ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : નરેન્દ્ર મોદી કેન્દ્રમાં ગયા પણ ગુજરાતમાં બીજેપીનો દબદબો યથાવત્ રહ્યો

Gujarat Election Result 2022: ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ફરી સરકાર બનાવવા સફળ રહી હતી

Written by Ashish Goyal
Updated : December 07, 2022 18:11 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : નરેન્દ્ર મોદી કેન્દ્રમાં ગયા પણ ગુજરાતમાં બીજેપીનો દબદબો યથાવત્ રહ્યો
2017માં સરકાર બન્યા પછી વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા (Express photo Javed Raja)

Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં મત ગણતરી 8 ડિસેમ્બરે યોજાવાની છે. એટલે કે એક દિવસ પછી ખબર પડી જશે કે ગુજરાતમાં કોની સરકાર બનશે. આ પ્રસંગે અમે 2017ના પરિણામ વિશે જાણકારી આપી રહ્યા છીએ. તે સમયે કેવી સ્થિતિ હતી. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનીને કેન્દ્રમાં ગયા પછી ગુજરાતમાં વિધાનસભાની પહેલી ચૂંટણી યોજાઇ હતી.

2017માં પણ બે તબક્કામાં યોજાઇ હતી ચૂંટણી

2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી 9 અને 14 ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજાઇ હતી. આ ચૂંટણીમાં 69.01 ટકા મતદાન થયું હતું. તે વખતે ગુજરાતમાં 4 કરોડ 33 લાખ મતદારો નોંધાયા હતા. જેમાંથી 30053626 લોકોએ મતદાન કર્યું હતું.

નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી ગુજરાતમાં વિધાનસભાની પહેલી ચૂંટણી યોજાઇ

ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદી 2014માં લોકસભાની ચૂંટણી જીતીને પ્રધાનમંત્રી બન્યા હતા. તે પ્રધાનમંત્રી બન્યા પછી ગુજરાતમાં તેમની ગેરહાજરીમાં પહેલી વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. તે ઓક્ટોબર 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને ગુજરાત મોડલની અલગ ઓળખ બનાવી હતી. આથી ભાજપ માટે આ ચૂંટણી જીતવી ઘણી મહત્વની હતી.

આ પણ વાંચો – ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : ભારતીય નેશનલ કોંગ્રેસે આપી હતી પ્રથમ ગુજરાત સરકાર

પાટીદાર અનામત આંદોલનની અસર

હાર્દિક પટેલની આગેવાનીમાં પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઇ હતી. તેની અસર 2017ની ચૂંટણીમાં સ્પષ્ટ રૂપે જોવા મળી હતી. ભાજપની મતબેંક રહેલા પાટીદારો પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા હતા. આ સિવાય અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી પણ યુવા ચહેરા તરીકે સામે આવ્યા હતા. જેના કારણે ભાજપને ચૂંટણીમાં નુકસાન થયું હતું.

ભાજપ ફરી સરકાર બનાવવા સફળ પણ સીટો ઘટી

પાટીદાર આંદોલનની અસર ચૂંટણીમાં જોવા મળી હતી અને ભાજપની સીટમાં ઘણો ઘટાડો થયો હતો. ભાજપ સરકાર બનાવવા સફળ રહ્યું હતું પણ સીટો ઘટી હતી. ભાજપને 182માંથી 99 સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસને 77 સીટો મળી હતી. સરકાર બન્યા પછી વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા.

પાર્ટીસીટ
ભારતીય જનતા પાર્ટી99
કોંગ્રેસ77
ભારતીય ટ્રાયબલ પાર્ટી2
અન્ય4

મળેલા મતના ટકાવારીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને 49.1% જ્યારે કોંગ્રેસને 41.4% ટકા વોટ મળ્યા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : 1962 | 1967 | 1972 | 1975 | 1980 | 1985 | 1990 | 1995 | 1998 | 2002 | 2007 | 2012 | 2017 | મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. વિગતે પરિણામ જાણવા વર્ષ ઉપર ક્લિક કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ