પાકિસ્તાનના ક્વેટા શહેરમાં આજે બુધવારે (30 નવેમ્બર) પોલીસ ટ્રક પર બોમ્બ હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 27 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જે અંગે એક અધિકારીએ સત્તાવાર માહિતી આપી છે. આ બોમ્બ હુમલો ક્વેટાના બલિલી વિસ્તારમાં થયો હતો.સમગ્ર ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.ત્યારબાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે.
ક્વેટાના ડેપ્યૂટી ઇન્સ્પેક્ટર જનરલ ગુલામ અઝફર મહેસરે જણાવ્યું હતું કે, આ વિસ્ફોટ પોલીસ ટ્રક પર નિશાન સાધી કરવામાં આવ્યો છે. જે અંગે પ્રારંભિક તપાસમાં જ સ્પષ્ટ થયું છે.ઘટના સ્થળે આ ષડયંત્રનો પર્દાફાશ કરતા કેટલાક અવશેષો પણ પ્રાપ્ત થયાં છે. જનરલ ગુલામે વધુમાં કહ્યું કે, વિસ્ફોટને પગલે પોલીસ ટ્રક પલટી મારી ગયો હતો.
એએફપીને આપેલા એક નિવેદનમાં ટીટીપીએ હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યું કે, તે ટૂંક સમયમાં વધુ વિગતો શેર કરશે.કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનએ (TTP) સોમવારે પાકિસ્તાન સાથેના અસ્થિર યુદ્ધવિરામનો અંત જાહેર કરતા રાષ્ટ્રવ્યાપી હુમલાઓ ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.મહત્વનું છે કે TTPએ ગઈકાલે જ સિઝફાયર ભંગ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે સીઝફાયર તોડવાના નિવેદન બાદ તેનો TTP તરફથી આ પ્રથમ હુમલો છે.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના બહરાઇચમાં ગમખ્વાર અકસ્માત, બસ અને ટ્રકની ટક્કરમાં 6 લોકોના મોત, 15 ઘાયલ
DIG મહેસરે આ ઘટનામાં જાનહાનિને લઇ જણાવ્યું કે, ‘આ અકસ્માતમાં એક પોલીસકર્મી સહિત એક બાળકનું મોત થયું છે. જ્યારે 20 પોલીસકર્મીઓ સહિત 27 લોકોને ઇજા પહોંચી છે’. આ સાથે DIGએ જણાવ્યું હતું કે, ‘બે પોલીસકર્મીની હાલત નાજુક છે’. તેમજ આ વિસ્ફોટમાં પોલીસ ટ્રક સહિત બે કાર તથા ત્રણ વાહનોને ખરાબ રીતે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં મળેલી માહિતી પ્રમાણે હુમલાવરે બ્લૂચિસ્તાન કાંસ્ટેબુલરીના વાહનને ટક્કર મારી હતી.
પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ફોર પીસ સ્ટડીઝ (PIPS) અનુસાર, જ્યારથી અફઘાનિસ્તાન પર તાલિબાની શાસન ફરી આવ્યું છે ત્યારથી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં 50 ટકાનો વધારો થયો છે.આમાંના મોટાભાગના હુમલા પશ્ચિમી પ્રાંતો ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં થયા છે.