Explained Desk : પાકિસ્તાનના પેશાવરમાં સોમવારે એક મસ્જિદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં 40 થી વધુ લોકો માર્યા ગયા અને 100 જેટલા ઘાયલ થયા હતા. આ મસ્જિદ શહેરના હાઈ સિક્યોરિટી પોલીસ લાઈન્સ વિસ્તારમાં આવેલી હતી અને ભોગ બનેલા ઘણા પોલીસ કર્મચારીઓ છે જેઓ બપોરની નમાજ માટે ભેગા થયા હતા.
પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (પીટીઆઈ)ના રિપોર્ટ મુજબ, બોમ્બર પાકિસ્તાની તાલિબાન સાથે સંકળાયેલા હોવાની આશંકા છે.
શું હતી સમગ્ર ઘટના ?
પેશાવર એ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની છે, જે અફઘાનિસ્તાનની સરહદે છે. બપોરે 1:40 વાગ્યાની આસપાસ, જ્યારે લોકો ‘ઝહુર’ નમાઝ અદા કરી રહ્યા હતા, ત્યારે આગળની હરોળમાં બેઠેલા આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટ કર્યો હતો જેમાં બોમ્બરનું પણ મોત થયું છે. વિસ્ફોટને કારણે મસ્જિદનો એક ભાગ તૂટી પડ્યો હતો અને ઘણા લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા.
તાજેતરના રિપોર્ટ મુજબ, મસ્જિદમાં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. લેડી રીડિંગ હોસ્પિટલે ડૉનને જણાવ્યું હતું કે, “જેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે તેમાંથી ઘણાની હાલત ગંભીર છે.”
રોઇટર્સે પેશાવરના પોલીસ વડા ઇજાઝ ખાનને મેંશન કરી જણાવ્યું હતું કે મસ્જિદ એક કમ્પાઉન્ડની અંદર સ્થિત છે જેમાં પ્રાંતીય પોલીસ દળનું મુખ્યાલય અને આતંકવાદ વિરોધી વિભાગનો સમાવેશ થાય છે. બોમ્બર આવા ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં ઘૂસવામાં સફળ રહ્યો તે હકીકતે ચિંતા વધારી છે.
કોણે જવાબદારી લીધી?
પીટીઆઈ અનુસાર, તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના કમાન્ડર ઉમર ખાલિદ ખુરાસાનીના એક ભાઈએ દાવો કર્યો હતો કે આત્મઘાતી હુમલો તેના ભાઈનો બદલો લેવાનો ભાગ હતો, જે ગયા ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં માર્યો ગયો હતો.
TTP, જેને પાકિસ્તાની તાલિબાન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે સુરક્ષા કર્મચારીઓ સહિત પાકિસ્તાનમાં સંખ્યાબંધ હુમલાઓ કર્યા છે.
પીટીઆઈના અહેવાલ મુજબ, “પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફે જણાવ્યું હતું કે આ ઘટના પાછળના હુમલાખોરોને “ઈસ્લામ સાથે કોઈ લેવાદેવા નથી.
” શેહબાઝે કહ્યું કે, “આતંકવાદીઓ પાકિસ્તાનની રક્ષા કરવાની ફરજ બજાવતા લોકોને નિશાન બનાવીને ભય પેદા કરવા માંગે છે. આખું રાષ્ટ્ર આતંકવાદના જોખમ સામે એકજુટ થઈને ઊભું છે,અશાંત ખૈબર પખ્તુનખ્વામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે એક વ્યાપક વ્યૂહરચના અપનાવવામાં આવશે.”
વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પણ આ હુમલાની નિંદા કરતા કહ્યું કે “સ્થાનિક અને સામાન્ય ચૂંટણી પહેલા આતંકવાદી ઘટનાઓ અર્થપૂર્ણ હતી”.
ખૈબર પખ્તુનખ્વાના ગવર્નર હાજી ગુલામ અલીએ વિસ્ફોટની નિંદા કરી અને લોકોને ઘાયલો માટે રક્તદાન કરવા વિનંતી કરી અને કહ્યું કે તે “પોલીસ માટે એક વિશાળ ઉપકાર” હશે.
પૂર્વ પીએમ ઈમરાન ખાને ટ્વિટ કર્યું હતું કે,”ગુપ્તચર માહિતી એકત્રીકરણમાં સુધારો કરવાની જરૂર છે. પોલીસ લાઈન્સ મસ્જિદ પેશાવરમાં નમાજ દરમિયાન આતંકવાદી આત્મઘાતી હુમલાની સખત નિંદા કરીએ છીએ. મારી પ્રાર્થના અને સંવેદના પીડિત પરિવારો માટે જાય છે. આતંકવાદના વધતા જતા ખતરાનો સામનો કરવા માટે આપણે આપણા ગુપ્તચર માહિતી એકત્રીકરણમાં સુધારો કરવો અને આપણા પોલીસ દળોને યોગ્ય રીતે સજ્જ કરવું આવશ્યક છે.”
કોણ હતો ઉમર ખાલિદ ખુરાસાની?
ઉમર ખાલિદ ખુરાસાની, જેને અબ્દુલ વલી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પાકિસ્તાની તાલિબાનના વરિષ્ઠ નેતા હતા. પૂર્વ અફઘાનિસ્તાનમાં બે સહાયકો અને ડ્રાઈવર સાથે મુસાફરી કરતી વખતે રસ્તાની બાજુમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં તેનું મૃત્યુ થયું હતું. હુમલામાં ચારેયના મોત થયા હતા.
ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, ખુરાસાની ખૈબર પખ્તુનખ્વાના મોહમંદ જિલ્લાના સફો ગામની સફી જાતિમાંથી હતો.
TTP એ ઘણા સમયથી પાકિસ્તાના રાજ્ય સામે યુદ્ધ છેડ્યું છે, જેમાં શરિયા કાયદાના કડક અમલીકરણ, સુરક્ષા કર્મચારીઓની કસ્ટડીમાં તેમના આતંકવાદીઓને મુક્ત કરવા અને દેશના આદિવાસી વિસ્તારોમાં પાકિસ્તાની સૈન્યની હાજરીમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે.
જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર પાછા ફર્યા ત્યારે પાકિસ્તાનમાં ઘણા લોકોએ તેની ઉજવણી કરી હતી. જો કે, થોડા સમય પછી, TTP, ઉત્તર-પશ્ચિમ આદિવાસી પ્રદેશોમાં ફરી એકવાર સક્રિય બન્યું હતું, જે અગાઉ સંઘ દ્વારા સંચાલિત હતું પરંતુ હવે ખૈબર પખ્તુનખ્વાના ભાગ છે.
નવેમ્બર 2022 માં, ટીટીપીએ પાકિસ્તાન સરકાર સાથેનો તેનો યુદ્ધવિરામ સમાપ્ત કર્યો, ત્યારબાદ તેની આતંકવાદી પ્રવૃત્તિઓ વધી ગઈ છે.