નહીં મળે તો તેઓ દિલ્હીની ઘેરાબંધી કરશે. તેમણે દ્રોણાચાર્ય એવોર્ડ પરત કરવાની ધમકી પણ આપી છે. મહાવીર ફોગાટે એવો પણ દાવો કર્યો હતો કે આ લડાઈમાં તેમની નાની પુત્રી અને ભાજપ નેતા બબીતા ફોગાટ પણ તેમની સાથે છે.
આ પણ વાંચો – વિનેશ ફોગાટની કૃપાથી સાંસદ બન્યો નથી, મારા મત વિસ્તારના લોકોએ 6 વખત જીતાડ્યો છે: બ્રિજભૂષણ સિંહ
બજરંગ પુનિયાની દેશવાસીઓને જંતર-મંતર પહોંચવાની અપીલ
ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ દેશવાસીઓને જંતર-મંતર પર આવવાની અપીલ કરી છે. તેમણે એનડીટીવીને કહ્યું કે દેશ માટે મેડલ જીત્યા બાદ જો દીકરીઓ સાથે આવો ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તો તેનો કોઈ ફાયદો નથી. હું દેશવાસીઓને એકજૂથ થવાની અપીલ કરું છું, દીકરીઓ અને સ્પોર્ટ્સ માટે બહુ ખરાબ સમય આવી રહ્યો છે.
આ પણ વાંચો – માત્ર કુસ્તી જ નહીં, અડધોઅડધ રાષ્ટ્રીય રમતગમત સંઘો પાસે કાયદા દ્વારા ફરજિયાત જાતીય સતામણી પેનલ નથી
બજરંગે કહ્યું કે, તેઓ કોઇ રાજકીય પક્ષ સાથે નથી પરંતુ દેશની દીકરીઓ સાથે છે. હું સરકારને કહેવા માંગુ છું કે તેઓએ આપેલા પુરસ્કારો પાછા ખેંચી લે. મેડલ લાવીને આ સન્માન મળે છે. જ્યારે બહેન-દીકરીઓ સુરક્ષિત નથી, આપણે સુરક્ષિત નથી તો પછી શું ફાયદો, તેમણે આપેલા એવોર્ડ હું પરત કરી દઈશ, મારે આવું સન્માન નથી જોઈતું, શું આ દેશમાં કાયદા જેવી કોઈ વસ્તુ નથી?
23 એપ્રિલથી ધરણા પર છે રેસલર્સ
23 એપ્રિલથી દેશના સ્ટાર રેસલર્સ કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ સામે મોરચો ખોલીને બેઠા છે. તેમણે બ્રિજભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. બુધવારે રાત્રે આ પહેલવાનોની દિલ્હી પોલીસ સાથે ઝડપ થઇ હતી, આ દરમિયાન કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા.