ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ: 1967 ચૂંટણી જંગમાં જનસંઘની જીતના થયા શ્રીગણેશ, રાજકોટે આપી એક બેઠક

Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ જોઇએ તો વર્ષ 1967 માં ગુજરાતમાં જનસંઘની જીતના શ્રીગણેશ થયા હતા. રાજ્યમાં એક માત્ર રાજકોટ બેઠક પર જીત થઇ હતી.

Written by Haresh Suthar
Updated : December 07, 2022 18:09 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ: 1967 ચૂંટણી જંગમાં જનસંઘની જીતના થયા શ્રીગણેશ, રાજકોટે આપી એક બેઠક
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 1967, આ ચૂંટણીથી ગુજરાતમાં જનસંઘનું ખાતું ખુલ્યું

Gujarat Election Results: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામને લઇને દેશ દુનિયાની નજર ગુજરાત પર છે. ફરી એકવાર બહુમત સાથે ભાજપ સરકાર બનાવવા જઇ રહ્યું હોવાના એક્ઝિટ પોલના તારણ પણ સામે આવ્યા છે. આ સંજોગોમાં ગુજરાત ચૂંટણીના અગાઉ પરિણામ ચકાસીએ તો ભાજપનો જેમાંથી ઉદભવ થયો છે એવા ભારતીય જનસંઘની જીતના શ્રીગણેશ વિધાનસભા ચૂંટણી 1967 માં થયા હતા. પ્રથમ બેઠક રાજકોટે આપી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 1967 ચકાસીએ તો બીજી વિધાનસભા ચૂંટણીમાં પરિવર્તનનો પાયો નંખાયો હતો. ભારતીય જનસંઘના ઉમેદવાર સી એચ શુકલાની રાજકોટ 1 બેઠક પરથી જીત થઇ હતી. અગાઉની વર્ષ 1962ની ચૂંટણીમાં 26 બેઠકો પર જનસંઘે ઉમેદવારી કરી હતી પરંતુ એકેય બેઠક મળી ન હતી. જ્યારે વર્ષ 1967 ચૂંટણીમાં 16 બેઠકો પર ચૂંટણી લડતાં એક બેઠક પર જીત મળી હતી.

 રાજકોટ 1 બેઠક પર જનસંઘની જીત

ગુજરાતના રાજકારણમાં 1967 ના ચૂંટણી જંગમાં ભારતીય જન સંઘનું ખાતું ખુલ્યું હતું. રાજકોટ 1 બેઠક પરથી સી.એચ. શુકલા વિજયી થતાં ભારતીય જન સંઘને પ્રથમ બેઠક મળી હતી. અગાઉની 1962ની ચૂંટણીમાં ભારતીય જનસંઘને ચૂંટણીમાં એકેય બેઠક પર જીત મળી ન હતી. સી. એચ. શુકલાને 21555 મત મળ્યા હતા જ્યારે ભારતીય નેશનલ કોંગ્રેસના જે.આર. રાવલને 12177 મત મળ્યા હતા. 9378 મતના માર્જીનથી ભારતીય જનસંઘના ઉમેદવાર શુકલાની જીત થઇ હતી.

વિધાનસભાની બેઠકો વધી 168 થઇ

ગુજરાત રાજ્ય અલગ થયા બાદ થયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણી 154 બેઠકો થઇ હતી. જોકે એ પછી વર્ષ 1967 વિધાનસભા ચૂંટણીમાં બેઠકો વધીને 168 કરવામાં આવી હતી. જેમાં 136 જનરલ, 12 એસ.સી અને 20 બેઠક એસ.ટી માટે અનામત હતી.

સરેરાશ મતદાન 63.70 ટકા નોંધાયું

ગુજરાત બીજી વિધાનસભા માટે સરેરાશ 63.70 ટકા મતદાન થયું હતું. રાજ્યમાં કુલ 54,32,184 પુરૂષ અને 52,62,788 મહિલા મળી કુલ 1,06,94,972 મતદારો નોંધાયા હતા જે પૈકી 37,42,500 પુરૂષ અને 30,70,431 મહિલા મળી 68,12,931 મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે 4,31,807 મત એટલે કે 6.34 ટકા મત રદ થયા હતા.

પાર્ટીઉમેદવારજીતવોટ શેર
ભારતીય નેશનલ કોંગ્રેસ1679345.74
સ્વતંત્ર પાર્ટી1476638.19
પ્રજા સામાજિક પાર્ટી3733.33
ભારતીય જન સંઘ1611.88
રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા400.08
સોશિયાલિસ્ટ પાર્ટી1400.37
અપક્ષ228510.41
કુલ613168100
વર્ષ 1967 યોજાયેલી વિધાનસભા ચૂંટણી પરિણામ

8 બેઠક પર મહિલા ઉમેદવારની જીત

બીજી વિધાનસભાની 168 બેઠકો માટેની ચૂંટણીમાં 599 પુરૂષ અને 14 મહિલા મળી કુલ 613 ઉમેદવારો ચૂંટણી મેદાન જંગમાં ઉતર્યા હતા. જે પૈકી 160 પુરૂષ ઉમેદવાર અને માત્ર 8 મહિલા ઉમેદવારને જીત મળી હતી. રાજ્યની અંજાર, ટંકારા, લાઠી, વિસનગર, ઝાલોદ, માતર, ચોર્યાસી અને ચીખલી બેઠક પર મહિલા ઉમેદવારની જીત થઇ હતી.

ગુજરાત ચૂંટણી 2022 પરિણામ સહિત લેટેસ્ટ વિગત જાણવા ક્લિક કરો

રાજ્યમાં કોંગ્રેસની બેઠકોમાં ઘટાડો નોંધાયો. ગુજરાત અલગ થયા બાદ વર્ષ 1962 માં યોજાયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય નેશનલ કોંગ્રેસને 113 બેઠકો મળી હતી. જ્યારે વર્ષ 1967 માં યોજાયેલી બીજી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના જનાદેશમાં ઘટાડો જોવા મળ્યો હતો. કોંગ્રેસને 93 બેઠકો જ મળી હતી. જ્યારે સ્વતંત્ર પાર્ટીને 66 બેઠકો મળી હતી. જે અગાઉની ચૂંટણી કરતાં 40 બેઠકો વધુ હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : 1962 | 1967 | 1972 | 1975 | 1980 | 1985 | 1990 | 1995 | 1998 | 2002 | 2007 | 2012 | 2017 | મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. વિગતે પરિણામ જાણવા વર્ષ ઉપર ક્લિક કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ