મોરબીમાં ઝુલતો પુલ એકાએક તૂટી પડવાની એક કરુણાંતિક સર્જાઇ છે. આ બ્રિજનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરાયુ હતુ. જો કે ચોંકાવનારી બાબત એ છે કે, રિનોવેશન કર્યા બાદ તેને ફિટનેસ સર્ટિફિકેટ ઇશ્યૂ કર્યા વગર જ મોરબીના કેબલ બ્રિજનું ઉદઘાટન કરીને તેને જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યુ હતા. આટલી ગંભીર બેદરકારીના લીધે આજે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે.
ફિટનેસ સર્ટિફિકેટ વગર જ બ્રિજ ખુલ્લો મુકાયોઃ-
ગુજરાતના મોરબી જિલ્લામાં રવિવારે મોડી સાજે કેબલ બ્રિજ પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 50 થી વધુ લોકોના મોત થયા છે અને હાલ નદીમાં ડુબી ગયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. મોરબી મ્યુનિસિપલ કમિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એસ.વી. ઝાલાએ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે, ફિટનેસ સર્ટિફિકેટ ઇશ્યૂ કર્યા વગર જ આ કેબલ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ- મોરબી ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના કેવી રીતે સર્જાઈ? લોકોની ચીચીયારીઓથી વાતાવરણ ગમગીન
મોરબી મ્યુનિસિપલ કમિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે સ્થાનિક મીડિયાને સંબોધતા કહ્યું: “લાંબા સમયથી આ કેબલ પુલ જાહેર જનતા માટે બંધ હતો. સાત મહિના પહેલા એક ખાનગી કંપનીને આ બ્રિજના રોનેવેશન અને જાળવણીની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને ખાનગી કંપની દ્વારા 26 ઓક્ટોબરે (ગુજરાતી નવા વર્ષના દિવસે) પુલને લોકો માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જો કે સૌથી મોટી બાબત એ છે કે, નગર પાલિકાએ આ બ્રિજને ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું જ ન હતું.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કંપનીએ એન્જિનિયરિંગ કંપની પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યું હોય તેવી શકયતા છે, પરંતુ તે આજદિન સુધી નગરપાલિકામાં રજૂ કરવામાં આવ્યું નથી. કંપનીએ, તેની પોતાની મરજીથી અને સરકારી વિભાગને જાણ કર્યા વગર જ કેબલ બ્રિજને જાહેર જનતા માટે ફરીથી ખુલ્લો મૂક્યો છે એવો તેમણે આક્ષેપ કર્યો હતો.
2 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજનું રિનોવેશન કરાયું
મોરબીનો આ ઝુલતો પુલ શહેરમાં આવેલી કુંડ મહાપ્રભુજીની બેઠક અને સામેના કિનારને જોડતો હતો. 140 વર્ષથી વધારે જૂના આ સસ્પેન્શન બ્રિજની લંબાઇ લગભગ 765 ફુટ અને પહોળાઇ 1.25 મીટર છે. મોરબીમાં મચ્છુ નદી પર બનેલો આ બ્રિજનું રેનોવેશન કરવાનું હોવાથી તે છ મહિના માટે બંધ રાખવામાં આવ્યો હતો. આ પુલના રિનોવેશન પાછળ બે કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. રિનોવેશનની કામગીરી પૂર્ણ થયા બાદ પાંચ દિવસ પહેલા જ તેને જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યો રવિવારે આ કરુણાંતિક સર્જાઇ.