ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે ચૂંટણી અભિયાન માટે નેતાઓને મેદાનમાં ઉતર્યા છે. આજે ચૂંટણી જનસાભા માટે ગુજરાતમાં આવેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ જેપી નડ્ડા (JP Nadda)એ કોંગ્રેસ પક્ષ અને તેના નેતા રાહુલ ગાંધી સહિત તેમની આગેવાનીમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા પર આકરાં પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસ માત્ર દેશના ભાગલા પાડી શકે છે, એક કરી શકતી નથી
જેપી નડ્ડાએ ગુજરાતના નવસારી જિલ્લામાં આજે જનસભાને સંબોધી હતી. ચૂંટણી સભાને સંબોધતા જેપી નડ્ડાએ કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી માત્ર દેશને તોડી શકે છે, તેને એક કરી શકતી નથી. ગુજરાતની આગામી ચૂંટણીની તૈયારીઓને લઈને ચાલી રહેલી રેલીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ વિપક્ષ પર નિશાન સાધ્યું. તેઓ દક્ષિણ ગુજરાતની નવસારી ટાઉન બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈ માટે મત માંગવા આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, નવસારી બેઠક પર પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે મતદાન યોજાશે.
રાહુલ ગાંધીએ અફઝલ ગુરુનું સમર્થન કર્યુંઃ જેપી નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ શુક્રવારે કહ્યું કે મને આશ્ચર્ય થાય છે કે, કોંગ્રેસે ભારત જોડો યાત્રા શરૂ કરી છે કે ભારત તોડો યાત્રા. આ દરમિયાન સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ યાત્રામાં ભારત જોડોના નારા લગાવે છે પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ શું કરે છે? નવસારીમાં રેલીમાં નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દિલ્હીમાં જેએનયુમાં ગયા અને સંસદ પર થયેલા આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ અફઝલ ગુરુની તરફેણમાં સૂત્રોચ્ચાર કરનારાઓને સમર્થન આપ્યું હતુ.
રાહુલ ગાંધીએ વીર સાવરકરનું અપમાન કર્યુંઃ
જેપી નડ્ડાએ કહ્યું કે જ્યારે રાહુલ ગાંધી અફઝલ ગુરુના સમર્થનમાં થઇ રહેલા નારાઓને સમર્થન આપવા JNU પહોંચ્યા ત્યારે તે દરમિયાન ભારત તેરે ટુકડે હોંગે ઈન્શા અલ્લાહ (ભારત તેરે ટુકડે હોંગે, ઈન્શા અલ્લાહ ઈન્શા અલ્લાહ)ના નારા લાગ્યા હતા. તેમણે કહ્યું કે ભૂતકાળમાં રાહુલ ગાંધીએ પણ પોતાના નિવેદન દ્વારા સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરનું અપમાન કર્યું હતું, જે દર્શાવે છે કે કોંગ્રેસ પાર્ટી માત્ર દેશને તોડી શકે છે, તેને એક કરી શકતી નથી.
AAPના પડકારની અવગણના કરી
આ દરમિયાન, જેપી નડ્ડાએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પડકારને નકારી કાઢતા કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આપ પાર્ટી (AAP party) એ યુપી ચૂંટણીમાં 350 બેઠકો માટે તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તેમાંથી 349 બેઠકો પર પાર્ટીની ડિપોઝીટ જપ્ત થઈ હતી. તેમણે એવો પણ દાવો કર્યો છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં 67 બેઠકો પર આમ આદમી પાર્ટીની ડિપોઝીટ જપ્ત થવાનો દાવો કર્યો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના મહત્વના 3 સમાચાર ભાજપનો ‘કાર્પેટ બોમ્બિંગ’ ચૂંટણી પ્રચાર, 29 નેતાઓ 82 બેઠકો પર સભા ગજવશે ગુજરાત ચૂંટણીમાં 14 જિલ્લાની 93 બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ ગુજરાત ચૂંટણીમાં P ફોર પોલ, P ફોર પાટીદાર, ચૂંટણીમાં આ સમુદાયની નિર્ણાયક ભૂમિકા
નડ્ડાએ એવો પણ દાવો કર્યો હતો કે ભાજપ વિકાસના મુદ્દા પર મિશન મોડમાં કામગીરી કરે છે, જ્યારે વિપક્ષી પાર્ટીઓ માત્ર લાંચ કે કિકબેકને પ્રોત્સાહન આપવાના હેતુથી કામ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની આગેવાનીમાં માત્ર એક જ એઈમ્સ (AIIMS)ની સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે PM મોદીના નેતૃત્વમાં 15 AIIMSની સ્થાપના કરવામાં આવી છે. આમાંથી એક ગુજરાતના રાજકોટમાં પણ બની રહી છે.